Western Times News

Gujarati News

ભૌતિક આંખોનો અભાવ છતાં અંતરની આંખોથી લોકશાહીને સમર્થન

આંગળીના ટેરવા પાસે આંખોનું કામ લઈને મનગમતા ઉમેદવારને મત આપે છે પ્રજ્ઞાચક્ષુ વ્યાખ્યાતા યાહ્યાભાઈ અને રાકેશ દવે

પ્રજ્ઞાચક્ષુ સહિત તમામ દિવ્યાંગો માટે મતદાનને સરળ બનાવવા ચૂંટણી પંચે ખૂબ સંવેદનશીલતા દાખવી ને વિવિધ વ્યવસ્થાઓ કરી છે:યાહ્યાભાઇ…

વડોદરા, ‘ પ્રજ્ઞા ચક્ષુ હોવાથી અમે અગાઉ મતદાન તો કરી શકતા પરંતુ અમારે સહાયક પર નિર્ભર રહેવું પડતું.સહાયક તરીકે મોટાભાગે કુટુંબના સભ્યો રહેતા.પરંતુ ક્યારેક અન્ય લોકોની સહાયક તરીકે મદદ લેવી પડતી.ત્યારે મનમાં ચચરાટ રહેતો કે સહાયકે અમારા કીધા પ્રમાણે ના ઉમેદવારને જ મત આપ્યો હશે ને!! જો કે હવે ઈ.વી.એમ.પર બ્રેઈલ લિપિમાં ઉમેદવારો ના ક્રમાંક લખવામાં આવે છે.એટલે અમે સ્વતંત્ર રીતે પસંદગીના ઉમેદવારને વિશ્વાસ સાથે મત આપી શકીએ છે.’

આ શબ્દો છે બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ વ્યાખ્યાતા યાહ્યા સપાટવાલા અને રાકેશ દવેના. આ બંને લોકશાહીના અડગ ટેકેદાર મતદારો અંધત્વ ની પ્રકૃતિદત્ત ખામી થી હતાશ થયા વગર નિયમિત મત આપે છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં તાલીમાર્થી શિક્ષકોને ગુજરાતી અને અન્ય વિષયોનું શિક્ષણ આપતા યાહ્યાભાઈ કહે છે કે ૧૯૯૯ માં વડોદરા આવ્યા પછી મેં મહાનગર પાલિકા, સંસદ અને વિધાનસભા ચૂંટણીઓમાં અવશ્ય મત આપ્યો છે. પહેલા ઉપર જણાવ્યું એ પ્રમાણે અન્યના આધારે મત આપવો પડતો.

પરંતુ હવે ભારતના ચૂંટણી પંચે ખૂબ સંવેદના દાખવીને,પ્રત્યેક દિવ્યાંગ મત આપી શકે એવા સંકલ્પ સાથે,અમારા માટે મતદાન સરળ બનાવતી જે સુવિધાઓ આપી છે તેના થી હવે માત્ર પ્રજ્ઞાચક્ષુ નહિ કોઈપણ દિવ્યાંગ સરળતા થી મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.

·        યાહયાભાઈ ને એમની બિલ્ડિંગ ના નિવાસીઓએ જાગૃત નાગરિકનું ઉપનામ આપ્યું છે…..

યાહ્યાભાઇ જાતે મતદાન કરે છે અને પોતાના પરિવારજનો મત  આપે એવો આગ્રહ રાખે છે,તેની સાથે તેઓ મતદાનના દિવસે બિલ્ડિંગમાં ફરીને તમામ પરિવારોને મતદાન કરવા આગ્રહ કરે છે.એટલે પાડોશીઓ અને બિલ્ડિંગમાં અન્ય નિવાસીઓએ એમને ‘જાગૃત નાગરિક ‘ નું ઉપનામ આપ્યું છે.

·        મતદાન મથકમાં બ્રેઈલ લિપિમાં મુદ્રણ ધરાવતું નમૂનાનું મત પત્રક રાખવામાં આવે છે….

ભારતના ચૂંટણી પંચે પ્રજ્ઞાચક્ષુ મતદારોની સરળતા માટે એક આગવા કદમ રૂપે મતદાન મથકમાં ઉમેદવાર ના નામ,બેલેટ પર ક્રમાંક ઇત્યાદિનું બ્રેઈલ લિપિમાં મુદ્રણ ધરાવતું નમૂનાનું મત પત્રક રાખવાની સુવિધા કરી છે.

બ્રેઈલ શિક્ષિત પ્રજ્ઞાચક્ષુ મતદારો આ મત પત્રક ને સ્પર્શીને મનપસંદ ઉમેદવાર નો ક્રમાંક જાણી શકે છે. ઈ.વી.એમ.યંત્ર પર બ્રેઈલ  લિપિમાં પણ ઉમેદવારના નંબર અંકિત કરવામાં આવે છે.એટલે આંગળીના ટેરવા પાસે આંખોનું કામ લઈને આ મતદારો પસંદગી ના ઉમેદવારના ક્રમાંક સામે ચાંપ દાબીને મત આપી શકે છે.

દિવ્યાંગ અને વૃદ્ધ વડીલ,અશક્ત અને સગર્ભા મહિલા મતદારો ને મતદાન મથકે કતારમાં ઉભા ન રાખતા અગ્રતા ક્રમે મતદાન કરાવવા જેવી જોગવાઈઓ છે.

મ.સ.વિશ્વ વિદ્યાલય ની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ના વ્યાખ્યાતા રાકેશ દવે તો મતદાર ક્રમાંક,વિધાનસભા વિસ્તાર અને તેના નંબરનું બ્રેઈલ લિપિમાં અંકન ધરાવતું મતદાર ઓળખ પત્ર ધરાવે છે. તેઓએ અગાઉ દિવ્યાંગ મતદારો માટે રોલ મોડેલ તરીકે ચૂંટણી પંચને મદદ કરી છે.

ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિની વધુ જરૂર: યાહ્યાભાઈ કહે છે કે શહેરી વિસ્તારના પ્રજ્ઞાચક્ષુ અને અન્ય દિવ્યાંગ મતદારોમાં સારી જાગૃતિ જોવા મળે છે.જો કે દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ અને સ્વયં સેવકો ગ્રામીણ દિવ્યાંગ મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવાનું અને એમનું મતદાન સરળ બનાવવાનું કામ કરે એ ઇચ્છનીય છે.

યાહ્યાભાઈ અને રાકેશભાઈ બંને,દિવ્યાંગ મતદારોનું અને ૮૦ વર્ષથી ઉપરના વડીલ મતદારોનું મતદાન સરળ બનાવવા ભારતના ચૂંટણી પંચે સહાયક સહિતની જે જોગવાઈઓ કરી છે એને હૃદયપૂર્વક બિરદાવે છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે જિલ્લામાં દિવ્યાંગ મતદારો પૈકી ૪૪૫૬ પ્રજ્ઞાચક્ષુ મતદારો છે.તેમના સહિત તમામ દિવ્યાંગ મતદારો સરળતા થી મતદાન કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશો અને જોગવાઈઓ પ્રમાણે હાલમાં સ્વયં સેવકોની તાલીમ સહિત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

દિવ્યાંગતા ઉપર વિજય મેળવીને પ્રત્યેક ચૂંટણીમાં મતદાન કરવાનો આગ્રહ રાખતા યાહ્યાભાઈ અને રાકેશભાઈ જેવા જાગૃત મતદારો સલામ ને પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.