Western Times News

Gujarati News

દોહિત્રની કસ્ટડી માટે હાઈકોર્ટની શરણે પહોંચ્યા વૃદ્ધ નાના-નાની

અમદાવાદ, ઢળતી ઉંમરે પૌત્ર-પૌત્રી કે દોહિત્ર-દોહિત્રી સાથે રમવાની અને રમાડવાની ઝંખના દરેક વૃદ્ધને હોય પરંતુ તેના માટે કોર્ટના દ્વાર ખખડાવવા પડે તેના જેવું હૃદયવેધક શું હોઈ શકે? વૃદ્ધ નાના-નાનીએ પોતાના દોહિત્રની કસ્ટડી મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરી છે.

આ વૃદ્ધ દંપતીએ કોર્ટમાં જણાવ્યું કે, તેમની દીકરીએ સાસરિયાંના ત્રાસથી આપઘાત કરી લેતાં તેમનો ત્રણ વર્ષનો દોહિત્ર ફોઈ પાસે છે. બાળકના પિતા જેલમાં છે અને અન્ય પરિવારજનો ફરાર છે. આવા સંજાેગોમાં બાળકના હિતને ધ્યાનમાં રાખીને તેની કસ્ટડી નાના-નાનીને સોંપવામાં આવે. હાઈકોર્ટે આ મામલે પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને કેસની સુનાવણી ૨૯ જૂન પર મુલતવી રાખી છે.

આ મામલાની વિગતાવાર વાત કરીએ તો, ગાંધીનગરના આદરજ મોટી ગામમાં થોડા દિવસ અદાઉ એક પરિણીતાએ આપઘાત કર્યો હતો. પતિ અને સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને મહિલાએ અંતિમ પગલું ભર્યું હતું. ગાંધીનગરના પોર ગામમાં રહેતા મહિલાના માતાપિતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની ૨૭ વર્ષીય દીકરીના લગ્ન છ વર્ષ પહેલા ગોવિંદ નામના યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને એક પુત્ર જન્મ્યો હતો, જેની ઉંમર હાલ ત્રણ વર્ષ છે.

સાસરિયાના ત્રાસથી મહિલાએ અગાઉ પણ આપઘાતની વાત કરતાં માતાપિતાએ તેને સમજાવી હતી. પરંતુ તેના પર જે ત્રાસ ગુજારવામાં આવતો હતો તેનાથી કંટાળીને તેણે છેલ્લું પગલું ભર્યું હતું. દીકરીના મોત બાદ તેના માતાપિતા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સાસરી પક્ષના લોકો બાળકને લઈને નાસી ગયા હતા.

બાદમાં તેમણે ત્રણ વર્ષના બાળકની કસ્ટડી મૃતકની નણંદને સોંપી હતી. આ દરમિયાન પોલીસે ફરાર થયેલા મૃતકના પતિ અને અન્ય સાસરિયાની ધરપકડ કરી હતી. જેઓ હાલ જેલમાં છે. અહેવાલ પ્રમાણે, બાળકના નાના-નાનીએ એડવોકેટ ચિરાગ પ્રજાપતિ મારફતે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે.

તેમણે કોર્ટમાં દલીલ કરી કે, ‘દોહિત્રની કસ્ટડી મૃતક દીકરીની નણંદ પાસે છે અને તેમને બાળક પ્રત્યે સહેજ પણ લાગણી નથી. જ્યારે નાના-નાની અને મામા સાથે તેના લાગણીભર્યા સંબંધો છે. જેથી દોહિત્રની કસ્ટડી નાના-નાનીને સોંપી દેવી જાેઈએ.’ આ મામલે હાઈકોર્ટે કેસની સુનાવણી ૨૯ જૂને મુલતવી રાખી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.