Western Times News

Gujarati News

કાલુપુર ચોખા બજારમાં ર૪ દુકાનોના તાળા તૂટ્યા

શહેરના હાર્દ સમાન કાલુપુર વિસ્તારમાં મધરાત્રે તસ્કરોની ટોળકી ત્રાટકી : લાખો રૂપિયાના
મુદ્દામાલની ચોરીઃ વહેપારીઓમાં ઉહાપોહ

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના અનાજ બજારમાં સૌથી મુખ્ય કાલુપુર ચોખા બજારમાં દિવાળીના તહેવાર બાદ ઘણા દિવસ સુધી રજાનો માહોલ જાવા મળતો હોય છે અમદાવાદ ઉપરાંત રાજયભરના નાગરિકો તથા વહેપારીઓ અહીંયા ચોખા સહિતના અનાજનો જથ્થો ખરીદવા માટે આવતા હોય છે.

આ વિસ્તારમાં અનેક મોટા ચોખાના વહેપારીઓની દુકાનો આવેલી છે આજે સવારે વહેપારીઓ નિત્યક્રમ મુજબ ચોખા બજારમાં દુકાને હાજર થયા ત્યારે એક સામટી ૩૦થી વધુ દુકાનોના તાળા તૂટેલી હાલતમાં જાવા મળતા વહેપારીઓએ ભારે હોબાળો મચાવી દીધો હતો શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસતંત્ર દ્વારા રાઉન્ડ ધ પેટ્રોલીંગનો દાવો કરવામાં આવી રહયો છે.

તો બીજીબાજુ તસ્કરો પોલીસ પેટ્રોલીંગના આ દાવાના લીરેલીરા ઉડાડી રહયા છે. ચોખા બજારમાં દુકાનોના તાળા તુટવાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં ચોખા બજાર આવતુ હોવા છતાં તસ્કરો ચોરી કરીને પલાયન થઈ જતાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં મોટી રકમની ચોરી થઈ હોવાનું મનાઈ રહયું છે.

અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી અને લુંટની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. શહેરમાં આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પગલાં ભરવામાં આવી રહયા હોવાનો દાવો કરવામાં આવી રહયો છે

પરંતુ રોજેરોજ આવી ઘટનાઓ અવિરતપણે બની રહી છે શહેરની અંદર રોજે રોજ જુદા જુદા વિસ્તારોમાં તસ્કરો ત્રાટકતા હોય છે પરંતુ પોલીસ તેને પકડવામાં નિષ્ફળ નીવડી રહી છે. બીજીબાજુ આરોપીઓને ઝડપી લેવા માટે શહેરના મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે પરંતુ આરોપીઓ પકડાતા નથી

આ પરિસ્થિતિ  વચ્ચે આજે સવારે શહેરના કાલુપુર ચોખા બજારમાં ચોરીની ઘટના બની હતી. શહેરના કાલુપુર, દરિયાપુર અને માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કાલુપુર ચોખા બજારનો વિસ્તાર ર૪ કલાક ધમધમતો હોય છે આ વિસ્તારમાં મુખ્ય શાકમાર્કેટ પણ આવેલુ છે તથા ફ્રુટ માર્કેટ પણ આવેલું હોવાથી અહીંયા રાત્રિ દરમિયાન ટ્રકોમાંથી માલ ઠલવાતો હોય છે.

ર૪ કલાક ધમધમતા કાલુપુર ચોખા બજારમાં આજે સવારે વહેપારીઓ નિત્યક્રમ મુજબ પોતાની દુકાનો ખોલવા માટે પહોંચ્યા હતા આ દરમિયાનમાં દરિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કાલુપુર ચોખા બજારના ભાગમાં એક સાથે સંખ્યાબંધ દુકાનોના તાળા તૂટેલી હાલતમાં જાવા મળતા વહેપારીઓ ગભરાઈ ગયા હતા અને ગણતરીની મીનીટોમાં જ તમામ વહેપારીઓ એકત્ર થઈ ગયા હતાં બીજીબાજુ એકત્ર થયેલા વહેપારીઓએ આ અંગે કંટ્રોલરૂમને જાણ કરતા કાલુપુર, દરિયાપુર અને માધવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો

દરિયાપુર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા ર૦ જેટલી દુકાનોના તાળા તુટેલી હાલતમાં જાવા મળ્યા હતાં.
દુકાનોમાંથી ચોરી થવાની ઘટનાના પગલે વહેપારીઓએ ભારે ઉહાપોહ મચાવી દીધો હતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં આ દરમિયાનમાં ડોગ સ્કવોર્ડને પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

ચોખા બજારમાં એક સાથે ર૦ દુકાનોના તાળા તુટયા હોવાની માહિતી મળતા આસપાસના વહેપારીઓ પણ દોડી આવ્યા હતાં જાકે આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં મોટી રકમની ચોરી થઈ હોવાનું મનાઈ રહયું છે પરંતુ વહેપારીઓ પોતાની દુકાનમાં તપાસ કર્યા બાદ જ સાચો આંક જાણવા મળશે તેવુ અધિકારીઓ માની રહયા છે.

તસ્કરોએ ગઈકાલે દિવસ દરમિયાન રેકી કર્યા બાદ રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનુ મનાઈ રહયું છે જાકે ચોખા બજારમાં સિકયુરીટી હોય છે તેમ છતાં આટલી બધી દુકાનોના તાળા તૂટતા પોલીસ અધિકારીઓ સતર્ક બનેલા છે. ચોખા બજારની દુકાનોની આસપાસનો વિસ્તાર રાતભર ધમધમતો હોય છે તેમ છતાં તસ્કરો ત્રાટકતા પોલીસે સમગ્ર ચોખા બજાર તથા આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ લખાય છે ત્યાં સુધી વહેપારીઓ હજુ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા આવ્યા ન હતા પરંતુ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાથમિક તપાસમાં કાલુપુર ચોખા બજારમાં કુલ ર૪ દુકાનોના તાળા તૂટ્યા છે  અને દુકાનોમાંથી તસ્કરોએ માત્ર રોકડ રકમની જ ચોરી કરી છે પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળેથી સીસીટીવી કુટેજ એકત્ર કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે પ્રાથમિક તપાસમાં મધરાત્રે કાલુપુર ચોખા બજારમાં ૧પ થી ૧૭ જેટલા તસ્કરો સામુહિક રીતે ત્રાટક્યા હોવાનું જાણવા મળી રહયું છે અને સીસીટીવી કુટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.