Western Times News

Gujarati News

દહેજ ઔદ્યોગિક વસાહતને જાેડતો માર્ગ બિસ્માર હોવા છતાં ટોલ વસૂલવામાં આવતા લોકો દ્વારા ચક્કાજામ

ચક્કાજામના પગલે પોલીસ દોડી આવી દોઢ બે કલાકની સમજાવટ બાદ ટ્રાફિક પુનઃ કાર્યરત કરાતા રાહત

(પ્રતિનિધિ) ભરૂચ, તાજેતરમાં વરસેલા વરસાદના કારણે ભરૂચ જીલ્લાના સમગ્ર માર્ગ બિસ્માર બન્યા છે.ત્યારે દહેજ ઔદ્યોગિક વસાહતને જાેડતો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને સહિત ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે.

બિસ્માર રસતો હોવા છતાં કેસરોલ નજીક જીઆરડીસી દ્વારા ટોલ વસૂલવામાં આવતા વાહન ચાલકો અને ગ્રામજનો મેદાનમાં ઉતરી વાહનો અટકાવી આંદોલન છેડતા ૪ – ૫ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જામી હતી જેના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડતા રાહત મળી રહી.

ભરૂચ જીલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતને જાેડતા માર્ગો બિસ્માર બન્યા છે અને મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.દહેજ ઔદ્યોગિક વસાહતને જાેડતો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં કેસરોલ ગામ નજીક આવેલ જીઆરડીસી દ્વારા માર્ગો બિસ્માર હોવા છતાં વાહન ચાલકો પાસે થી ટોલ વસૂલવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.

પરંતુ બિસ્માર માર્ગ મુદ્દે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે, ગ્રામજનોને પણ હાલાકી ભોગવી પડી રહી છે, તે સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.જેના પગલે શુક્રવારની સવારે માર્ગના કારણે ત્રાસી ગયેલા ગ્રામજનોને વાહન ચાલકો મેદાનમાં ઉતરી પડ્યા હતા અને વહેલી સવારથી જ કેસરોલના ટોલટેક્સ નજીક ચક્કાજામ કરતા દહેજ ઔદ્યોગિક વસાહતમાં ફરજ ઉપરના કર્મચારીઓને લાવવા લઈ જવાથી બસો પણ અટવાઈ પડી હતી.

ચક્કાજામના કારણે વાહનોની ૪ થી ૫ કિલોમીટર સુધી લાંબી કતારો જામી ગઈ હતી.જે સમગ્ર મામલો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતાં અને પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કલાકોની ભારે જહેમત ઉઠાવ્યા બાદ વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.