Western Times News

Gujarati News

યુવકે ઘરે આવીને આંખમાં પાણી નાખીને સાફ કરવાના પ્રયાસ કર્યા હતાઃ દેશી દારૂ પીધા પછી આંખો ગુમાવી

૨૧ વર્ષના યુવકે પોતે જણાવ્યું છે કે તેણે સાંજે દેશી દારૂ પીધો તે પછી વારાફરથી બન્ને આંખોની રોશની જતી રહી હતી: યુવકે ૩-૪ જગ્યાએ દારૂ પીધો હતો

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાસવારે દેશી અને વિદેશી દારૂ પકડાવાના કિસ્સા બનતા રહે છે. પાછલા મહિને બનેલી બોટાદની ઘટનાએ હાહાકાર મચાવી દીધો હતો આમ છતાં રાજ્યમાં છૂટથી દારૂ મળી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

થોડા દિવસ પોલીસે આકરા પગલા ભર્યા બાદ ફરી એકવાર સ્થિતિ જૈસી થી બની ગઈ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. આવામાં વડોદરામાં બનેલી ઘટનાઓથી અનેક શંકા કુશંકાઓ ઉપજી રહી છે કે યુવકે દેશી દારૂનો નશો કર્યો પછી તેણે આખોની રોશની ગુમાવી દીધી છે.

આ અંગે વધુ તપાસ થયા પછી સાચું કારણ સામે આવી શકે છે. વડોદરાના ગામોમાં દેશી દારૂ મળતો હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે. આ બનાવ વડોદરા પાસેના ચાપડ ગામનો છે કે જ્યાં ભૌતિક પરમાર નામના ૨૧ વર્ષના યુવકે દેશી દારૂનો નશો કર્યા બાદ તેની તબિયત લથડતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જાેકે, ભૌતિકે હવે પોતાનું સારું થઈ ગયું છે તેમ કહીને હોસ્પિટલમાંથી રજા લઈને પરત ઘરે જતો રહ્યો હતો. જેના કારણે તેની આંખોની રોશની જવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. એએસજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, ડૉક્ટર રંજન ઐયરે આ અંગે જણાવ્યું કે, યુવકને દારૂ પીધા અંગે પૂછવામાં આવ્યું હતું પરંતુ તેણે આ અંગે સ્પષ્ટતા કરી નહોતી,

પરંતુ તેના મોઢામાંથી વાસ આવતી હતી અને કોઈ દર્દી કોઈ શંકાસ્પદ પીણું પીને આવ્યા હતા. જેના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી. સુપ્રિટેન્ડન્ટે એમ પણ જણાવ્યું કે આ દર્દીનો પરિવાર એવી ગભરાહટ સાથે આવ્યા હતા કે યુવાનને દેખાવાનું ઓછું થઈ ગયું છે.

જાેકે, દારૂના જ કારણે યુવકની આંખો ગઈ છે કે કેમ તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. ભૌતિકે આ અંગે સ્થાનિક મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે તેણે સાંજે દારૂ પીધો તે પછી એક આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું અને થોડીવાર પછી બીજી આંખે પણ દેખાવાનું બંધ થઈ ગયું હતું.

યુવકે ઘરે આવીને આંખમાં પાણી નાખીને તેને સાફ કરવાના પ્રયાસ કર્યા પરંતુ તે કશું જાેઈ શકવામાં સક્ષમ ના થતા તેને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ભૌતિકે એવો પણ ખુલાસો કર્યો કે તેણે ચાપડ ગામમાં તથા આસપાસમાં ૩-૪ જગ્યાએ દારૂ પીધો હતો.

તેણે ત્રણથી ચાર પોટલી જેટલો દેશી દારૂ પીધો હતો અને એક પોટલીની કિંમત ૧૦ રૂપિયા હતી. ભૌતિક કહે છે કે તેની સાથે આ ઘટના દારુ પીધા પછી બની છે પરંતુ મેડિકલ રીતે તે સ્પષ્ટ થઈ શક્યું નથી, આ મામલે યુવકની વધુ તપાસ કર્યા બાદ હકીકત સામે આવી શકશે.

હવે પોલીસ પણ આ કેસની ચર્ચા વધી જતા દોડતી થશે અને દારુના ધમધમતા અડ્ડાઓ પર પહોંચીને કાર્યવાહી કરી શકે છે. વડોદરાના તલસટ ગામ તથા આસપાસના વિસ્તારોમાં છૂટથી દારૂ મળી રહ્યો હોવાની વાત ગામના સરપંચ દ્વારા કરવામાં આવી છે અને તેમણે આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.