Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ૬ મહીનામાં રૂા.૭૦૦ કરોડની લોન લીધી

મરજીયાત સેવાઓ પાછળ રૂા.૩૪ર કરોડનો ખર્ચ કર્યો: વિકાસના કામો માટે માત્ર રૂા.ર૦૩ કરોડ વપરાયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ સતત નબળી પડી રહી છે. શહેરીજનોની પ્રાથમિક સુવિધા, કર્મચારીઓના પગાર, કોન્ટ્રાકટરોના બીલ તથા સતાધારી પક્ષના કથિત વિકાસ ના નાણાકીય સ્ત્રોતનો આધાર મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી ગ્રાન્ટ અને ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ પર નિર્ભર છે.

આ બંને સ્ત્રોતમાં કોઈ તકલીફ થાય તો “પગાર” અને “વિકાસ” માટે લોન લેવાની ફરજ પડી રહી છે. નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧માં તત્કાલીન કમિશ્નર દ્વારા જમ્બો બજેટ તૈયાર કરવામાં આવ્યુ હતુ તેને સ્ટેન્ડીંગ કમીટી તરફથી મૂક અનુમોદન આપવામાં આવ્યુ છે.

બજેટ સત્ર બાદ ચૂંટણીના પડઘમ વાગી રહયા હોવાથી તત્કાલીન ટેન્ડર અને વર્ક ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા હતા તે સમયથી જે નાણાકીય તકલીફો શરૂ થઈ છે તેનો હજી સુધી અંત આવ્યો નથી, વર્તમાન નાણાકીય વર્ષમાં પણ આવી જ પરિસ્થિતિ જાેવા મળે છે જેમાં સ્ટેન્ડીંગ કમીટી દ્વારા જે રેવન્યુ આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે તેની સામે પ્રથમ ૦૬ માસમાં ત્રીજા ભાગની જ આવક થઈ છે આવી જ પરિસ્થિતિ કથિત વિકાસની પણ જાેવા મળે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે રૂા.૮૮૦૭ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યુ છે જેમાં રૂા.૬૩પર.૦૪ કરોડની રેવન્યુ તથા કેપીટલ આવક રૂા.ર૪પપ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે જેની સામે ૩૦ સપ્ટેમ્બર-ર૦રર સુધી એટલે કે પ્રથમ ૦૬ મહીનામાં માત્ર રૂા.ર૦ર૪ કરોડની રેવન્યુ આવક થઈ છે.

જેમાં ટેક્ષ પેટે રૂા.૬પ૬.૬૬ કરોડ તથા ઓકટ્રોય અવેજી ગ્રાન્ટના રૂા.૬૪૭.૦૪ કરોડ મુખ્ય છે જયારે રૂા.ર૪પપની કેપીટલ આવક અંદાજ સામે રૂા.૧૭ર૭.૩૬ કરોડની આવક થઈ છે જેમાં મુખ્મમંત્રી સ્વર્ણિમ જયંતી યોજનાના રૂા.૭૪૭.૦૭ કરોડ તથા જીઆરસીપીની રૂા.૭૦૦ કરોડની લોન મુખ્ય છે.

મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત દર વરસે રૂા.૭૦૦ થી ૮૦૦ કરોડની ગ્રાન્ટ મળે છે તેથી પાછલા ૦૬ મહીનામાં વધુ રકમની ગ્રાન્ટ મળે તેવી શક્યતા ઓછી છે તેવી જ રીતે ૭૦ઃર૦ઃ૧૦ યોજનામાં પણ રૂા.૭પ કરોડ જ મનપાને મળ્યા છે.

બાકી રૂા.૭૩ કરોડ કયારે મળશે તે બાબત અધ્યાહાર છે ? મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રથમ ૦૬ મહીનામાં જ રૂા.૭૦૦ કરોડની લોન લેવામાં આવી છે. જેમાં જુલાઈ મહીનામાં રીવરફ્રન્ટ માટે રૂા.૩પ૦ કરોડ તેમજ સપ્ટેમ્બર મહિનામાં કોન્ટ્રાકટરોના બીલ ચુકવવા માટે લોન લેવામાં આવી હતી તેમ છતાં દિવાળીના તહેવારો દરમ્યાન પેમેન્ટ બાકી રહયા હતા છેલ્લા અહેવાલ મુજબ કોન્ટ્રાકટરોના રૂા.૧૭ર કરોડ તથા સરકારી બીલ પેટે રૂા.૪પ૦ રોડના પેમેન્ટ ચુકવવાના બાકી છે !

નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં રેવન્યુ ખર્ચ માટે રૂા.૪૭૦૪ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે જેની સામે પ્રથમ ૦૬ મહીનામાં માત્ર રૂા.૧૭પ૭.૭૩ કરોડનો ખર્ચ થયો છે જેમા રૂા.૩૭૪.પ૧ કરોડ એસ્ટા. ખર્ચ છે જયારે રૂા.૧પ૯.પ૦ કરોડ લાઈટ- એનર્જી માટે ખર્ચ થયા છે.

ર૦રર-ર૩માં વિકાસના કામો માટે રૂા.૪૧૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવશે તેવા દાવા બજેટમાં કરવામાં આવ્યા હતા પરંતુ પ્રથમ ૦૬ મહીનામાં વિકાસના કામો માટે માત્ર રૂા.ર૦ર.પપ કરોડ ખર્ચ થયા છે જયારે રૂા.૧૭૯.૩૩ કરોડના કામો બુક થયા છે.

કેપીટલ ખર્ચમાં ઝોનલ બજેટ માટે રૂા.૧પર.૧૯ કરોડ આપવામાં આવ્યા છે જયારે રોડના કામો પાછળ ૦૬ મહીનામાં માત્ર રૂા.૯.૮૮ કરોડ જ વપરાયા છે જયારે રૂા.૧૭.૩ર કરોડના વર્ક ઓર્ડર અપાયા છે કેપીટલ ખર્ચમાં સૌથી વધુ રૂા.૭૩.૬૯ કરોડ ડ્રેનેજના કામો માટે વાપરવામાં આવ્યા છે. બીજા ક્રમે પાણી માટે રૂા.૪૧.૯૩ કરોડ ખર્ચ થયા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટરોના બીલો ચુકવવા માટે લોન લેવામાં આવે છે જયારે બીજી તરફ ૦૬ મહીનામાં રૂા.૩૪ર.૭૬ કરોડની સખાવત મરજીયાત સેવાઓ માટે કરવામાં આવે છે જેમા એ.એમ.ટી.એસ.ને રૂા.૧૮પ કરોડ રીવરફ્રંટને રૂા.૭૯.પપ કરોડ, જનમાર્ગને રૂા.૭૭.ર૧ તથા હેરીટેજ ટ્રસ્ટને રૂા.એક કરોડ આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.