Western Times News

Gujarati News

રેલ્વે ક્રોસિંગ પર એસ.ટી. બસ અધવચ્ચે જ પડી બંધ, મુસાફરોના જીવ તાળવે ચોટયાં

(પ્રતિનિધિ) વાપી, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ રેલવે ફાટક પર એક એસ.ટી બસ અધવચ્ચે જ અટકી જતા બસમાં સવાર મુસાફરના જીવ અધ્ધર થઈ ગયા હતા . સરકારી બસોમાં મુસાફરી કરતાં લોકોને અવાર નવાર વિવિધ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

તો હાલમાં થોડા દિવસ અગાઉ વલસાડ ખાતે રેલ્વે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે પણ એક સરકારી એસટી બસ ક્રોસિંગ વચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. ડ્રાઇવરના અનેક પ્રયાસો બાદ પણ બસ ચાલુ થઈ ના હતી. જેને લઈ બસમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

જયારે આજે બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મલાવ રેલવે ફાટક પર અંબાજીથી ઉંમરગામ તરફ જઈ રહેલી એસટી બસ ખોટવાઈ ગઈ હતી. અંબાજી થી ઉંમરગામ જઈ રહેલી આ એસટીની સ્લીપર કોચ બસ છે. જે લાંબા રૂટ પર દોડે છે. ત્યારે આજે સવારે આ બસ જ્યારે મલાવ રેલ્વે ક્રોસિંગ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે રેલ્વે ટ્રેક પર પહોંચતા જ બસ ખોટવાઈ ગઈ હતી. અને રેલવે ટ્રેક પર જ આ સ્લીપર કોચ બસ અટકી ગઈ હતી. આથી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.

જાેકે તાત્કાલિક બસમાં સવાર લોકો નીચે ઉતરી ગયા હતા. અને ફાટક પરથી પસાર થતા અન્ય રાહદારીઓ અને વાહન ચાલકો સાથે આસપાસના લોકોએ રેલ્વે ક્રોસિંગ પર અટકી ગયેલી બસને ધક્કો મારી અને ટ્રેક પરથી દૂર કરી હતી.

આમ રેલ્વે ટ્રેક પર કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ બસને ધક્કો મારી અને રેલ્વે ટ્રેક પરથી દૂર કરતાં લોકો અને બસમાં સવાર મુસાફરો એ હાશકારો અનુભવ્યો હતો. જાે કે આસપાસના લોકો અને બસમાં સવાર મુસાફરોની સમયસૂચકતાને કારણે તાત્કાલિક બસને ટ્રેક પરથી દૂર કરતા એક મોટી દુર્ઘટના ટળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.