Western Times News

Gujarati News

ગુજરાતમાં લગભગ 125 જેટલી જાપાનીઝ કંપનીઓ કાર્યરત: વડાપ્રધાન

મારુતિ-સુઝુકી 40 વર્ષ ઉજવણી-મહાત્મા મંદિર, ગાંધીનગર ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઑટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે : વડાપ્રધાન

પુરવઠા, માંગ અને ઇકોસિસ્ટમના મજબૂતીકરણ સાથે ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EV ક્ષેત્ર ચોક્કસપણે પ્રગતિ કરશે
મારુતિ-સુઝુકીની સફળતા ભારત-જાપાનની મજબૂત ભાગીદારી: છેલ્લા આઠ વર્ષમાં ભારત અને જાપાન વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા -PM Addressing a programme marking the commemoration of 40 years of Suzuki Group in India.

ભારત અને સુઝુકીના પારિવારિક સંબંધો હવે 40 વર્ષથી પણ વધુ જૂના અને ગાઢ બન્યા -ભારત-જાપાન સંબંધોને મજબૂત બનાવવામાં જાપાનના પૂર્વ વડાપ્રધાન સ્વ. શિન્ઝો આબેના યોગદાનને યાદ કરતા વડાપ્રધાનશ્રી

મારુતિ-સુઝુકી કંપનીના ભારતમાં 40 વર્ષ થવાના પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારત અને સુઝુકીના પારિવારિક સંબંધો હવે 40 વર્ષથી પણ વધુ જૂના અને મજબૂત બન્યા છે. તેમણે કહ્યું કે, મારુતિ-સુઝુકીની સફળતા પણ ભારત અને જાપાનની મજબૂત ભાગીદારી દર્શાવે છે. તેમણે દેશમાં વધી રહેલા ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVના વધતા વ્યાપને દેશના ઑટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત ગણાવી હતી.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે ગુજરાતના હાંસલપુર ખાતે રૂ.૭૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુઝુકીના ઇલેક્ટ્રીક વ્હિકલ બેટરી ઉત્પાદન પ્લાન્ટનું ખાતમૂહુર્ત તથા હરિયાણા ખારખોડા ખાતેના મારૂતિ સુઝુકીના વ્હિકલ મેન્યુફ્રેક્ચરિંગ ફેસિલિટી પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતુ.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ સાથે જ આજે શરૂ થઈ રહેલા બે નવા પ્રકલ્પોની સાથે સુઝુકી માટે પણ ભારતમાં ઉજ્જવળ ભાવી સંભાવનાઓની તકો રહેલી હોવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું કે, આજે ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનથી લઈને યુપીના બનારસમાં રુદ્રાક્ષ કેન્દ્ર સુધીના વિકાસના અનેક પ્રોજેક્ટ ભારત-જાપાન મિત્રતાના ઉદાહરણ છે અને જ્યારે આ મિત્રતાની વાત આવે છે, ત્યારે દરેક ભારતીય ચોક્કસપણે અમારા મિત્ર, જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી શિન્ઝો આબેજીને યાદ કરે છે. જ્યારે આબેશાન ગુજરાત આવ્યા ત્યારે તેમણે અહીં વિતાવેલો સમય ગુજરાતના લોકો પ્રેમપૂર્વક યાદ કરે છે. આજે પીએમ શ્રી કિશિદા આપણા દેશોને નજીક લાવવા માટે કરેલા પ્રયાસોને આગળ વધારી રહ્યા છે.

શ્રી મોદીએ કહ્યું કે, ગુજરાત અને જાપાન વચ્ચે જે સંબંધો રહ્યા છે તે રાજદ્વારી વર્તુળો કરતાં પણ ઊંચા રહ્યા છે. મને યાદ છે કે જ્યારે વર્ષ ૨૦૦૯માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારથી જાપાન ગુજરાત સાથે ભાગીદાર દેશ તરીકે સંકળાયેલું રહ્યું છે. આ બાબતની ખુશી વ્યક્ત કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ગુજરાતે સુઝુકી સાથેનું પોતાનું વચન પાળ્યું છે અને એ જ રીતે સુઝુકીએ પણ ગુજરાતની ઈચ્છાઓને સન્માન સાથે પુરી કરી છે. જેના પરિણામે ગુજરાત આજે વિશ્વમાં ટોચના ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે

વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, જાપાનના રોકાણકારોને ગુજરાતમાં રહીને પણ જાપાન જેવો અનુભવ થાય તે માટે ગુજરાતમાં મિની જાપાન બનાવવાના તેમના સંકલ્પને તેમણે યાદ કર્યો. આને સાકાર કરવા માટે અનેક નાની નાની બાબતોનો ખ્યાલ રાખીને અનેક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં જાપાનીઝ વાનગીઓ સાથે વિશ્વ-કક્ષાના અનેક ગોલ્ફ કોર્સ અને રેસ્ટોરન્ટ્સની રચના તેમજ જાપાનીઝ ભાષાનો પ્રચાર સહિતનાં ઉદાહરણોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, અમારા પ્રયાસો હંમેશાં જાપાન માટે ગંભીરતા અને આદર ધરાવે છે. તેથી જ સુઝુકી સાથે લગભગ 125 જેટલી અન્ય જાપાનીઝ કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે. અમદાવાદમાં JETRO સંચાલિત સપોર્ટ સેન્ટર ઘણી કંપનીઓને પ્લગ-એન્ડ-પ્લેની સુવિધા પૂરી પાડે છે. જાપાન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ફોર મેન્યુફેક્ચરિંગ ઘણા લોકોને તાલીમ આપી રહી છે. વડાપ્રધાનશ્રીએ અમદાવાદ ખાતેના ઝેન ગાર્ડનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જાપાન અને ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદાહરણરૂપ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે નજીકના ભવિષ્યમાં આવો જ ગાર્ડન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિકસાવવાનું પણ આયોજન છે. તેમણે ગુજરાતની વિકાસયાત્રામાં ‘કાઈઝેન’ના યોગદાનની નોંધ લેતા કહ્યું કે વડાપ્રધાનપદ સંભાળીને દિલ્હી ગયા બાદ ત્યાં પણ કાઈઝેનના પાસાઓને PMO અને અન્ય વિભાગોમાં પણ લાગુ કરવામાં આવ્યા હતા.

ઈલેક્ટ્રિક વાહનો વિશે વાત કરતા શ્રી મોદીએ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોની એક મોટી વિશેષતા એ છે કે તે મૌન એટલે કે સાયલન્ટ હોય છે, પછી તે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તે અવાજ કરતાં નથી. આ સાયલન્ટ માત્ર તેના એન્જિનિયરિંગ વિશે નથી, પરંતુ તે દેશમાં એક સાયલન્ટ રિવોલ્યુશન એટલે કે મૌન ક્રાન્તિની પણ શરૂઆત છે. તેમણે કહ્યું હતું કે EV ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર દ્વારા છેલ્લાં આઠ વર્ષથી મજબૂત પાયો તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ પ્રયાસોના ભાગરૂપે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે આવકવેરામાં છૂટ અને લોન પ્રક્રિયાને સરળ બનાવવા જેવા અસંખ્ય પગલાં પણ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.

ઓટોમોબાઈલ અને ઓટોમોબાઈલ ઘટકોના ઉત્પાદનમાં PLI યોજનાઓ દાખલ કરવા માટે ઝડપી ગતિએ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે મજબૂત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે અનેક નીતિવિષયક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. 2022 ના નાણાકીય બજેટમાં બેટરી સ્વેપિંગની નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આતમવિશ્વાસપૂર્વક જણાવ્યું કે આના કારણે પુરવઠો, માંગ અને ઇકોસિસ્ટમના મજબૂતીકરણ સાથે, EV ક્ષેત્ર પ્રગતિ કરશે.

વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું કે ભારતે COP-26માં જાહેરાત કરી છે કે તે વર્ષ ૨૦૩૦ સુધીમાં non-fossil sources (બિન-અશ્મિભૂત સ્રોતો)માંથી તેની સ્થાપિત વિદ્યુત ક્ષમતાના 50 ટકા હાંસલ કરશે. અમે વર્ષ 2070 માટે ‘નેટ ઝીરો’ લક્ષ્ય નક્કી કર્યું છે. વડા પ્રધાને જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે મારુતિ સુઝુકી બાયોફ્યુઅલ, ઇથેનોલ બ્લેન્ડિંગ અને હાઇબ્રિડ ઈવી જેવી વસ્તુઓ પર પણ કામ કરી રહી છે. વડાપ્રધાને એ પણ સૂચન કર્યું કે સુઝુકી કોમ્પ્રેસ્ડ બાયોમિથેન ગેસ-CBG સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તંદુરસ્ત સ્પર્ધા અને પરસ્પર શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ ઊભું કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે તેનાથી દેશ અને વેપાર બંનેને ફાયદો થશે. ભારતની આઝાદીના અમૃતકાળના આગામી 25 વર્ષમાં ભારત તેની ઊર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને તે અમારું લક્ષ્ય છે. ઊર્જા વપરાશનો મોટો હિસ્સો પરિવહન ક્ષેત્રમાં હોવાથી, આ ક્ષેત્રમાં નવીનતા અને પ્રયાસો આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આ સાથે જ તેમણે આ લક્ષ્ય હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.