Western Times News

Gujarati News

ઈવનગર-મેંદરડા બાયપાસ ન બને તો મતદાન બહિષ્કારની ચીમકી

પ્રતિકાત્મક

જૂનાગઢ, મેંદરડા વાયા ઈવનગર બાયપાસમાં રાજકીય મડાગાંઠ સર્જાતા પ્રવાસીઓ, વિસ્તારવાસીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ઈવનગર, મેંદરડા બાયપાસ ન બને તો ઈવનગરવાસીઓ મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી સરપંચે ઉચ્ચારી છે.

જૂનાગઢ-મેંદરડા માર્ગ વાયા ઈવનગરથી પસાર થાય છે. આ માર્ગ પર અનેક વળાંકો છે. સતત ટ્રાફિકથી ધમધમતો માર્ગ છે ત્યારે નવો બાયપાસ બનાવવા લાંબા સમયથી પ્રક્રિયા ચાલે છે તેમાં રાજકીય ટકરાવને કારણે આ યોજના ખોરંભે પડી છે.

આ બાયપાસમાં જે જમીન સંપાદન થનાર છે તે ખેડૂતો વાજબી વળતર લઈને જમીન આપવા તૈયાર છે તેવી ર૦૧૩માં તત્કાલીન માર્ગ મકાન મંત્રી આનંદીબેન પટેલને જૂનાગઢમાં રૂબરૂ બાંહેધરી અપાઈ હતી પરંતુ વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય દ્વારા બાયપાસના સ્થળ મુદ્દે જીદ ચાલે છે.

ત્યારે આ રાજકીય અહંમના કારણે છેલ્લા નવ વર્ષથી આ યોજના ટલ્લે ચડી છે. આ અહમની ઉપેક્ષા કરવા કોઈ તૈયાર નથી. તેથી પ્રજાજનો યાતના વેઠી રહ્યા છે ત્યારે આ કામનો સત્વરે નિર્ણય કરી અમલવારી કરવામાં ન આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઈવનગરવાસીઓએ મતદાન બહિષ્કારની ચીમકી આપી દીધી છે.

આ નિર્ણયને સરપંચ એ.એ. ખાણિયા, ચંદુલાલા ભૂત, વલ્લભભાઈ ગોકળ, પ્રભુદાસ મકવાણા, શાંતિલાલ સંતોકી, ધીરૂભાઈ ટાંક સહિતના અગ્રણીઓએ એક સૂરે ચીમકી ઉચ્ચારી છે હવે સરકાર આ અંગે શું નિર્ણય કરે તેના પર સૌની મીટ મંડાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.