Western Times News

Gujarati News

હાલોલ ટોલનાકા નજીક બેકાબુ કારે શ્રમજીવીઓને અડફેટે લેતા એકનું મોત

અમદાવાદ : હાલોલ ટોલનાકા નજીક વેલી હોટલ પાસે ગઇ મોડી રાત્રે એક કાર ચાલકે પોતાનું વાહન પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જતાં બાઇક ચાલક સહિત ૧૦ જેટલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત ૧૦ શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક શ્રમજીવીનું મોત થયું હતું. આ અકસ્માતમાં ઘાયલ ચાર શ્રમજીવીઓની હાલત અત્યંત નાજુક છે, જેઓને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, હાલોલ ટોલનાકા પાસે મંગળવારે મોડી રાત્રે સનફાર્મા કંપનીમાંથી કામ પરથી નીકળેલા ૧૦ જેટલા શ્રમજીવીઓ રોડની બાજુમાં બેઠા હતા. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અને ત્યારબાદ ૧૦ જેટલા શ્રમજીવીઓ પર કાર ચડાવી દીધી હતી.

જેમાં તમામ શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અને કારચાલક અને બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં મુકેશકુમાર ઉદેસિંહ બારીયા(૨૦), (રહે, પંડોર, શિવરાજપુર)નું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મુકેશ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો.

ઘટનાની જાણ થતાં જ હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અને ત્યાંથી ૪ શ્રમજીવીઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓએ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારની એરબેગ ખુલી જતા કાર ચાલક અને કારમાં બેઠેલી મહિલાનો બચાવ થયો હતો. જોકે કાર ચાલકની હાલત પણ ગંભીર છે.

હાલોલ રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ નપાની એમ્બલ્યુન્સને દોઢ વર્ષે પહેલા એકસ્માત થયો હતો. ત્યારબાદ હાલોલ નગરપાલિકા તંત્રના અણઘડ વહીવટને કારણે એમ્બલ્યુન્સનું રિપેરિંગ કરાયું જ નથી. જેથી હાલોલની આસપાસ જ્યારે અકસ્માતો થાય છે.

ત્યારે મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોમાં આ વાતને લઇ ઉગ્ર રોષ ફેલાયો હતો. અકસ્માતના આ બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.