Western Times News

Latest News from Gujarat India

સિયામ સિમેન્ટ અને બિગબ્લોક કન્સ્ટ્રક્શને સંયુક્ત સાહસ પ્લાન્ટ માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી

અમદાવાદ, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ (એસસીજી) સાથે તેના સંયુક્ત સાહસ માટે જમીન સંપાદન કામગીરી સંપન્ન કરી છે.

કંપનીએ એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે વાર્ષિક ત્રણ લાખ સીબીએમનો પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં અમદાવાદ નજીકના ખેડા જિલ્લાના કપડવંજ ખાતે જમીન હસ્તગત કરી છે. પ્લાન્ટ કેલેન્ડર વર્ષ 2023માં વ્યાપારી ઉત્પાદન શરૂ કરે તેવી ધારણા છે. એસસીજી અને બિગ બ્લોક વચ્ચેના સંયુક્ત સાહસે સિયામ સિમેન્ટ જૂથ તરફથી ભારતમાં પ્રથમ એફડીઆઈ માટે ગુજરાતની પસંદગી કરી છે.

એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન, જે એક પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇન કંપની છે (20 દેશોમાં હાજરી સાથે) અને 27 બિલિયન અમેરિકી ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા આસિયાનના અગ્રણી બિઝનેસ ગ્રુપ એસસીજી ગ્રૂપનો ભાગ છે તે સંયુક્ત સાહસમાં 48% હિસ્સો ધરાવે છે

અને બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ તેમાં 52% હિસ્સો ધરાવે છે. પ્રોજેક્ટમાં કુલ રૂ. 65 કરોડના રોકાણનો અંદાજ છે. ભારતમાં એસસીજી દ્વારા રચવામાં આવેલ આ પ્રથમ સંયુક્ત સાહસ છે.

આ અંગે અંગે ટિપ્પણી કરતાં બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેશ સાબૂએ જણાવ્યું હતું કે, “અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે કંપનીએ એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન સાથે કપડવંજ ખાતેના જોઇન્ટ વેન્ચર પ્લાન્ટ માટે જમીન સંપાદન અને અન્ય જરૂરી કામગીરી પૂરી કરી લીધી છે.

સંયુક્ત સાહસ તકનીકી-વાણિજ્યિક જ્ઞાનની વહેંચણી, બાંધકામ ઉદ્યોગમાં પરસ્પર વિકાસ અને સહકારને પ્રોત્સાહન આપવા અને ભારતીય બજારોમાં નવા યુગની બિલ્ડિંગ મટિરિયલ્સ લાવવાનું લક્ષ્ય પણ રાખે છે. પ્રથમ તબક્કામાં તે એએસી બ્લોક અને એએલસી પેનલ્સ માટે વાર્ષિક 3 લાખ સીબીએમ પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે.

કંપનીને વિશ્વાસ છે કે કેલેન્ડર વર્ષ 2023માં પ્લાન્ટમાંથી વ્યવસાયિક ઉત્પાદન શરૂ થઈ જશે. સંયુક્ત સાહસના બંને પક્ષકારોની મંજૂરીને આધીન પ્રોજેક્ટને બીજા તબક્કામાં વાર્ષિક 5 લાખ સીબીએમ સુધી વિસ્તારી શકાય છે.

આગળ જતાં એસસીજી અને બિગબ્લોક ભારતમાં સપ્લાય ચેઈનને મજબૂત કરવા, એકબીજાની ક્ષમતાનો લાભ લેવા અને બાંધકામ ઉદ્યોગને અસાધારણ ઉકેલો પૂરા પાડવા માટે તમામ બિલ્ડિંગ મટીરીયલ સોલ્યુશન્સ પર સંયુક્ત રીતે કામ કરશે.”

2015 માં સ્થાપિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એ એએસી બ્લોક સ્પેસમાં સૌથી જૂની, સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે જેની ક્ષમતા વાર્ષિક 5.75 લાખ સીબીએમ છે. આ સેગમેન્ટમાં તે એકમાત્ર કંપની છે જે કાર્બન ક્રેડિટ જનરેટ કરે છે.

