Western Times News

Gujarati News

યાત્રાધામ શબરી ધામ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે દશેરા મહોત્સવ યોજાયો

પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પુર્ણેશભાઈ મોદી અને ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

( ડાંગ માહિતી ) આહવાઃ તા.૫મી ઓક્ટોબર દશેરા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામા આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરી ધામ ખાતે, શ્રી શબરી માતા સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી સાથે માતા શબરીના સાક્ષાત્કારના પુણ્ય સ્મરણમા સ્વામી શ્રી અસીમાનંદજીના સાન્નિધ્યે દશેરા મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ કેબિનેટ મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આજે વિજયા દશમી, દશેરો છે. અસત્ય પર સત્યના વિજયનો દિવસ. લંકાપતિ રાવણને પરાસ્ત કરીને, અધર્મનો નાશ કરીને, પ્રભુ શ્રી રામચંદ્રજી એ ધર્મની ધજા ફરકાવી હતી. જેને આપણે સૌ વિજયા દશમી/દશેરા તરીકે ઉજવતા આવ્યા છે.

મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે, દેશ આખામા જુદી જુદી રીતે વિજયા દશમીની ઉજવણી કરવામા આવે છે. ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ, દંડકારણ્યની આ પાવન ભૂમિ ઉપર પહેલી વખત ગત વર્ષે, રાજ્ય કક્ષાના ‘દશેરા મહોત્સવ’ની ઉજવણી કરીને, આ વિસ્તારની ગરિમા વધારી છે. જે પરંપરાને આપણે સૌ આગળ વધારી રહ્યા છે.

રામાયણની વાત કહેતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, આ જ સ્થળ ઉપર માતા શબરીના આંગણે પ્રભુ શ્રી રામ, ભ્રાતા શ્રી લક્ષ્મણ સાથે પધાર્યા હતા. ફક્ત પધાર્યા જ ન હતા, પરંતુ અહી તેમણે શબરીના હાથે તેના એંઠા બોર પણ આરોગ્યા હતા. પ્રભુ શ્રી રામે શબરીએ વીણી વીણી ને, ચાખી ચાખીને જુદા રાખેલા મધમીઠા બોર, તેણીના જ હાથે આરોગીને, હંમેશને માટે ઊંચ નીચના ભેદનો છેદ ઉડાડી દીધો હતો. આખુ જીવન શ્રી રામના દર્શન માટે તરસતી શબરીની આંખો, અને આત્માને પ્રભુ મિલન સાથે જ અહી શાંતતા મળી હતી.

દશેરા મહોત્સવની ઉજવણીની સાથે સાથે વર્તમાન રાજ્ય સરકારે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નકશે કદમ ઉપર ચાલતા, મહિલા સશક્તિકરણને ખુબ મહત્વ આપ્યુ છે. નવલા નોરતાના નવ નવ દિવસો સુધી આપણે મા અંબા એટલે કે શક્તિની પૂજા અર્ચના કરી, આદ્યશક્તિ માં અંબાની આરાધના સાથે, જૂદા જુદા ક્ષેત્રોની નારી શક્તિઓનુ અભિવાદન કરીને ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમ આગળ વધારી રહ્યા છે.

જે આ સરકારની નારી સશક્તિકરણની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ પણ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યુ હતુ. ટુરીઝમ વિશે જણાવતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, આર્ત્મનિભર ભારતના નિર્માણમા ટુરીઝમ સેકટરનુ ખુબ મોટુ યોગદાન રહેલુ છે. ગુજરાત ‘વેરાયટી ઓફ ટુરીઝમ સ્પોટ્‌સ’ ધરાવતુ રાજ્ય છે. ગુજરાતે પ્રવાસન સેકટરનો હોલીસ્ટિક એન્ડ ઇન્ક્‌લુઝિવ ગ્રોથ સાકાર કર્યો છે. ગુજરાતની ડબલ એન્જીન સરકાર નવી ઉર્જા, અને નવી ચેતના સાથે જનસેવાના કાર્યો કરી રહી છે.

તાજેતરમા જ ગયા મહિને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારે ગુજરાત સીનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર કરી છે. આ પોલિસી અંતર્ગત સને ૨૦૨૨ થી ૨૦૨૭ સુધી સિનેમાના માધ્યમથી ગુજરાતના પ્રવાસન સ્થળોનો સર્વાંગીણ વિકાસ, અને સ્થાનિક રોજગારી સર્જનનો અવસર પ્રાપ્ત થશે. ફિલ્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને પ્રોત્સાહન મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજાે એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવાની યોજના પણ અમલમા મુકવામા આવી છે.

સાથે કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા પણ સરકાર આર્થિક સહાય આપી રહી છે. તેમ મંત્રીશ્રીએ વઘુમા જણાવ્યુ હતુ. ‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે.

ખાસ કરીને આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરવામા આવી રહી છે. શબરી ધામ ખાતે રાજ્ય સરકાર દ્વારા પાયાકિય સુવિધાઓના વિકાસ કાર્યો માટે આગામી સમયમા અંદાજીત ૫.૭૫ કરોડના વિવિધ વિકાસ કામોનો તબક્કાવાર વિકાસ થઈ રહ્યો હોવાનુ મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતુ.

ડાંગના પ્રભારી અને આદિજાતિ મંત્રીશ્રી શ્રી નરેશભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, આજરોજ વિજયા દશમીનો દશેરા મહોત્સવ એ અસત્ય ઉપર સત્યના વિજયનો દિવસ છે. લંકાપતિ રાવણને પરાસ્ત કરીને અધર્મનો નાશ કરીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ ધર્મની ધજા ફરકાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.