Western Times News

Gujarati News

ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ કરતા બાળકો માટે સિગ્નલ સ્કૂલો શરૂ કરાશે

signal school for poor students of Gujarat

પ્રધાનમંત્રીશ્રી ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ કરતા વંચિત-દરિદ્ર બાળકો માટે ‘ભિક્ષા નહીં શિક્ષા’નો અભિગમ પાર પાડી એક પણ બાળક શિક્ષણ મેળવવાથી બાકાત ન રહે તેવું આયોજન કરાશે  – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં સિગ્નલ સ્કૂલના બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો -:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-

છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ-કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા સફળ પ્રયત્નો સરકારે કર્યા-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં રાજ્યમાં શિક્ષણનો મજબૂત પાયો નખાયો તેના ખૂબ સારા પરિણામો જોવા મળી રહ્યા છે

ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ કરતા અને શિક્ષણથી વંચિત રહેલા બાળકોના શિક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાસે વિચાર રજૂ કરતાં તેમણે માત્ર ૧૫ દિવસમાં અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ શરૂ કરાવી  સર્વગ્રાહી શિક્ષણ અંગેના વિચારને સાકાર થતો જોવો તે બેવડા આનંદની વાત સમગ્ર ગુજરાતમાં સિગ્નલ સ્કૂલ શરૂ થાય તો સમગ્ર રાજ્યમાં ‘ભિક્ષા નહિ શિક્ષા’નું સુત્ર ચરિતાર્થ થાય. signal school for poor students of Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષા વૃત્તિ કરતા વંચિત-દરિદ્ર બાળકો માટે ‘ભિક્ષા નહીં શિક્ષા’નો અભિગમ પાર પાડી એક પણ બાળક શિક્ષણ મેળવવાથી બાકાત ન રહે તેવું આયોજન કરાશે.

રાજ્યમાં જ્યાં જરૂર જણાય ત્યાં સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ છે. છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ-કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયત્નો સરકારે કર્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ન્યાયમૂર્તિ શ્રી અરવિંદકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે ગુજરાત સિગ્નલ સ્કૂલનાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મ્યુનિ. સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં શરૂ કરાયેલી સિગ્નલ સ્કૂલનાં ૧૩૯ બાળકોને આજે મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાયો હતો. સિગ્નલ સ્કૂલના પ્રતિનિધિ રૂપ ૧૦ બાળકોને શૈક્ષણિક કિટ એનાયત કરવામાં આવી હતી તેમજ ૨ બાળકોને શાળા પ્રવેશનો પત્ર આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચાર રસ્તા -સિગ્નલ પર ભિક્ષા માગતા બાળકો જ નહિ, પરંતુ વિચરતી જાતિના તેમજ અગરિયાનાં બાળકો સુધી પણ શિક્ષણ પહોંચે એ માટે રાજ્ય સરકારે વ્યાપક આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ સૌને મળે તેમજ વંચિત, પીડિત, શોષિત કે વિચરતી જાતિના કોઈ બાળક શિક્ષણથી કે શાળા પ્રવેશથી બાકાત ન રહે તેવી આપણી નેમ છે. અગરિયા વિસ્તારમાં ૪૦ જેટલી સ્કૂલ ઓન વ્હીલ્સ અને વિચરતી જાતિના લોકો માટેની વસાહતોમાં શાળા અને હોસ્ટેલની સુવિધાઓ પણ આપી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં બાળકોને શિક્ષણરૂપી અમૃત આપીને તેમનું જીવન ઘડતર કરાશે. બાળકનો શાળામાં પ્રવેશ સમાજ માટે ઉત્સવનું વાતાવરણ બને એવી પહેલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં ૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવથી ગુજરાતમાં થઈ હતી.

