Western Times News

Gujarati News

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું

પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મચારીઓએ પણ ગરબામાં મજા માણી

(પ્રતિનિધિ)ભરૂચ, માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને તેમાંય ગુજરાતીઓ ગરબાની રમઝટ બોલાવવામાં ચૂકતું નથી જેના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કેળવાય તેમજ દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે તે માટે ભરૂચમાં સૌપ્રથમ વખત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતા પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ અધિકારીઓ અને ભરૂચની જનતાએ એક મંચ ઉપર ગરબાની રમઝટ બોલાવી રહી છે.

પોલીસ એ પ્રજાનો મિત્ર હોય તે યુક્તિ માત્ર સાંભળી છે પરંતુ આ યુક્તિને ભરૂચ જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલે સાર્થક કરી છે ભરૂચના કાળી તલાવડી સ્થિત પોલીસ હેડકવાર્ટર ખાતે ભવ્ય ગરબાનું આયોજન સૌપ્રથમ વખત કરવામાં આવ્યું છે.

જેમાં હેડક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારના લોકો પણ ગરબાની મજા માણી શકે અને પોલીસ સાથે પ્રજા પણ એક મંચ પર ગરબા રમી શકે અને પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કેળવાય તે હેતુ સાથે ગરબાના આયોજનમાં લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે.આસો નવરાત્રીના ચોથા દિવસે પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્‌યું હતું.

પોલીસ વિભાગમાં ફરજ નિભાવતી મહિલા કર્મચારીઓએ પણ પોલીસ પરિવાર દ્વારા ગરબાના આયોજનને બિરદાવ્યા હતા અને તેઓએ આ ગરબામાં મજા માણી રહ્યા હોય ત્યારે તેઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમે પોલીસ સર્વિસ પહેલા જે ગરબાની મજા માણી તે આજે પોલીસ સર્વિસમાં અનુભૂતિ થઈ રહી છે અને તેવી જ રીતે આજે ગરબા રમી રહ્યા છે.પોલીસ પરિવારની દીકરીએ પણ પોલીસ પરિવારના ગરબામાં છેલ્લા ચાર દિવસથી મન મૂકી ગરબે ઘૂમી રહી છે.

તેણીએ કહ્યું હતું કે મારા પિતાને સર્વિસમાં ક્યારેય સમય મળતો નથી પરંતુ આજે થયેલા ગરબાના આયોજનમાં પરિવાર સાથે ગરબા રમીને એક અનુભૂતિ થઈ રહી છે અને ખરેખર ભરૂચ પોલીસ પરિવારનું આ ગરબાનું આયોજન કરવા બદલ આભાર માનીએ છીએ કે પોલીસ પરિવારના દીકરા દીકરીઓ આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરક્ષિત રીતે ગરબે ઝૂમી રહ્યા છે અને તે પણ ભરૂચની જનતા સાથે વર્ષો વર્ષ આવા આયોજનો થતા રહે તેવી ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.