Western Times News

Gujarati News

ચુંટણી તંત્રને માત્ર એક જ દિવસમાં ૧,૨૧,૮૭૪ અરજીઓ મળી

election commission for voter id

અવસર છે કે લોકશાહીનો – ગુજરાત વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ મતદાર તરીકે નોંધણી કરાવવા યુવાનોમાં અદમ્ય ઉત્સાહ 

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત ગત તા. ૨૧ ઓગસ્ટના રોજ ચુંટણી તંત્રને ૨,૦૧,૪૮૦ અરજીઓ મળી

આગામી તા. ૨૮ ઓગસ્ટના રોજ રાજ્યભરના કુલ ૫૧,૭૮૨ બુથ પર યોજવામાં આવશે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત કેમ્પ

મતદાર ઓળખપત્રને આધારકાર્ડ સાથે લિંક કરવા ફોર્મ નં. ૦૬(ખ)માં ૨,૩૮,૪૧૦ અરજીઓ મળી
મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ નં. ૦૮માં કુલ ૫૭,૩૧૫ અરજીઓ મળી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૦૧લી ઓક્ટોબર,૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અધર્તન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચુંટણી પંચના નિર્દેશ મુજબ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરુ કરવામાં આવી છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) તા. ૧૨મી ઓગસ્ટથી શરુ કરવામાં આવ્યો છે. જેમાં તા. ૨૧મી અને ૨૮મી ઓગસ્ટ તથા તા. ૦૪થી અને ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૨ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અધર્તન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત તા. ૨૧/૦૮/૨૦૨૨ના રોજ રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના ૫૧,૭૮૨ બુથ પર બુથ લેવલ ઓફિસર્સ તથા ચુંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે ૨,૦૧,૪૮૦ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકે નોંધણી માટે ૧,૨૧,૮૭૪ ફોર્મ નં. ૦૬ તથા સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જુનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરીકો પાસેથી ૫૭,૩૧૫ ફોર્મ નં. ૦૮ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ ૨,૩૮,૪૧૦ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૧૨મી ઓગસ્ટ,૨૦૨૨ના રોજ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ નવા મતદાર તરીકે નોંધણી કરાવવા ચુંટણી તંત્રને ૧૮ થી ૧૯ વર્ષની વયજૂથ ધરાવતા ૮૯,૮૬૭ તથા ૨૦ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા ૩૨,૯૧૯ યુવાનોની મતદાર યાદીમાં નામ દાખલ કરવા અરજીઓ મળી છે.

આ જ પ્રમાણે આગામી તા. ૨૮/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં નિયોજિત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.

મતદારો નિયોજિત સ્થળો અને મતદાન મથકોએ સંબધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારતાળીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજુ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૨/૦૮/૨૦૨૨ના રોજ સંકલિત મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિની સાથે જ તા. ૧૨/૦૮/૨૦૨૨ થી તા. ૧૧/૦૯/૨૦૨૨ દરમ્યાન મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધનાર નામની અરજી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકાશે. આ અરજીઓનો તા. ૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં ચુંટણી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે અને તા. ૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.