Western Times News

Gujarati News

શ્રી કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અનેક સંઘર્ષ પછી કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડી શકાયું છે-ડબલ એન્જિન સરકારથી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત આગળ વધી રહી છે

અમદાવાદના ટાગોર હોલ ખાતે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાહેન આચાર્ય પણ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ’ના મંત્રને  કચ્છી જૈન સેવા સમાજ પોતાનાં જનસેવાનાં કાર્યો થકી સાકાર કરી રહ્યો છે.  છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ હંમેશાં કાર્યરત રહ્યા છે

અને એ જ પગલે કચ્છી જૈન સેવા સમાજ પણ આ જ રીતની સેવાકીય પ્રવૃતિઓ સાથે સમાજના ઉત્થાન માટે કાર્ય કરતો રહ્યો છે. સેવાકાર્ય કરનારા લોકો કોઇપણ જાતના પડકારોમાં પણ સેવાકાર્યની જ્યોત જલાવી રાખે છે. કચ્છી જૈન સેવા સમાજ આ પ્રકારનો જ સમાજ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ડબલ એન્જિન સરકારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અનેક સંઘર્ષ પછી કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડી શકાયું છે. તેમના જ પ્રયત્નોથી કચ્છમાં હમણાં જ નવનિર્મિત સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે 30000 મેગાવોટનો રિન્યુએબ્લ એનર્જીનો હાઇબ્રિડ પ્લાન્ટ પણ કચ્છમાં આકાર લઈ રહ્યો છે.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબહેન આચાર્યએ સમાજના સેવાકાર્યોને બિરદાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, કચ્છી જૈન સેવા સમાજ હંમેશાં આરોગ્ય , શિક્ષણ, જીવદયા જેવા ક્ષેત્રે જનસેવા કરી રહ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીના સ્કીલ ઇન્ડિયાના સૂત્રનેસાકાર કરવા કચ્છી જૈન સેવા સમાજ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરો સ્થાપવા જઈ રહ્યો છે, એ આવકાર્ય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં શ્રીમતી નીમાહેને ઉમેર્યું હતું કે ધરતીકંપ બાદ કચ્છ ફરી બેઠું થયું એનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. ભૂકંપ બાદ  કચ્છને ફરી બેઠું કરવાનું અને કચ્છના ઔધોગિક વિકાસનું બીડું આપણા નરેન્દ્રભાઈએ ઝડપ્યું હતું. તેમણે સંકલ્પ કર્યો હતો કે કચ્છને સિંગાપોર જેવું બનાવવા અને વિકસિત જિલ્લો બનાવવાનો સંકલ્પ લીધેલો અને ખરેખર સાર્થક કરી બતાવ્યો છે. આજે સફેદ રણ અને સ્મૃતિ વન જેવા તેમના ડ્રીમ પ્રોજેક્ટની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રીમતી નીમાહેને વધુમાં જણાવ્યું કે કચ્છની માગણીઓ પર કોઈ ધ્યાન આપતું નહોતું. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ પાણી, રસ્તા, રેલવે લાઈન જેવી તમામ પાયાની જરૂરિયાતો તેમની આગવી કોઠાસૂઝથી કચ્છને ઉપલબ્ધ કરાવડાવી. તેમણે 69000 કીમી લાંબી લાઈનો દ્વારા નર્મદાના નીરને કચ્છ સુધી પહોચાડી ભગીરથ કાર્ય કર્યું છે.

આ પ્રસંગે કચ્છી જૈન સેવા સમાજના પ્રમુખશ્રી પ્રતાપભાઈ દંડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ‘કચ્છી બોલી વિજ્ઞાન ‘ પુસ્તકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ના હસ્તે કચ્છી જૈન સેવા સમાજના અગ્રણીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છી જૈન સેવા સમાજ આવનારા દિવસોમાં અમદાવાદના ચાંગોદરમાં લોકસેવા અર્થે મેડિકલ સેન્ટર અને સરકારના ‘સ્કીલ ઇન્ડિયા’ના અભિયાન અંતર્ગત અમદાવાદમાં યુવાનો માટે ત્રણ સ્કીલ સેન્ટર  સ્થાપવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશ શાહ, કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદના અગ્રણીઓ, શુભેચ્છકો, દાતાશ્રીઓ તેમજ સામાજિક અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.