Western Times News

Gujarati News

મતદાર જાગૃતિ તથા પ્રશિક્ષણ માટે શિક્ષણ વિભાગ કરશે સહયોગ

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે  MoU કરવામાં આવ્યા

મતદારોની સહભાગિતા દ્વારા મતદાર નોંધણી વધે અને આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યાં છે.

મહિલાઓ તથા યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવે અને મતાધિકાર અંગે જાગૃત થાય તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા મહત્ત્વના એવા શિક્ષણ નિયામક, ટેકનિકલ શિક્ષણ નિયામક અને સમગ્ર શિક્ષા સંગઠન, પ્રાથમિક શાળા નિયામક સાથે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા MoU કરવામાં આવ્યા.

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વધુ સંખ્યામાં યુવાનોની સહભાગિતા વધે અને મહત્તમ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન નિયામક કચેરીઓ દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં આવશે.

જે સંદર્ભે શાળા નિયામકશ્રી શાલિની દુહાન, ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી જી.ટી.પંડ્યા તથા સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો.શ્રીમતી રતનકુંવર ગઢવીચારણ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ૧૮ થી ૬૦ વર્ષની વય જૂથના મતદારોની નોધણી વધે તે માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.તે માટે વિવિધ સરકારી/બિન સરકારી વિભાગો સંગઠનોમાં કાર્યરત માનવબળની સેવાનો લાભ લેવા માટે  મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે.

જેનાથી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે અને તે થકી સમાજના વિવિધ વર્ગના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી કચેરી દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે પણ મતદારોની સહભાગીતા વધારવા માટે MoU  કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.