Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ દિવ્યાંગોજનોને ‘દિવ્યાંગ’ નામ આપી એમના જીવનની મોટી ભેટ આપી છે: અમિત શાહ

મોદી સરકારે પાંચ મહિનામાં પાંચ વર્ષમાં સરકારો જે કામ ન કરી શકે એવા કાર્યો કર્યાં છે : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતે  કે. આઈ. આર. સી કેમ્પસમાં દિવ્યાંગોને સહાયક ઉપકરણોનો વિતરણ કાર્યક્રમ યોજાયો

કલોલ,  કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, મોદી સરકારે ભૂતકાળની સરકારો જે કામ નથી કરી શકી એ કાર્યો માત્ર પાંચ મહિનામાં કર્યાં છે, પ્રધાનમંત્રી મોદીએ દિવ્યાંગ નામ આપીને દિવ્યાંગજનોને એક અનન્ય ઓળખ આપી છે, જે આવનારી પેઢી ક્યારેય નહીં ભૂલી શકે, તેમણે વધુમાં જણાવાયું કે, આજે સમાજિક અધિકારીતા મંત્રાલય દ્વારા એડિપ અને વયોશ્રી યોજના હેઠળ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને ધનતેરશના દિવસે સહાયક સાધનો આપીને દિવાળીના અવસર પર તેમના જીવનમાં ઉજાસ ભરવાનું કાર્ય કર્યું છે, તેઓ સામાજિક અધિકારીતા મંત્રાલય  દ્વારા આયોજિત સામાજિક અધિકારીતા શિબિર તથા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સાધન સહાય આપવાના એક કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને સંબોધી રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેમની બે દિવસની મુલાકાત દરમિયાન તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં રૂપિયા 1378 કરોડના લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનમાં દરેક બહેનોએ પોતાનો સહયોગ આપવો જોઈએ, ખાસ કરીને શાકભાજી ખરીદવા જતી વખતે હાથમાં કાપડની થેલી લઇને જવું, શરૂઆતમાં થોડો મુંજારો થશે પણ બહેનો યાદ રાખજો આવનાર સમયમાં હાથમાં થેલી લઇને શાકભાજી ખરીદવા જવું એ એક ફેશન બનશે. તેમણે વધુ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની થેલી ન વાપરવી એ પણ દુનિયા માટે એક મોટી સેવા જ છે.

આ વિશાળ શિબિરમાં એડિપ યોજના અંતર્ગત 3620 દિવ્યાંગજનોને તથા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 1164 વરિષ્ઠ નાગરિકો (BPL શ્રેણીમાં સમાવિષ્ટ)ને 9966 જેટલા રોજિંદા જીવનમાં ઉપયોગી સહાયક સાધનો અને વિવિધ શ્રેણી માટે જુદા-જુદા પ્રકારના ઉપકરણોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 4784 લાભાર્થીઓને સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું અંદાજિત મૂલ્ય રૂ. 520 લાખ છે. આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને મોટર ટ્રાયસિકલ, વૃદ્ધો-વડીલોને ચશ્માં, દાંતના ચોકઠા, પ્રજ્ઞાચક્ષુઓને ચાલવામાં મદદ રૂપ થઇ શકે એવી આધુનિક ટેકણ લાકડીઓ, ઉપરાંત અનેક પ્રકારની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિર પૂર્વે માનનીય મંત્રીશ્રીએ કલોલ ખાતે એક ઓવરબ્રિજનું લોકાપૂર્ણ કર્યું હતું, જેનું નામ ગાયત્રી ઓવરબ્રિજ આપવામાં આવ્યું છે સાથે-સાથે ગૃહમંત્રી શ્રી અમિત શાહે કલોલ એપીએમસી ખાતે કાર્યાલય ભવનનું ખાત મુહુર્ત તથા આરામ ગૃહ અને ડાઇનિંગ હોલનું પણ ઉદઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય સામાજિક અધિકારીતા અને ન્યાય મંત્રી શ્રી થાવરચંદ ગહેલોતે જણાવ્યું હતું કે મોદી સરકારે દિવ્યાંગો માટે વિશેષ આયોજન કર્યું છે, આજે ધનતેરસના દિવસે દિવ્યાંગજનોને કરોડોની કિટ આપીને મને આનંદ અને સંતોષની લાગણી થાય છે, મને દિવ્યાંગોની સેવા કરવા માટે મોદી સરકારે જે તક આપી છે એ માટે હું એમનો આભાર માનું છું. આ પ્રસંગે ગાંધીનગર-કલોલ વિસ્તારના વરિષ્ઠ નેતાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.