Western Times News

Gujarati News

અમદાવાદ ભૂવાનગરી બનતાં કોર્પોરેશનનાં સત્તાધીશો જાગ્યાં

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં પડેલા અનરાધાર વરસાદ શહેરમાં અનેક જગ્યાએ ખાડાઓ અને ભૂવાઓ પડતાં લોકોમાં રોષ ફેલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થતાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ભાજપના સત્તાધીશો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તાકીદની બેઠક કરવામાં આવી હતી.  શહેરમાં પડેલા ભૂવા અને રોડ-રસ્તાઓના તૂટવા અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટ્યા છે અને ભૂવા પડ્યા છે. ત્યાં ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદમાં થયેલા નુકસાનના કારણે ઝડપી કામગીરી કરવા માટે એન્જિનિયરિંગ અને અન્ય વિભાગના કર્મચારીઓ બે શિફ્ટમાં ૧૫થી ૧૬ કલાક કામગીરી કરશે. જેટલા પણ ખાડા પડ્યા છે અને ભૂવા પડ્યા છે તેને રીપેરીંગ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં શહેર પ્રમુખ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્ર શાહ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરૂણસિંહ રાજપૂત, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ ચેરમેન મહાદેવ દેસાઈ અને ડેપ્યુટી ચેરમેન શંકર ચૌધરી સહિતના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયરિંગ વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ બેઠક અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ જેટલું પણ નુકસાન અમદાવાદ શહેરમાં થયું છે. તેને અંગે આજે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.

જેમાં એન્જિનિયરિંગ વિભાગના તમામ અધિકારીઓ અને તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો હાજર હતા. શહેરમાં ભારે વરસાદ બાદ રોડ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચાર હજારથી વધુ જેટલા ખાડા રિપેર કરવામાં આવ્યા છે અને દરરોજના ૧૦૦૦ જેટલા ખાડાઓ રિપેર કરવામાં આવી રહ્યા છે.

૨૭ જેટલી ગટર લાઇનો બ્રેકડાઉન થઇ છે, જેમાં અત્યાર સુધીમાં સાત બ્રેકડાઉન રિપેર થઈ ચૂક્યા છે. જ્યારે બ્રેકડાઉનની કામગીરી બાકી છે, જે આગામી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. રોડ પર પડેલા ખાડાઓને રસ્તાઓ તૂટવા મામલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જવાબદારી મામલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો

કે, શહેરમાં પડેલા ભારે વરસાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કાર્યરત હતાં. દરેક જગ્યાએ નુકસાન થયું છે, જેમાં રોડ પણ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તેને પણ નુકસાન થયું છે, જેને કરવાની કામગીરી કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ૩૩૦૦ કિલોમીટરની ડ્રેનેજ લાઈન છે અને ૯૩૭ કિલોમીટરની સ્ટ્રોર્મ વોટર લાઈન છે. સ્ટ્રોર્મ વોટર લાઈન ખૂબ જ ઓછી છે, જેથી આ વખતે વર્લ્ડ બેંક લોન પ્રોજેક્ટમાં સ્ટ્રોર્મ વોટર લાઈન અપગ્રેડ કરવામાં આવશે.

જેમાં બે હજાર કિલોમીટર લાંબી લાઈન કરવામાં આવશે. જૂની જે ડ્રેનેજ લાઈનનો છે, તેને પણ બદલવાની કામગીરી આ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં એક વર્ષ પહેલાં જે નવા વિસ્તારો બોપલ, ઘુમા વગેરે છે, જેમાં સ્ટ્રોર્મ વોટર લાઈન નથી તેને ડેવલોપ કરવામાં આવશે જે પણ ગટરલાઇનમાં બ્રેક ડાઉન થયું છે તેને રિપેર કરવામાં આવે છે.

નવી જે ડ્રેનેજ લાઇન નાખવામાં આવે છે. તેમાં જૂની જે ખામીઓ રહી જાય છે. તેને ધ્યાને રાખી અને રાખવામાં આવશે. જેથી આગામી વર્ષોમાં સમસ્યા ન સર્જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.