વર્ષ દરમિયાન કંપનીએ વાડા (મહારાષ્ટ્ર) અને અમદાવાદ (ગુજરાત) ખાતે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ સ્થાપવાની યોજના ઘડી હતી. વાડા ખાતે વાર્ષિક 5 લાખ સીબીએમ સાથે વિસ્તરણ સુનિશ્ચિત મુજબ ચાલુ છે અને કંપની ટૂંક સમયમાં વ્યાપારી ઉત્પાદનની અપેક્ષા રાખે છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને સીએફઓ શ્રી મોહિત સાબૂએ જણાવ્યું હતું કે “બંને વિસ્તરણ પૂર્ણ થયા પછી કંપનીની કુલ ક્ષમતા વાર્ષિક 13.75 લાખ સીબીએમ સુધી વધશે જે કંપનીને દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 3 લાખ ટન કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની અપેક્ષા રાખે છે.

વિસ્તરણ કંપનીને પશ્ચિમી પ્રદેશોમાં બિનઉપયોગી બજારોમાં તેની હાજરીને આગળ વધારવામાં મદદ કરશે અને તેને ભારતમાં સૌથી મોટી કંપની પણ બનાવશે. વધી રહેલી જાગરૂકતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વૃદ્ધિ અને બિલ્ડરો અને આર્કિટેક્ટ્સ દ્વારા ઓછી કિંમતના મકાનો માટેની પસંદગીઓ, લાલ માટી અને ફ્લાય એશ ઇંટોની સામે એએસી બ્લોક્સના કેટલાક ફાયદાકારક લક્ષણોને કારણે આગામી વર્ષોમાં એએસી બ્લોકનો ઉપયોગ અદભૂત રીતે વધવાની અપેક્ષા છે.”

એસસીજી ઇન્ટરનેશનલ કોર્પ (SCG INTL) એ ભારતમાં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એસસીજી ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા 2018થી કામ કરવાનું શરૂ કર્યું છે જે બિલ્ડીંગ મટિરિયલ્સ, પેકેજિંગ બિઝનેસ અને સિરામિક/ઔદ્યોગિક સપ્લાયના સોર્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ સાહસ ભારતમાં પ્રથમ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) છે. ભારતીય બજારની શોધમાં થોડો સમય વિતાવ્યા બાદ એસસીજી ઈન્ટરનેશનલે બિગ બ્લોક સાથે ભાગીદારી કરવાનું નક્કી કર્યું અને હકારાત્મક કાર્ય સંસ્કૃતિ, રોકાણને અનુકૂળ વાતાવરણ અને અન્ય સાનુકૂળ પરિબળોને ધ્યાનમાં રાખીને એસસીજીએ રોકાણ માટે ગુજરાતને પ્રથમ સ્થાન તરીકે પસંદ કર્યું.

એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અભિજિત દત્તાએ જણાવ્યું હતું કે “એસસીજી ઈન્ટરનેશનલ ઈન્ડિયા મોરબીથી વર્ષે લગભગ બે મિલિયન સ્ક્વેર મીટર જેટલું સિરામિક અને બાથરૂમ ફિટિંગ્સનું સોર્સીંગ કરે છે

અને લગભગ 15,000 એમટીપીએના વોલ્યુમ સાથે સમગ્ર ભારતમાં મોટાભાગના જીપ્સમ બોર્ડ પ્લાન્ટ્સને પ્લાસ્ટરબોર્ડ લાઈનર પૂરા પાડીને ગુજરાતમાં સક્રિયપણે વ્યવસાય કરે છે. અમે અમારી બિલ્ડિંગ મટિરિયલ્સ અને સેવાઓનું માર્કેટિંગ “Zmartbuild” બ્રાન્ડ નેમ હેઠળ શરૂ કરી દીધું છે

અને અમારી પ્રોડક્ટ્સ અને સર્વિસ સોલ્યુશન્સની વિશાળ શ્રેણીને પ્રદર્શિત કરવા માટે https://www.zmartbuild.com/in/ પર સમર્પિત ઈન્ડિયન વેબસાઇટ શરૂ કરી છે. એસસીજી ઈન્ટરનેશનલ ઊભરતાં બજારોમાં એસસીજી ગ્રૂપ માટે અગ્રણી તરીકે કામ કરે છે અને અમને ઘણી અપેક્ષાઓ છે કે આ પ્રારંભિક પગલું ઝડપથી વિકસતા ભારતીય બજારમાં વધુ તકો માટે પ્રારંભિક બિંદુ બની રહેશે”.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers