Western Times News

Gujarati News

મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છેઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર, મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે.

નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે. નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.

રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે, પછી ખબર પડશે કે આ માટે કોણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ આમાં કોની ભૂલ છે તે શોધી કાઢશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત પોલીસે આ દુર્ઘટનામાં બદઈરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધ્યો છે અને લગભગ ૯ લોકોની અટકાયત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બ્રિજ પર તૈનાત ખાનગી સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. સાથે જ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના એસપી સાંજે ૬ કલાકે આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.

લગભગ ૧૫૦ વર્ષ જુના આ પુલનું રિનોવેશન કરનાર ખાનગી કંપનીએ આ દુર્ઘટના ઘટી તે પહેલાં દાવો કર્યો હતો કે, તેમણે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે પુલનું રિનોવેશન કર્યું છે. આ રિનોવેશન કર્યા બાદ આ પુલ ઓછામાં ઓછો ૮ થી ૧૦ વર્ષ સુધી ટકશે અને કોઈ ખતરો નહી ઉભો થાય.

મોરબીના ઝૂલતા પુલની સંભાળ રાખવા માટેનો જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો તે કંપની ઓરેવા ગ્રુપના વહીવટી સંચાલકે ૨૪ ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં પુલના ઘણા વર્ષો સુધી ટકી રહેવાની વાત કરી હતી.

ઓરેવા ગ્રુપના વહીવટી સંચાલક દીપક પારેખે કહ્યું હતું કે, “જાે લોકો સંપત્તિને નુકસાન પહોંચાડ્યા વગર અહીં મોજ-મસ્તી કરવા માટે આવે છે તો, નવીનીકરણ થયાના ૧૫ વર્ષો સુધી પુલ ટકી રહેશે. પુલને ૧૦૦ ટકા રિનોવેશન ફક્ત ૨ કરોડમાં કરવામાં આવ્યું છે.”HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.