Western Times News

Gujarati News

ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું

અમરેલી જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નદીમાં પાણી આવ્યું છે. શેત્રુંજી નદીમાં પાણી આવતા ઘોબાથી ઠાંસા જવાના પુલ પર લોકો પાણી જોવા માટે ઉમટી પડયા હતા. અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરતપણે વરસી રહ્યો છે.

ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોએ કરેલ વાવેતરને જીવતદાન મળ્યું છે. ખેડૂતોના પાક બળી જવાના આરે હતા, ધરતીપુત્રો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ વરસાદના કારણે પાકને જીવતદાન મળ્યું છે.

આ ઉપરાંત સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જ્યારે મધરાતે પડેલા વરસાદના કારણે નાવલી નદી પણ બે કાંઠે વહેતી થઇ હતી,

પરંતુ વહેલી સવારે પાણી ઓસરી જવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પૂર આવે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડયો છે. રાજુલાના દેવકા અને હડમતીયા સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા હતા.

જ્યારે રાજુલા પંથકમાં વરસાદ પડતા જ વીજળી ગુલ થતા સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવી હતી. બગસરામાં પણ વહેલી સવારે વરસાદ વરસતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી. બવાડા, બવાડી, મોટા છારોડીયા, ઇંગોરાળા, નાના રાજકોટ,મોટા આંકડીયા, લુણીધારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યાં છે. આમ, અમરેલી જિલ્લામાં મેઘાએ મુકામ કરતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.