Western Times News

Gujarati News

જામનગરમાં કચરામાંથી દૈનિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે

દૈનિક ૪૫૦ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવતા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે

જામનગરવાસીઓને ગુજરાતના સૌપ્રથમ  વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ભેટ આપતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર” રેલવે ઓવરબ્રિજ તથા નાગમતી નદીના  પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોર લેન રોડનું પણ મુખ્યમંત્રીશ્રીએ ઇ-લોકાર્પણ કર્યું

હાપા ખાતે યુ.સી.એચ.સી. સેન્ટર તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલ્ટ રોડના કામો તથા ડી. આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયના કામોનું મુખ્યમંત્રીશ્રીએ  ઇ-ખાતમુહૂર્ત કર્યું

જામનગરમાં સ્થપાયેલ ગુજરાતના સર્વપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થકી પર્યાવરણની જાળવણી સાથે વીજળી ઉત્પન્ન થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સરકારના પ્રયાસો થકી જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે.
ઓવરબ્રિજ થકી એરફોર્સ તેમજ રિંગ રોડ પર વિકસેલ સોસાયટીઓની અંદાજે ૧ લાખ જેટલી વસ્તીને જામનગર શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા  જી.યુ.ડી.એમ. તેમજ ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગતના કુલ રૂ.૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૧૨૮ કરોડના કામોના લોકાર્પણ જેમાં રૂ.૯૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પી.પી.પી. બેઈઝ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજનાની તથા જીયુડીસીની ગ્રાન્ટ અંતર્ગત એલ.સી.નં.૧૯૯ રેલ્વે ક્રોસિંગ ઉપર રૂ.૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટુ લેન “ડૉ બાબાસાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રિજ તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ રૂ. ૮ કરોડના ખર્ચે બનાવેલ

નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું લોકાર્પણ તેમજ રૂ. ૬૧ કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયનું કામ, શહેરમાં જુદી જુદી જગ્યાએ આસ્ફાલ્ટ રોડના કામોનું રૂ. ૧૫ કરોડના ખર્ચે તથા હાપા ખાતે રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર યુસીએચસી સેન્ટર બનાવવાના કામોના એમ કુલ રૂ.૮૬ કરોડના કામોના ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જણાવ્યું હતું કે, વિકાસની દિશામાં જામનગરએ વધુ એક હરણફાળ ભરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર વિકાસના સતત કામો કરી રહી છે અને જન જન સુધી વિકાસની ગાથા પહોંચી છે.

જામનગરમાં ૯૦ કરોડની રકમથી સાકાર થયેલો ગુજરાતનો સર્વ પ્રથમ અત્યાધુનિક અને પી.પી.પી. બેઇઝ આધારિત  વેસ્ટ ટૂ એનર્જી  પ્લાન્ટ દૈનિક ૪૫૦ મેટ્રિક ટનની કેપેસિટી ધરાવે છે. આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક ૭.૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે અને પર્યાવરણ જાળવણી પણ થશે.

ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા નહિ થાય. જામનગરના ગોરધનપરમાં વિશ્વનું એક માત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મીડિસન સ્થાપવા જઇ રહ્યું છે તેનાથી વિશ્વ સ્તરે જામનગર અને ગુજરાતે આગવી ઓળખ મેળવી છે. જામનગરમાં વિકાસના સતત કાર્યો થઈ રહ્યા છે તેના થકી લોકોની સુખ-સુવિધાઓમાં વધારો થયો છે.

છેલ્લા ૫ વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગરને ૧૦૯૬ કરોડ રૂપિયા વિકાસ કર્યો માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા, ઉપસ્થિત મહાનુભાવો તેમજ શહેરીજનોને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધનમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં વિકાસના અવિરત કાર્યો થઈ રહ્યા છે. ગુજરાતનાં સર્વ પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની જામનગરમાં સ્થાપના થવાથી પ્રદૂષણ ઘટશે. તેમજ ઓવરબ્રિજ થકી એરફોર્સ તેમજ રિંગ રોડ પર વિકસેલ સોસાયટીઓની અંદાજે ૧ લાખ જેટલી વસ્તીને જામનગર શહેર સાથે સીધી કનેક્ટિવિટી મળશે. જેને લીધે સમય તથા ઈંધણની પણ બચત થશે.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયાએ સ્વાગત પ્રવચન તેમજ મેયર શ્રી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉદ્બોધન કર્યું હતું અને ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, કમિશનર શ્રી વિજય ખરાડી, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, સાશક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડયા, વિરોધ પક્ષના નેતા શ્રી આનંદભાઈ રાઠોડ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, શ્રી મેરામણભાઈ ભાટુ, પ્રદેશ પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી હિરેનભાઈ પારેખ, શ્રી ચંદ્રેશભાઈ, વેસ્ટન રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર તુષારભાઈ મિશ્રા, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કંપનીના અધિકારીશ્રીઓ, વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.