Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨૫ વર્ષ બાદ કેતકી દવે માતા સરિતા સાથે કામ કરશે

૨૫ વર્ષ પહેલા ટીવી શો હસરતેં માં કેતકી દવેએ મમ્મી સરિતા જાેષી સાથે અભિનય કર્યો હતો

મુંબઈ, ૨૫ વર્ષ પછી મા-દીકરીની જાેડી સરિતા જાેષી અને કેતકી દવે ફરી એકવાર સાથે જાેવા મળશે. છેલ્લે બંને સીરિયલ હસરતેં (૧૯૯૬-૧૯૯૭)માં સાથે જાેવા મળ્યા હતા. હવે તેઓ જેડી મજેઠિયા અને આતિશ કપાડિયાની સીરિયલ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં સાથે જાેવા મળશે.

આ સીરિયલ શરૂ થઈ ત્યારથી સરિતા જાેષી તેનો ભાગ છે જ્યારે કેતકી દવે શોમાં દીપ્તિ (ગરિમા પરિહાર)ના દાદી કુંજબાળાના રોલમાં જાેવા મળશે. કેતકી દવેએ ઈન્ટરવ્યૂમાં મમ્મી સાથે કામ કરવાનો ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું, હું યુવાન હતી અને કરિયર બનાવવા સંઘર્ષ કરી રહી હતી ત્યારે એક નાટકમાં અમે સાથે કામ કર્યું હતું.

જે બાદ ‘હસરતેં’માં સાથે દેખાયા હતા. મેં જ્યારે ‘પુષ્પા ઈમ્પોસિબલ’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મમ્મી દિલ્હીમાં હતા. હવે બંને મા-દીકરી સાથે રહીશું અને ખૂબ કોમેડી થશે. હવે અમે એક જ શોમાં કામ કરી રહ્યા છીએ ત્યારે સાથે રહીશું નહીં તો સામાન્ય રીતે અમારી ફોન પર જ વાતો થતી રહે છે.

વર્ષો પહેલા સરિતા જાેષીએ કેતકીને નાટકો ડાયરેક્ટ કરી હતી ત્યારથી લઈને સ્ક્રીન પર સાથે દેખાવા સુધી મા-દીકરીના સંબંધમાં વૃદ્ધિ થઈ છે. કેતકી દવેએ કહ્યું, “મારા મમ્મી મહાન અભિનેત્રી છે અને તેમના સ્તર સુધી પહોંચવાનું વિચારી પણ ના શકું. એક્ટર તરીકે મેં કરિયરની શરૂઆત કરી ત્યારે તેમણે મને ઘણું શીખવ્યું છે.

તેઓ હંમેશા મારા સૌથી મોટા વિવેચક રહ્યા છે. હું મોટાભાગે તેમના સલાહ-સૂચનો સાંભળું અને પછી કહું કે- અરે, મમ્મી હવે બહુ થયું (હસે છે). ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ના રોલ માટે તેમણે મારા વખાણ કર્યા ત્યારે મને ખૂબ જ સંતોષ થયો હતો. હવે જ્યારે પણ તેઓ મારા વખાણ કરે છે ત્યારે હું કહું છું કે કંઈક ખૂટતું હોય તો જણાવો.

પરિવારનું કોઈ સભ્ય સેટ પર હોય તો સરળતા રહે છે અને ઘર જેવું લાગે છે, નહીં? આ સવાલના જવાબમાં કેતકીએ કહ્યું, સાચું કહું તો સેટ પરનો માહોલ જ એટલો કમ્ફર્ટેબલ હોય છે કે મને કોઈની જરૂર પડતી નથી. મેં મારા પતિ (સ્વર્ગસ્થ રસિક દવે) સાથે ખાસ્સું કામ કર્યું છે અને તેમની સાથે હું ખૂબ સહજ હતી.

જાેકે, હું દરેક કલાકાર સાથે સહજ હોઉં છું કારણકે મારા માટે હું જે પાત્ર ભજવું છે તે વિશેષ મહત્વ ધરાવે છે. ચોક્કસથી મારી મમ્મી જાેડે કામ કરવાની ખૂબ મજા આવવાની છે. અમારા ઈનસાઈડ જાેક્સ છે જેના પર અમે હસીશું અને લોકો વિચારશે કે અમે કેમ હસી રહ્યા છીએ.

પુષ્પા ઈમ્પોસિબલ’માં કુંજબાળાનો રોલ ભજવવા માટે કેતકી ઉત્સાહિત છે. તેણે કહ્યું, “મારું પાત્ર બની શકે તેટલું વાસ્તવિક છે. તે કોઈપણ દાદી જેવી છે જેમને પોતાનો સમય જ સારો લાગે છે. તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને વિચારો આજના યુવાનો કરતાં ખૂબ અલગ છે. બંનેમાંથી કોઈ ખોટું નથી પરંતુ તેમના વિચારો અને મૂલ્યોમાં ફરક છે અને તેના લીધે જ તકરાર થાય છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers