Western Times News

Gujarati News

ગુજરાતમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુંઃ ઠેર ઠેર આંદોલનો અને વિરોધ

ગાંધીનગર, રાજ્યમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. ત્યારે બીજી બાજુ ગુજરાત સરકાર વિરુદ્ધ અનેક સમાજ અને સંસ્થાના લોકોએ પોતાની માંગણીઓ મુકીને બાંયો ચડાવી છે. રાજ્યમાં હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. માલધારી સમાજ, ખેડૂતો, શિક્ષકો, આરોગ્ય કર્મીઓ અને એસટી કર્મચારીઓએ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા આટલા વિરોધને કારણે રાજ્ય સરકાર પણ તમામની માંગો અને વાતો સાંભળી રહી છે અને આ ગુથ્થીઓને સુલઝાવવા માટે અનેક પ્રયોજનો કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. આધારભૂત સૂત્રોનું માનીએ તો, ગુજરાત સરકારે આ આંદોલનોને શાંત પાડવા માટે એક કમિટિની પણ રચના કરી છે.

ત્યારે સરકાર હવે થોડા જ સમયમાં આ તમામ વિરોધો સામે કેવો માસ્ટર સ્ટ્રોક મારશે કે નહીં તે જ જાેવાનું રહેશે. રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરાયો છે જેની સામે હાઇકોર્ટની દખલગીરી બાદ સરકારે પગલા લેવા પડ્યા છે. જેના કારણે માલધારી સમાજમાં ભારે રોષ છવાયો છે. આ કાયદો પાછો ખેંચવાની માંગ સાથે રવિવારે શેરથામાં જંગી સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા.

આ સાથે માલધારીઓએ એલાન પણ કર્યુ છે કે, તારીખ ૨૧મીએ સમગ્ર ગુજરાતમાં પશુપાલકો-માલધારીઓ દૂધનું વેચાણ નહીં કરે. એટલું જ નહીં, ડેરીમાં પણ દૂધ નહીં ભરે. આ લોકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે, જાે આ કાયદો પાછો નહીં લેવામાં આવે તો, ગુજરાતભરમાંથી માલધારી સમાજ ગાંધીનગરમાં ધામા નાંખશે.

શિક્ષકોએ પણ સરકાર સામે લડત ચલાવી છે. સરકારી કર્મચારીઓ જ્યાં સુધી જૂની પેન્શન યોજના ઉપરાંતના પ્રશ્નો નહીં ઉકેલે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રાખશે. સરકારે કર્મચારી મંડળોમાં ભાગલા પાડી અને પોતાની વાતમાં લાવીને વિરોધ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કર્મચારીઓએ સાથે રહીને સરકારના આ મનસુબા પર પાણી ફેરવી દીધું છે. ગાંધીનગરમાં સરકારી કર્મચારી સંકલન સમિતિની બેઠક મળવાની છે. જેમાં આગામી સમયમાં આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવે તેની રણનીતિ બનાવવામાં આવશે.

ખેડૂતો પણ પોતાની વિવિધ માંગણીઓ લઇને આંદોલનના મૂડમાં છે. ભારતીય કિસાન સંઘ રાજ્ય સરકાર સામે આક્રમક મૂડમાં છે. છેલ્લા ૨૪ દિવસથી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં ખેડૂતો ધરણાં યોજીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે બલરામ સંઘના નેતાઓ એક મહત્ત્વની બેઠક કરવાના છે.

જેનાથી આ વિરોધ પ્રદર્શન વધુ વેગવંતુ બનશે તેવા એંઘાણ લાગી રહ્યા છે. કિસાન સંઘના નેતાઓએ સરકાર પર આરોપ પણ લગાવ્યો છે. કે, સરકાર કર્મચારીઓના આંદોલનને શાંત કરવાની મથામળમાં ખેડૂતોની સામે જ જાેઇ નથી રહી. છેલ્લા ૪૩ દિવસથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને કારણે પંચાયતમાં આરોગ્યલક્ષી કામગીરી ખોરંભે પડી છે.

આરોગ્ય કર્મીઓની માંગ છે કે, જ્યાં સુધી ગુજરાત સરકાર પડતર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી ગુજરાતભરમાં આ આંદોલન યથાવત રહેશે. રવિવારે સરકાર અને કર્મચારીઓ વચ્ચે બેઠક પણ થઇ હતી પરંતુ તેમાં પણ કોઇ સમાધાન આવ્યું નથી.

ગુજરાત રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ પણ હવે સામે આવ્યા છે. વર્ગ ૪ના કર્મચારીઓએ પણ આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપીને પડતર માંગો સ્વિકારવાની રજૂઆત કરી છે. પરંતુ આ અંગે પણ કોઇ સમાધાન ન મળતા આજથી વર્ગ-૪ના કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન કરવાના છે. એસટી કર્મીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.