Western Times News

Gujarati News

રાયપુરમાંથી માસુમ બાળકનું અપહરણ અને છુટકારો

પોલીસતંત્રની રાજયવ્યાપી તપાસથી ગભરાયેલો અપહરણકાર બાળકને સુરત રેલવે સ્ટેશન પર છોડી ફરાર

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન એક પછી એક ગંભીર બનાવો બની રહયા છે પોલીસતંત્ર પણ આવી ઘટનાઓમાં સક્રિય બની છે ખાસ કરીને ઘરફોડ ચોરી અને લુંટની ઘટનાઓમાં આરોપીઓને ઝડપી લેવા માટે પેટ્રોલીંગ સઘન બનાવાયું છે. આ દરમિયાનમાં શહેરના રાયપુર વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા ચાર વર્ષના માસુમ બાળકના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસતંત્ર સતર્ક બન્યું હતું.

બાળકો ગુમ થવાની ઘટનામાં ત્વરિત કામગીરી કરવાના આદેશથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ઘટના પર નજર રાખી રહયા હતા અને અપહરણ કરાયેલા બાળકને સીસીટીવી કુટેજના આધારે સમગ્ર રાજયમાં તપાસ કરવામાં આવતા આ બાળક સુરત રેલવે સ્ટેશન પરથી મળી આવ્યું હતું જાકે અપહરણકાર ભાગી છુટયો છે જેની શોધખોળ ચાલી રહી છે. હાલ અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની એક ટીમ સુરતમાં ગઈકાલ સાંજથી તપાસ કરી રહી છે

જયારે અપહરણ કરાયેલ બાળકને તેના માતા પિતાને સોંપવામાં આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં. આ અંગેની વિગત એવી છે કે દેશભરમાંથી બાળકો લાપત્તા થવાની ફરિયાદ નોંધાય તો આવા બનાવોમાં પોલીસે ત્વરિત કામગીરી કરી બાળકને છોડાવવાના તમામ પ્રયાસો કરવા ઉપરાંત આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ દેશભરમાં પોલીસતંત્ર આવી ઘટનાઓમાં ત્વરિત કામગીરી કરતુ હોય છે.

અમદાવાદ શહેરમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી. ઉત્તર પ્રદેશનો એક પરિવાર રોજીરોટી મેળવવા માટે અમદાવાદ આવ્યો છે અને તેઓ રાયપુર દરવાજા બહાર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રામદેવપીરના મંદિરની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતા હતા આ સ્થળે મંદિર નજીક બાળકો રમતા હોય છે. તા.૭મીના રોજ આ જ પરિવારનો ૪ વર્ષનો બાળક શુભમ રમતો હતો.

મંદિર પાસે રમતો બાળક અચાનક જ લાપત્તા બનતા પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા સૌ પ્રથમ તેઓએ શુભમને આસપાસના સ્થળોએ શોધવા માટે તપાસ કરી હતી પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો જેના પરિણામે ગભરાયેલુ પરિવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશને પહોચી ગયું હતું અને ત્યાં શુભમની અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ સક્રિય બની ગયા હતાં

શુભમનો ફોટો લઈ તાત્કાલિક રાજયભરની પોલીસને મોકલી આપવામાં આવ્યો હતો જયારે બીજીબાજુ કાગડાપીઠની પોલીસની ટીમે મંદિરની આસપાસના સીસીટીવી કુટેજ ચેક કરતા ચોંકાવનારી વિગતો મળી હતી. સીસીટીવી કુટેજમાં એક અજાણ્યો શખ્સ શુભમને લઈ જતો જાવા મળી રહયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ સીસીટીવી કુટેજ તમામ પોલીસ સ્ટેશનોએ મોકલી આપ્યા હતા. જાકે સીસીટીવી કુટેજમાં અપહરણકારનો ચહેરો સ્પષ્ટ જાવા મળતો ન હતો.

ચાર વર્ષના શુભમનું અપહરણ થયાનું સાબિત થતા જ સ્થાનિક પોલીસ ઉપરાંત પોલીસ વિભાગની અન્ય એજન્સીઓ પણ સક્રિય બની હતી અને તમામ રેલવે સ્ટેશનો અને એસ.ટી. સ્ટેન્ડોને સીસીટીવી કુટેજ ચેક કરવામાં આવ્યા હતાં જેમાં રેલવે સ્ટેશન પર આ બાળક સાથે અપહરણકાર જાવા મળ્યો હતો. જેના પગલે રાજયભરના રેલવે સ્ટેશનો પર સૌ પ્રથમ આ અંગેની માહિતી પુરી પાડવામાં આવી હતી.
બીજીબાજુ ગઈકાલે બપોર બાદ અપહરણકાર ટ્રેન મારફતે શુભમને લઈને સુરત પહોંચ્યો હતો અને ત્યાં રેલવે સ્ટેશન પર મુસાફર ખાનામાં આ બાળકને બેસાડી પાણી પીને આવુ છું તેવુ કહી ત્યાંથી જતો રહયો હતો.

મુસાફર ખાનામાંથી અપહરણકાર પલાયન થઈ જતા આ બાળક એકલો બેસી રહયો હતો આ દરમિયાનમાં સફાઈ કર્મચારી ત્યાં આવી પહોંચતા તેણે એકલા બેસેલા બાળકને જાયો હતો અને તે રડતો પણ હતો જેના પગલે આ કર્મચારીએ પોલીસનું ધ્યાન દોર્યું હતું રેલવે પોલીસના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને બાળકની પુછપરછ કરતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં. સુરત રેલવે પોલીસે આ અંગે તાત્કાલિક અમદાવાદ કાગડાપીઠ પોલીસને જાણ કરી હતી બીજીબાજુ બાળકોની સુરક્ષા માટે કામ કરતી પોલીસ ટીમ પણ સુરત રેલવે સ્ટેશને પહોંચી ગઈ હતી અને ત્યાં બાળકનો કબજા લઈ તેની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો મળી હતી.

બાળક મળી ગયો હોવાની જાણ થતાં કાગડાપીઠ પોલીસે હાશકારો અનુભવ્યો હતો અને તાત્કાલિક પોલીસ સુરત જવા રવાના થઈ હતી. કાગડાપીઠ પોલીસે શુભમનો કબજા લઈ તેને તાત્કાલીક રાત્રે જ અમદાવાદ લાવવામાં આવ્યો હતો પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે અપહરણકારે બાળકને લાંબા અંતર સુધી ચલાવ્યો હતો

જાકે બાળક અપહરણકારને ઓળખતો નહી હોવાનું પણ જાણવા મળી રહયું છે. બીજીબાજુ કાગડાપીઠ પોલીસની એક ટીમ સુરતમાં જ રોકાયેલી છે અને આરોપીને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરી રહી છે. આ દરમિયાનમાં શુભમને રાત્રે જ અમદાવાદ લાવી તેના પરિવારજનોને સોંપવામાં આવતા માતા પિતા ખુશ થઈ ગયા હતા પોલીસતંત્રની રાજયવ્યાપી તપાસથી અપહરણકાર ગભરાઈ ગયો હતો અને તેને સુરત રેલવે સ્ટેશન પર છોડી પલાયન થઈ ગયો હોવાનું અધિકારીઓ માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.