Western Times News

Gujarati News

શ્રીલંકાના પતન પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ પણ ધ્રુજવા લાગ્યા

નવી દિલ્હી, શ્રીલંકાની જે રીતે આર્થિક બરબાદી થઈ છે તેનાથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ ધ્રુજી ગયા છે અને નાણાકીય મદદ માટે IMF પાસે દોડી ગયા છે. આ બંને દેશોને ટકી રહેવા માટે બેઈલ આઉટની જરૂર છે. જાે તાત્કાલિક કરોડો ડોલરની સહાય નહીં મળે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ શ્રીલંકાના રસ્તે જઈ શકે છે. પાકિસ્તાનને ટૂંક સમયમાં ૧.૨ અબજ ડોલરની સહાય મળવાની આશા છે.

સૌ જાણે છે કે શ્રીલંકા પાસે અત્યારે અનાજ, દવાઓ કે પેટ્રોલ-ડીઝલ ખરીદવાના નાણાં પણ નથી અને તેની તિજાેરી સાવ ખાલીખમ છે, દરરોજ સરકારો બદલાય છે અને આ સ્થિતિ માટે જવાબદાર નેતાઓ દેશ છોડીને ભાગી ગયા છે.

પાકિસ્તાન આર્થિક કટોકટીમાં મુકાઈ જાય તો તે બધા માટે ચિંતાની વાત હશે કારણ કે તે એક ન્યુક્લિયર પાવર દેશ છે. પાકિસ્તાનમાં અસ્થિરતા પેદા થાય તો સમગ્ર વિશ્વમાં તેની અસર પડી શકે છે. જાેકે, સાઉથ એશિયામાં અત્યારે એકલું ભારત જ અડીખમ ઉભું છે.

ભારતમાં પણ દેવાનું પ્રમાણ વધતું જાય છે અને ઘણા લોકો દેશની આર્થિક સ્થિતિ અંગે સવાલ કરે છે. ભારતનો રૂપિયો સતત તૂટી રહ્યો છે અને તેને બચાવવા માટે રિઝર્વ બેન્ક ડોલર વેચી રહી છે. તેના કારણે અત્યાર સુધીમાં ૧૧ ટકા ફોરેન કરન્સી વપરાઈ ગઈ છે. આટલા ડોલર વેચવા છતાં રૂપિયાને ૮૦ના સ્તરે ટકાવી શકાયો છે.

ભારતે અત્યારે IMF પાસે હાથ લંબાવવો પડે તેમ લાગતું નથી. ભારતની બેલેન્સ શીટ માટે ડોલર બહુ મોટી સમસ્યા નથી. ભારતીય કંપનીઓ પોતાના ૭૯ અબજ ડોલરના વિદેશી ઋણ સામે પ્રોટેક્શન માટે ડોલર ખરીદે છે અને રૂપિયા પર પ્રેશર વધારે છે.

પરંતુ તેમાંથી અડધું દેવું સરકારી કંપનીઓનું છે. ભારતની તિજાેરીમાં ગયા ઓક્ટોબરમાં ૬૪૨ અબજ ડોલરનું રિઝર્વ હતું જે ઘટીને અત્યારે ૫૭૩ અબજ ડોલર થયું છે. આરબીઆઈના ગર્વનરે કહ્યું છે કે તેઓ રૂપિયાને વધારે તૂટવા નહીં દે.

વિદેશમાં વસતા ભારતીયો પોતાના સ્વજનોને ડોલર મોકલીને અથવા ભારતમાં રોકાણ કરીને દેશને ઘણી મદદ કરી શકે છે. તાજેતરમાં SBIએ આ દિશામાં પ્રયાસ શરૂ કર્યા છે. તેમણે NRI કસ્ટમર્સને જણાવ્યું છે કે તેઓ ભારતમાં ડોલર મોકલશે તો અહીં હેલ્થકેર અને એજ્યુકેશનની સુવિધાઓ સુધારી શકાશે. તેમણે એનઆરઆઈ ગ્રાહકોને બે વર્ષની ડોલર ડિપોઝિટ પર ૨.૮૫ ટકા સુધી વ્યાજ પણ ઓફર કર્યું છે. હોંગકોંગની બેન્કમાં તમને ડિપોઝિટ પર માંડ ૦.૩ ટકા વ્યાજ મળે છે. તેની તુલનામાં SBI ઘણું સારું વ્યાજ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.