Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય સેવા સમિતિની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે તે જ સુરેન્દ્રસિંહ રાજપૂતને સાચી શ્રદ્ધાંજલિ : રાજ્યપાલ

મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લેતાં હરીયાણા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી શ્રી પ્રો. છત્રપાલસિંહ અને ગુજરાત રાજ્ય સેવા સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સ્વપ્નીલસિંહ રાજપૂત 

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા સ્વ. શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂતનાં અવસાન બાદ હરીયાણાનાં પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી છત્રપાલસિંહ અને ગુજરાત રાજ્ય સેવા સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સ્વપ્નીલસિંહ રાજપૂતે રાજભવન ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી.

આ સમયે મહામહિમ રાજ્યપાલશ્રીએ શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂતને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે શ્રી સુરેન્દ્રસિંહજી રાજપૂતે શરૂ કરેલી લોકકલ્યાણની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે તે જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

મહામહિમ રાજ્યપાલશ્રીએ ચિંતા વ્યક્ત કરતાં વધુમાં જણાવ્યું હતું કે અન્ન ઉત્પાદન અંગેની આત્મનિર્ભરતા જ દેશનાં વિકાસનું મુખ્ય પરીબળ છે. દેશમાં ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતા રાસાયણિક ખાતરો અને બિયારણથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હજુ પણ તે પ્રકિયા ચાલી રહી છે.

ભવિષ્યમાં આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેશને અન્ન સંકટની પરીસ્થીતીમાં મૂકી શકે છે. તે સિવાય રાસાયણિક ખાતરોનાં ઉપયોગથી નાગરિકોનાં સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર વર્તાઈ રહી છે. આ રાસાયણિક ખાતરો આયાત થતા હોવાથી દેશનાં વિદેશી હૂંડિયામણ સંગ્રહ માટે પણ નુકસાનકારક છે.

દેશમાં દર વર્ષે અંદાજીત અઢી લાખ કરોડ જેટલા રાસાયણિક ખાતરોની આયાત થઈ રહી છે. જે દેશની નાણાકીય ખાધમાં નોંધપાત્ર ફાળો આપે છે. દેશનાં આરોગ્ય અને અર્થતંત્ર માટે નકારાત્મક પરીબળ તેવાં રાસાયણિક ખાતરોનો વિકલ્પ તરીકે કુદરતી ખેતીની બાબતે ખેડૂતો જાગૃત બને તે માટે મહામહિમ રાજ્યપાલશ્રીએ

ગુજરાત રાજ્ય સેવા સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સ્વપ્નીલસિંહ રાજપૂત સાથે સમગ્ર રાજ્યમાં કુદરતી ખેતી અંગે જાગૃતિ અભિયાન દ્વારા હકારાત્મક પરીણામ મેળવવા માટે ચર્ચા કરી હતી. ચર્ચા દરમ્યાન પ્રો. છત્રપાલસિંહે પણ હરીયાણામાં કુદરતી ખેતીની સફળતા અંગે તેમના અનુભવો વર્ણવ્યા હતા.

ગુજરાત રાજ્ય સેવા સમિતિનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સ્વપ્નીલસિંહ રાજપૂતે પણ મહામહિમ રાજ્યપાલશ્રીનાં નિર્દેશ હેઠળ સમગ્ર રાજ્યમાં સમિતિનાં સ્વયંસેવકો દ્વારા કુદરતી ખેતીથી જમીન સુધારણા દ્વારા ઉત્પાદકતા વધારવા ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે અભિયાનની શરૂઆત કરવા માટે ખાત્રી આપી હતી.

આગામી દિવસોમાં મહામહિમ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ખેડૂતો સાથે સંવાદ, પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ જેવા કાર્યક્રમો ગુજરાત રાજ્ય સેવા સમિતિ દ્વારા આયોજિત કરવાની તૈયારી શરૂ કરી છે. વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચવા માટે રાજ્યનાં નાગરિકોને પણ આ અભિયાનમાં જોડવામાં પ્રો. છત્રપાલસિંહનાં અનુભવનો લાભ પણ ગુજરાત રાજ્ય સેવા સમિતિને મળે તે માટે તેઓનાં માર્ગદર્શન હેઠળ જ આખા અભિયાનને તૈયાર કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.