Western Times News

Gujarati News

કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ, ભાજપના વરિષ્ઠ નેતાઓ 89 વિધાનસભા બેઠકોમાં રેલીને સંબોધિત કરશે

પહેલા તબક્કાની ૮૯ બેઠકો પર એક સાથે સભા ગજવશે ભાજપ-પહેલા તબક્કાની બેઠકો પર ટિકિટ મેળવનારા ઉમેદવારોની સાથે-સાથે પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે

(એજન્સી)ગાંધીનગર, બસ હવે એ છેલ્લી ઘડી આવી ગઈ છે કે જેમાં રાજકીય પાર્ટીઓ પોતાનો દમ બતાવીને ચૂંટણી પ્રચાર કરી રહી છે. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે એટલે એ પણ નક્કી થઈ ગયું છે કે કોને કઈ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે આજે પહેલા તબક્કાની ૮૯ બેઠકો પર એક સાથે ચૂંટણી સભાઓ ગજવવાનો પ્લાન બનાવ્યો છે. આ દરમિયાન ટિકિટમેળવનારા ઉમેદવારોની સાથે-સાથે પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ રાજ્યભરમાં અલગ-અલગ જગ્યાઓ પર રેલીઓ કરવાના છે.

ભાજપે રેલીઓ માટે કરેલા ભવ્ય આયોજન દરમિયાન પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ શુક્રવારે ૮૯ વિધાનસભા બેઠકોમાં રેલીને સંબોધિત કરશે, આ બેઠકો પર રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે.

પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, નડ્ડા નવસારી, અંકલેશ્વર અને રાજકોટ પૂર્વમાં રેલી કરવાના છે. ત્રણ કેન્દ્રીય મંત્રી ૧૧ સભાઓને સંબોધિત કરવાના છે. નિતીન ગડકરી ત્રણ સભાઓને સંબોધિત કરવાના છે. જ્યારે નરેન્દ્રસિંહ તોમર અને અનુરાગ સિંહ ઠાકુર ચાર-ચાર સભાઓને સંબોધિત કરવાના છે.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ રેલીઓને સંબોધિત કરવાના છે, જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચાર રેલીઓને સંબોધિત કરશે. ભાજપની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે સહિતના નેતાઓ હાજર રહેવાના છે અને રેલીને સંબોધિત કરવાના છે.

ભાજપે આ વખતે વિધાનસભાની ચૂંટણીમમાં ૧૫૦થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય બનાવ્યું છે, જેની સામે કોંગ્રેસ ૧૨૫થી વધુ બેઠકો જીતવાનું અને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનશે તેવી વાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.