Western Times News

Gujarati News

વીજ ઉત્પાદનની ક્ષમતા ૨૦૧૪માં 2.48 લાખ હતી, તે વધીને આજે  4 લાખ મેગાવોટ થઈ

The power generation capacity increased from 2.48 lakh MW in 2014 to 4 lakh MW today.

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો

ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ઉત્તરોઉત્તર વધી રહ્યો છે, તેમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગની સહિયારી ભાગીદારી છે : – કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઉજ્જવલ ભારત ઉજજવલ ભવિષ્ય પાવર @૨૦૪૭ કાર્યક્રમ ગ્રામ વિકાસ ગ્રામ અને ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી  અર્જુન સિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણે જણાવ્યું  હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં સ્વપન જોયું હતું કે ભારતના ગામે -ગામ સુધી ૧૦૦% વીજળી પૂરવઠો પહોંચી વળે તે માટે તેમને ૧૦૦૦ દિવસનો સંકલ્પ લીધો હતો. ભારત સરકારના ઉર્જા વિભાગ અને રાજ્ય સરકારના ઉર્જા વિભાગની સહિયારી ભાગીદારીથી ૨૦૧૮માં આ સ્વપન પૂરું થવામાં માત્ર ૯૮૭ દિવસમાં ૧૦૦% ગ્રામ વિધુતીકરણ હાંસલ કર્યું હતું.

વધુમાં મંત્રીશ્રી એ કહ્યું કે, ગુજરાત સરકાર સોલારને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં અનેક પ્રયત્નો કરી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સોલાર પમ્પ અપનાવવા માટે યોજનાઓ રજુ કરી છે.જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ૩૦% સબસીડી આપે છે, અને રાજ્ય સરકાર ૩૦% સબસીડી આપે છે.

વધુમાં મંત્રીશ્રી એ ઉમેર્યું કે, કેન્દ્રસરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની ભાગીદારીથી  “પાવર ફોર ઓલ” માટેની વિવિધ યોજનાઓ જેવીકે, ઉદય, આઈ.પી.ડી.એસ., ડી.ડી.યુ.જી.જે.વાય., આર.ડી.ડી.એસ., પીએમ-કુસુમ, જેવી યોજનાઓ છે.સાથોસાથ મંત્રીશ્રી આગામી તા ૧૩, ૧૪, ૧૫ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  દેશ પ્રેમની ભાવના બધામાં પ્રજ્વલિત રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા “હર ઘર તિરંગા ” કાર્યક્રમની ઉજવણીમાં જોડાવા માટે મંત્રીશ્રી એ કાર્યક્રમમાં  હાજર લોકોને અપીલ કરી.

ગુજરાતના સુશાસનની વાત કરતા મંત્રીશ્રી એ જણાવ્યુ કે, ગુજરાતમાં આજે એક પણ એવું ગામ નથી જ્યાં વીજળી જોડાણ કે ગુજરાત વિધુત બોર્ડ દ્વારા ચાલતી લોકોને સેવા ન મળી હોય. આજે ગુજરાતના ગામે-ગામ વીજળી પહોંચી છે.

તેનું એક માત્ર કારણ છે ગુજરાતમાં ચાલતું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું સુશાસન. મંત્રીશ્રી વધુમાં ઉમેર્યું કે, પહેલાના સમયમાં અઠવાડિયું લાઈટ ન આવે ખેડૂતોને, વિદ્યાર્થીઓ અને જનજીવનમાં લોકોને હાલાકી પડતી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ટેક્નોલોજીના સદપયોગ થી ગુજરાતનું કોઈ ગામ આજે વીજ જોડાણ વગર બાકી રહ્યું નથી.

મંત્રીશ્રીએ વિધુત સાથે સંકળાયેલા અધિકારીઓ અને  કર્મચારીઓના કામ બિરદાવતા કહ્યું કે, કોરોના વોરિયર્સની સાથે વિધુત સાથે જોડાયેલા લોકો પણ વોરિયર્સ છે. ૩૬૫ દિવસ પ્રજાની દરેક નાનામાં નાની સમસ્યાઓ વિધુત સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ દૂર કરે છે.

આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત વીજળી બોર્ડના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરશ્રી પી.સી.પટેલે ગુજરાત સરકારના છેલ્લા 8 વર્ષની પાવર સેક્ટરની સિદ્ધિઓ જણાવી.જેમાં સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર શ્રીએ જણાવ્યું કે, વીજ ઉત્પાદનની ક્ષમતા ૨૦૧૪ માં ૨,૪૮,૫૫૪ મેગાવોટ થી  વધીને આજે  ૪,૦૦,૦૦૦ મેગાવોટ થઈ છે.

જે આપણી માંગ કરતાં ૧,૮૫,૦૦૦ મેગાવોટ વધુ છે. ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે.ભારતમાં ૧,૬૩,૦૦૦સર્કીટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી છે, જેથી કરી સમગ્ર દેશને એક જ ફ્રીક્વન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે.

લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે.  આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે ૧,૧૨,૦૦૦ મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ.આજે ભારત રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો દ્વારા ૧,૬૩,૦૦૦ મેગાવોટ જનરેટ કરે છે.વધુ માં શ્રી પી.સી પટેલ એ જણાવ્યું કે, ૨૦૧૫ માં ગ્રામીણ વિસ્તારોમાં પુરવઠાના સરેરાશ કલાકો ૧૨.૫ કલાક હતા. જે હવે વધીને સરેરાશ ૨૨.૫ કલાક થયા છે.

ઉજ્જવળ ભારત ઉજજવલ ભવિષ્ય કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી દ્વારા ઝુપડપટ્ટી વીજ કનેકશન,ખેતીવાડી યોજના, સોલાર યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી  નયનાબેન પટેલ, શહેરના પ્રથમ નાગરિક શ્રીમોનિકાબેન,પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી,જિલ્લા કલેકટરશ્રી  કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલ દવે, પ્રાંત અધિકારીશ્રી, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર શ્રી પી.સી.પટેલ તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સાથે જોડાયેલા  અધિકારીઓ,કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.