Western Times News

Gujarati News

અક્ષર પટેલે ધોનીની જેમ સિક્સર ફટકારી મેચ જીતાડી

નવી દિલ્હી, ભારતીય ટીમે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ૩ મેચની શ્રેણીમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. આ ભારતનો વેસ્ટ ઇન્ડીઝ સામે સતત ૧૨મો શ્રેણી વિજય છે.

ભારતની જીતનો હીરો ઓલરાઉન્ડર અક્ષર પટેલ રહ્યો હતો. તેણે મુશ્કેલ સમયમાં ભારત માટે ૩૫ બોલમાં અણનમ ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ૩ ફોર અને ૫ સિક્સર ફટકારી હતી. અક્ષરની કારકિર્દીની આ પ્રથમ અડધી સદી છે. આ સિવાય તેણે એક વિકેટ પણ ઝડપી હતી. અક્ષર પટેલને બધા હુલામણા નામ બાપુથી ઓળખે છે. ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

મેચ પછી તેણે કહ્યું કે મારા માટે આ ઇનિંગ્સ ઘણી ખાસ છે કારણ કે આ ટીમની શ્રેણી જીતમાં કામ આવી છે. જ્યારે હું બેટિંગ કરવા ઉતર્યો તો દરેક ઓવરમાં ૧૦-૧૧ રન બનાવવાનો લક્ષ્યાંક મગજમાં હતો. મને લાગી રહ્યું હતું કે અમે પડકાર મેળવી લઇશું, કારણ કે અમારી પાસે આઈપીએલનો અનુભવ હતો.

અમે શાંત રહેવા માંગતા હતા અને રન રેટ હંમેશા નિયંત્રણમાં રાખવા પર અમારી નજર હતી. મારા માટે આ ખાસ છે કારણ કે ૨૦૧૭ પછી આ મારી પ્રથમ વન-ડે શ્રેણી છે અને મારા કારકિર્દીની પ્રથમ અડધી સદી છે. આ સાથે શ્રેણી જીતથી ખુશી વધી ગઇ છે.

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૧૧ રન બનાવ્યા હતા. કારકિર્દીની ૧૦૦મી વન-ડે રમી રહેલા શાઇ હોપે ૧૧૫ રન બનાવ્યા હતા. પૂરને ૭૪ રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ ૪૯.૪ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

ટીમ ઇન્ડિયા તરફથી અક્ષર પટેલે ૬૪, શ્રેયસ ઐયરે ૬૩, સંજુ સેમસને ૫૪ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે અંતિમ ૧૦ ઓવરમાં ૧૦૦ રન બનાવ્યા હતા. ૨૦૦૧થી અત્યાર સુધી અંતિમ ૧૦ ઓવરમાં લક્ષ્યાંકનો પીછો કરતા આ ચોથો સૌથી મોટો સ્કોર છે. ભારતનો ગત સર્વોચ્ચ સ્કોર ૨૦૧૫માં વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ૯૧ રન હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.