Western Times News

Gujarati News

ગાંધીનગરમાં મતદાન જાગૃત્તિ અર્થે એક હજાર જેટલાં જાહેરસ્થળો પર રંગોળી પૂરવામાં આવશે

(પ્રતિનિધિ)ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીના અનુસંધાને ‘અવસર લોકશાહીનો’-સ્વીપ અંતર્ગત મતદાન જાગૃત્તિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં તા. ૧૬મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત શહેરમાં ૧૫ જાહેર સ્થળો પર મતદાન જાગૃત્તિ આપતી રંગોળી પૂરવામાં આવશે. જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકો દ્વારા પોતાના ગામ કે શહેરમાં જાહેરસ્થળે રંગોળી પૂરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં એક હજાર જેટલાં જાહેર સ્થળો પર વિદ્યાર્થીઓ રંગોળીના માધ્યમથી મતદારોને મતદાન કરવાની તેમની નૈતિક જવાબદારી નિભાવવાની અપીલ કરશે.

‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત રાજયમાં મતદાન જાગૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના વિવિધ જાહેરસ્થળો પર તા. ૧૬મી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ રંગોળી પૂરીને મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર શહેરમાં મતદાન જાગૃત્તિ આપતી રંગોળી શહેરી વિવિધ શાળાનાં બાળકો દ્વારા ૧૫ જાહેર સ્થળોએ રંગોળી બનાવવામાં આવશે. જેમાં સેકટર- ૨૩, સર્વ વિશ્વ વિદ્યાલયની આર.જી.કન્યા, આર.સી.પટેલ અને એમ.બી.પટેલ શાળાના વિદ્યાર્થીઓ નવા સચિવાલયમાં બ્લોક નંબર- ૯ ખાતે,

સેકટર-૨૩ સ્વામિનારાયણ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ જૂના સચિવાલયમાં, જે.એમ.ચૌધરી કેમ્પસના વિદ્યાર્થીઓ કલેકટર કચેરી, મહાનગરપાલિકા અને જિલ્લા કોર્ટ ખાતે, સેકટર- ૨૧ માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજભવન ખાતે, ઇન્ફોસીટી, સરગાસણના વિદ્યાર્થીઓ ગિફટ સીટી ખાતે,

સેકટર-૩ સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ પથિકાશ્રમ ખાતે, સેકટર- ૨૮ આરાધના વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ જિલ્લા પંચાયત, સેકટર-૨૫ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ડી-માર્ટ, સેકટર- ૨૬ શ્રી જયપ્રકાશ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઓશિયા મોલ, પોલિટેકનીક, સેકટર-૨૮,

બા શ્રી વસંતકુંવરબા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સેકટર- ૨૮ ગાર્ડન, સેકટર- ૮ સેંટ ઝેવિયર્સના વિદ્યાર્થીઓ સરિતા ઉદ્યાન, પેથાપુર શેઠ.એમ.બી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સેકટર- ૨૧ માર્કેટ અને સેકટર- ૭ સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સેકટર- ૭ શોપિંગ સેન્ટર ખાતે રંગોળી બનાવીને લોકોને મતદાન કરવાની અપીલ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.