Western Times News

Gujarati News

હાસ્યલેખક સ્વ. વિનોદ ભટ્ટને (મરણોત્તર) સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાતના અગ્રણી સામાયિક ‘ચિત્રલેખા’નો વજુ કોટક સુવર્ણ ચંદ્રક એનાયત

સ્વ. વિનોદ ભટ્ટે દાયકાઓ સુધી લોકોને હસાવ્યા, ચિત્રલેખાએ દાયકાઓ સુધી લોકોને જ્ઞાન પીરસ્યું

ગુજરાતનું એકમાત્ર સામાયિક જેની કોલમ પરથી સૌથી લાંબી ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ બની એ આપણું સૌનું ગૌરવ- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હાસ્ય લેખનથી માત્ર ગુજરાત નહીં પણ વિશ્વભરમાં વસતા લાખો ચાહકોના હૃદય પર રાજ કરનાર લોકલાડીલા હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને મરણોતર વજુ કોટક સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ગુજરાતના અગ્રણી સામાયિક ચિત્રલેખા દ્વારા સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટે આ સન્માન સ્વીકાર્યુ હતુ.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પણ નહીં ચિત્રલેખા પરિવાર સાથે અતૂટ નાતો ધરાવતા વાચક તરીકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અહીં હાજર પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વિનોદ ભટ્ટ જેવા સમર્થ લેખકને મરણોત્તર વજુ કોટક સુવર્ણ પદક એનાયત થવો માત્ર વિનોદ ભટ્ટ પરિવાર જ નહીં સમગ્ર ગુજરાત માટે આનંદનો અવસર છે.  આ એવોર્ડ આપવાનો અવસર મને પ્રાપ્ત થયો એ મારા માટે પણ ગૌરવની વાત છે…

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 7 દાયકાથી ચિત્રલેખા દરેક ઘરમાં પહોંચતું સામાયિક છે એ બદલ સમગ્ર ચિત્રલેખા ટીમને અભિનંદન પાઠવું છું. પોતાના તરફથી પત્રકારત્વ અને સાહિત્યમાં સુવર્ણપદક આપવાની શરૂઆત કરનાર ચિત્રલેખા એ પહેલું સામાયિક છે.

સ્વર્ગસ્થ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, વિનોદ ભટ્ટ એટલે હાસ્યનો પર્યાય અને ચિત્રલેખા એટલે ગુજરાતીઓની પોતિકી ઓળખ વિનોદ ભટે ગુજરાતીઓને દાયકાઓ સુધી હસાવ્યા અને ચિત્રલેખાએ પત્રકારત્વ થકી જ્ઞાન પીરસ્યું. મને ખાતરી છે કે આજે સ્વર્ગમાં પણ વિનોદ ભટ્ટ ચિત્રગુપ્ત ને હસાવતા હશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણે સૌ ગૌરવ લઈ શકીએ કારણ કે ચિત્રલેખા એકમાત્ર એવું સામાયિક છે કે જેની કોલમમાંથી  સુપ્રસિદ્ધ ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બની. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોલમ પ્રસિદ્ધ કરવા બદલ પણ તેમણે ચિત્રલેખાને અભિનંદન પાઠવ્યા.

ચિત્રલેખા સામાયિકને 72 વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ચિત્રલેખા આજે પરિવારના સભ્ય જેવું બની ગયું છે સ્વર્ગસ્થ વજુભાઈ કોટક અને તેમના પત્ની સહધર્મચારિણી માધુરી બહેનનું સંપૂર્ણ જીવન ચિત્રલેખાને સમર્પિત હતું. ચિત્રલેખાના 60 વર્ષ પૂર્ણ થવા પર તત્કાલીન કેન્દ્ર સરકારે ચિત્રલેખા ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. કલા તથા સાહિત્યને પ્રોત્સાહન થકી સમાજના વિકાસ બદલ તેમણે ચિત્રલેખાનો આભાર પણ માન્યો. અંતે મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભારત વર્ષની આઝાદીના ગૌરવંતા ઇતિહાસને જનજજન સુધી અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવા પત્રકારત્વ જગતને આહવાન કર્યું.

આ તકે ઉપસ્થિત શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘણીએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિનોદભાઈ ભટ્ટને વજુ કોટક સુવર્ણ ચંદ્રક આપવાનો કાર્યક્રમ ઐતિહાસિક કહી શકાય. આપણે સૌએ સાથે મળીને વિનોદભાઇના સંસ્મરણો વાગોળ્યા છે. આજે સૌથી વધુ જરૂર હાસ્યની છે ત્યારે વિનોદભાઈ હાસ્ય થકી સદૈવ જીવંત રહેવાના છે. હું ખુદ પણ ચિત્રલેખા વાંચીને મોટો થયો છું. સમાજની ખરા અર્થમાં સેવા કરનાર લોકોને શોધીને સામાયિકમાં સ્થાન આપે છે અને એ સાતત્ય જાળવી રાખ્યું છે તે બદલ ચિત્રલેખા પરિવારને અભિનંદન પાઠવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.