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા આ શિક્ષણ સેવાયજ્ઞની ૧૭મી કડી આ વર્ષે ૨૩, ૨૪, અને ૨૫ જૂન દરમિયાન રાજ્યભરમાં યોજાઇ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં શિક્ષણનો મજબૂત પાયો નખાયો એના ખૂબ સારાં પરિણામો જોવા મળી રહ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ વર્ષના પ્રવેશોત્સવની સફળતા અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે પ્રવેશોત્સવના બે દિવસમાં ધોરણ-૧માં ૩.૮૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તથા ૧.૮૮ લાખથી વધુ કન્યાઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે ૭૮,૦૦૦ બાળકોએ આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે, જે આનંદની વાત છે. ૨૦૦૩થી અત્યાર સુધી ઉજવાયેલા પ્રવેશોત્સવની સમગ્રતયા સફળતા અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લાં ૨૦ વર્ષમાં ડ્રોપ આઉટ રેશિયો ૩૭.૨૨%થી ઘટીને આજે  ૩.૩૯% થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મેળવાયેલી સિદ્ધિઓની વાત કરતાં કહ્યું કે, છેલ્લાં ૨૦ વર્ષ પહેલાં ૨૧ યુનિવર્સિટી હતી, આજે ૧૦૩ થઈ ગઈ છે, કોલેજોની સંખ્યા ૭૭૫ થી ૩૧૧૭ સુધી વધી છે, એન્જિનિયરિંગ કૉલેજો ૨૬ હતી, તે વધીને આજે ૧૩૩ થઈ છે, ૩૧ પોલિટેક્નિક કૉલેજો હતી, આજે તેની સંખ્યા વધીને ૧૪૪ થઈ છે. પ્રોફેશનલ કૉલેજો ૧૦૮ હતી તે વધીને ૫૦૩ થઈ છે. મેડિકલ સીટો ૧૩૭૫ હતી, તે વધીને ૫૭૦૦ થઈ છે.

તેમણે જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ, ટેક્નિકલ શિક્ષણની સુવિધાઓ વધારતા જઈને રાજ્ય સરકારે સૌને શિક્ષણના અવસરો પૂરા પાડ્યા છે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમારે સિગ્નલ સ્કૂલનો વિચાર કેવી રીતે આવ્યો તેનો કર્ણાટકનો પ્રસંગ યાદ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર  પાસે આ વિચાર રજૂ કરતાં તેમણે ત્વરિત પ્રતિસાદ આપીને માત્ર ૧૫ દિવસમાં અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ શરૂ કરાવી હતી, તેના પરિણામે આજે ૧૩૯ બાળકો મુખ્યધારાની શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. સર્વગ્રાહી શિક્ષણ અંગેના વિચારને સાકાર થતો જોવો બેવડા આનંદની વાત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ચીફ જસ્ટિસશ્રીએ મુખ્યમંત્રીશ્રીને સમગ્ર રાજ્યમાં જરૂર જણાય ત્યાં ‘ભિક્ષા નહિ શિક્ષા’ને ચરિતાર્થ કરતી સિગ્નલ સ્કૂલો શરૂ કરવાનો અનુરોધ પણ કર્યો હતો.

ચીફ જસ્ટિસશ્રીએ શિક્ષક અને ગુરુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા શિક્ષકોને બાળકોના માત્ર ઇન્સ્ટ્રક્ટર નહિ, પરંતુ તેમના જીવન અને વ્યક્તિત્વના કન્સ્ટ્રક્ટર બનવા અનુરોધ કર્યો હતો. ન્યાયમૂર્તિશ્રીએ એક વાર્તા થકી દરેક શિક્ષકને માતા અને ગુરુ સમાન બનવાની પ્રેરણા પૂરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના રસ્તાઓ પર જોવા મળતા ભિક્ષુક બાળકોને શાળાકીય શિક્ષણ અપાવવાના હેતુથી ગતવર્ષે ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો જે અંતર્ગત આવા બાળકોને શરૂઆતમાં બ્રીજ કોર્ષથી ભણાવવામાં આવે છે અને ત્યારબાદ નજીકની શાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે.

શહેરના ૧૩૯ આવા બાળકોને મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશ કરાવ્યો હતો જ્યારે નવા ૧૧૦ બાળકોનું સિગ્નલ સ્કૂલ માટે નામાંકન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સેહરા, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર. એ. ત્રિવેદી,  સ્કૂલ બોર્ડના ચેરમેન  ડૉ. સુજય મહેતા અને વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક તથા મ્યુનિ.કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.