Western Times News

Gujarati News

નર્મદા જિલ્લાના લોકોને સારવાર માટે અન્ય શહેરોમાં જવું પડશે નહિં, રાજપીપલા સિવિલમાં અત્યાધુનિક સાધનો ખરીદાયા

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાના સાધનો ખરીદવા NPCIL કાકરાપાર ગુજરાત સાઈટ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત રૂા.૪૮.૪૪ લાખના MOU કરાર

મેડિકલના અત્યાધુનિક સાધનોની ખરીદી કરી રાજપીપલા સિવિલ હોસ્પિટલ, SDH ગરુડેશ્વર અને SDH દેડિયાપાડાને પુરા પાડવામાં આવશે

મોંઘી સારવાર માટે અન્ય શહેરોમાં રિફર કરવા પડતા દર્દીઓને ઘર આંગણે જ નિઃશુલ્ક સુવિધા પુરી પાડવા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનો ભગીરથ પ્રયાસ

રાજપીપલા, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વમાં વિવિધ વિકાસ કામો સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ વિશેષ કામગીરી થઈ રહી છે. નર્મદા જિલ્લો ઔદ્યોગિક પૃષ્ઠભૂમિ ધરાવતો ન હોવા છતાં વિવિધ ઉદ્યોગોએ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં લોક કલ્યાણની કામગીરી કરવા અર્થે CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) અંતર્ગત કામગીરી કરવામાં રસ દાખવ્યો છે.

ત્યારે આ વિકાસલક્ષી પ્રવૃત્તિમાં જિલ્લામાં વધુ એક છોગું ઉમેરાયું છે. જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધા વધુ સુઘડ બને તેવા હેતુ સાથે ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-કાકરાપાર (NPCIL) ના CSR ચેરમેનશ્રી એન.જે.કેવટ, મેડિકલ ઓફિસરશ્રી

ડૉ. કૃણાલભાઈ ચૌહાણ અને સહાયક જન સંપર્ક અધિકારીશ્રી હિતેશભાઈ ગામીતે ગઇકાલે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રીમતી ડૉ. જ્યોતિબેન ગુપ્તા, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડેની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ રાજપીપલા માટે રૂ. ૧૮.૨૪ લાખ, SDH ગરુડેશ્વર માટે રૂા.૧૩.૦૦ લાખ અને SDH દેડિયાપાડા માટે રૂ.૧૭.૨૦ લાખ મળી કુલ- રૂા.૪૮.૪૪ લાખનાં MOU સાઈન કરવામાં આવ્યાં હતા.

નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી જન સુખાકારી માટે સાઈન થયેલા MOU થકી રાજપીપલા સિવિલ હોસ્પિટલ, ગરૂડેશ્વર એસડીએસ હોસ્પિટલ અને દેડીયાપાડાની એસડીએચ હોસ્પિટલમાં વિવિધ અત્યાધુનિક સાધનોની ખરીદી કરવામાં આવશે.

જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લાનાં હેલ્થ સેકટરને  ઓપરેટીંગ ટેબલ, ECG મશીન, ફુલ્લી બાયો કેમેસ્ટ્રી અનેલાઈઝર, ડીપ ફ્રીઝ, ડેન્ટલ એક્સ-રે, ઓર્થોપેડિક ડ્રીલ મશીન, બેબી વર્માર, એનેસ્થેસિયા મશીન વગેરે જેવા અધ્યતન આરોગ્ય વિષયક સાધનોની સુવિધા ઉપલબ્ધ થઇ શકશે.

જેના થકી હવે જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ વધુ નક્કર બનશે. માત્ર એટલું જ નહીં પણ કેટલાંક રિપોર્ટ કરાવવા માટેના સાધનો જે અત્યારસુધી ઉપલબ્ધ નહોતા તેની ખરીદી કરવામાં આવશે જેથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જઈને કરાવવી પડતી મોંઘી સારવાર સરકારી હોસ્પિટલમાંથી જ નિઃશુલ્ક ઉપલ્બધ થશે. તેના થકી ગરીબ પરિવારના લોકોનો સમય અને નાણાં બંન્નેની બચત પણ થશે. લોકોને ઘર આંગણે જ ઓરોગ્યલક્ષી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે.

આ અંગે માધ્યમો સાથેના સંવાદમાં ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-કાકરાપાર (NPCIL) ના CSR ચેરમેનશ્રી એન.જે. કેવટે જણાવ્યું હતું કે, કાકરાપારના અણું  જ મથકની CSR એક્ટિવિટી હેઠળ અમે લોકઉપયોગી અને શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા અનેક કામો કરી રહ્યાં છીએ.

દરમિયાન નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી સાથે અગાઉ થયેલી ચર્ચામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આરોગ્યલક્ષી સુવિધાઓ અંગેના મુદ્દા સામે આવ્યાં હતા. જે બાદ અમારી ટીમ દ્વારા જિલ્લાની મુલાકાત લઈને સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં સામે આવેલી વિગતો બાદ આરોગ્યની સુવિધા માટેના સાધનો ખરીદવાની જરૂરિયાત જણાતા થર્મલ પાવર સ્ટેશન દ્વારા આ સુવિધા પુરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ સાધનો ખરીદવા માટે CSR એક્ટિવિટી અંતર્ગત રૂપિયા ૪૮.૪૪ લાખનું ભંડોળ નર્મદા જિલ્લામાં આપવા માટે નક્કી કરાતા તેના માટેના MOU આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહની ઉપસ્થિતમાં કરવામાં આવ્યાં છે. આ રકમ આગામી સમયમાં રાજપીપલા, ગરૂડેશ્વર અને દેડીયાપાડાની હોસ્પિટલોમાં મેડિકલ ઈક્વિપમેન્ટની ખરીદી અર્થે ફાળવવામાં આવશે.

રાજપીપલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રીમતી ડો. જ્યોતિબેન ગુપ્તાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ જાહેર થતાં જિલ્લા કલેક્ટરશ્રીના અથાગ પ્રયત્નોથી વિવિધ વિકાસલક્ષી કાર્યો કરવામાં આવ્યા છે. તેવામાં વધુ એક પ્રવૃત્તિનો ઉમેરો થતાં કાકરાપાર સ્થિત અણું વિજ મથક દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત મેડિકલ ઈક્વિપમેન્ટની ખરીદી કરવા માટે રૂપિયા ૪૮.૪૪ લાખ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. જિલ્લાની હોસ્પિટલોમાં જે સાધનો ઉપલબ્ધ નહોતા તે આ ફંડમાંથી ખરીદી કરી જિલ્લાની જનતાને ઘર આંગણે જ ઉચ્ચ ગુણવત્તા વાળી આરોગ્યની સુવિધા મળી રહે તેવો શુભઆશય રહેલો છે. સંસ્થાના પ્રતિનિધિઓ આજરોજ જિલ્લાની મુલાકાતે આવતા જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં MOU સાઈન કર્યા છે. જેના થકી આગામી સમયમાં આરોગ્યની સુવિધા માટેના સાધનોની ખરીદી કરવામાં આવશે. આ સાધનો રાજપીપલા, ગરૂડેશ્વર અને દેડીયાપાડાની હોસ્પિટલને ફાળવવામાં આવશે જેથી અંતરિયાળ વિસ્તારના લોકોને સુવિધા પુરી પાડવામાં સરળતા રહેશે. લોકોના નાણાં અને સમય બંનેની બચત પણ થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.