Western Times News

Gujarati News

વિશ્વ ઉમિયાધામ કેમ્પસ જાસપુર ખાતે 75,000 તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસ ખાતે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગ્રીન એડવોકેટ ફોર મુવમેન્ટ ઓફ એનવાયર્મેન્ટના સહયોગથી આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75,000 તિરંગા વિતરણ તથા 75,000 વૃક્ષોરોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાનમાં જન-જન ને જોડવા અનુરોધ કરતાં જણાવ્યું કે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર સાથે રહીને કામ કરતા આવ્યા છે અને જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર હરહંમેશ કટિબદ્ધ છે.

બાળકોએ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસમાં ૭૫ હજાર વૃક્ષારોપણ અને ૭૫ હજાર તિરંગા વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું કે, ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ છે.

વધુમાં મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે , વિશ્વ ઉમિયા ધામમાં સૌથી ઊંચું મંદિર બનવાનું છે. આવનારા સમયમાં આ એક ઐતિહાસિક સ્થળ બની રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની વાત હોય કે કોરોના મહામારી સામેની લડત હોય ભારતની સાથે ગુજરાત પણ હંમેશાં આગ્રણી રહ્યું છે. નરેન્દ્રભાઈ જેવા વિઝનરી નેતૃત્વનો લાભ સમગ્ર દેશને મળ્યો છે.

હર ઘર તિરંગા અભિયાનમા જન જન ને જોડવા અનુરોધ કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કેરાષ્ટ્રીય તહેવાર એવો તહેવાર છે જેમાં ગરીબ, તવંગર સહિતના તમામ લોકો જોડાય છે. દરેક પોતાના ઘર પર તિરંગો લહેરાવે. વીજળી કે પાણીની બચત કરવી એ પણ દેશ સેવા છે. અનાજ ઉગાડીએ અને દેશ અને કુદરતી સંપત્તિનો બચાવ કરીએ એ જ સાચી દેશ સેવા છે, એમ તેમણે ઉમેર્યું હતું. આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

વિશ્વ ઉમિયાધામની પ્રકૃતિના જતન અને દેશદાઝની પહેલને બિરદાવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ૫૦૪ ફૂટ ઉંચુ માં ઉમિયાધામનુ મંદિર નિર્માણ ભક્તિ અને શક્તિની ઐતિહાસિક ધરોહર બની રહેશે. વિશ્વ ઉમિયાધામે સમાજના દરેક વર્ગની ચિંતા કરીને તેમના ઉત્થાન સાથેના સેવાકાર્યોની સરવાણી વહેડાવી છે.

મા ઉમિયાના ધામનુ નિર્માણ થતાં અનેક લોકોને રોજગારી ઉપલબ્ધ બનશે. વિશાળ જગ્યામાં નિર્માણાધીન આ કૅમ્પસમા શિક્ષણ, આરોગ્ય ઉપરાંતની સમાજસેવા, સમાજ ઉત્થાન અને સેવાકીય પ્રવૃત્તિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બની રહેશે. ૭૫ હજાર વૃક્ષારોપણ અને ઉછેરની જવાબદારી સંસ્થા અને સમાજસેવીઓએ સ્વૈચ્છિક પણે શીરે સ્વીકારી છે જે સરાહનીય કદમ છે.

ઉમિયાધામ કેમ્પસમાં થનાર ૭૫ હજાર વૃક્ષારોપણથી કાર્બન ક્રેડિટમાં વધારો થશે તેમજ  ઓક્સિજનની માત્રામાં વધારો થશે તેવો ભાવ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થાઓમાં વિશ્વ ઉમિયા ધામની પહેલ  લોકશાહી અને પ્રકૃતિના જતનની દિશામાં આગેકદમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિશ્વ ઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વિશ્વ ઉમિયાધામ ના નિર્માણ થતાં ગુજરાતને વૈશ્વિક સ્તરની ધાર્મિક ધરોહર પ્રાપ્ત થશે. અસંખ્ય ભાવિ-ભક્તો માટે વિશ્વ ઉમિયાધામનુ પ્રાંગણ અને સમગ્ર કૅમ્પસ આસ્થા સાથે સુદ્રઢ વ્યવસ્થાનુ કેન્દ્ર સાબિત થશે.

આ પ્રસંગે તેઓએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ થી ૧૫ મી ઓગસ્ટ સમગ્ર રાજ્યમાં યોજાનાર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થાઓમાં સમગ્ર ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામ દ્રારા આ અભિયાનમાં સહભાગી બનીને જન જનમાં દેશસેવા ભાવની પહેલ હાથ ધરવામાં આવી હોવાનું ઉમેર્યુ હતું. હર ઘર તિરંગા અભિયાન આઝાદીના ૭૫ વર્ષ બાદ દેશની આઝાદી માટે શહાદત વ્હોરનારા શહીદોનુ સન્માન હોવાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી એ ગૌરવપૂર્ણ કહ્યું હતું.

વિશ્વ ઉમિયાધામ ખાતેના કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ , સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ , વિશ્વ ઉમિયાધામના પ્રમુખ શ્રી આર.પી.પટેલ સહીત વિશ્વ ઉમિયા ધામના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને ૭૫ હજાર વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવ્યો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જન ભાગીદારીથી વિશ્વ ઉમિયાધામ ઉપવનનું નિર્માણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.