Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રેમમાં પાગલ યુવાને યુવતીનું સગાઈના દિવસે અપહરણ કર્યું

હૈદરાબાદ, શુક્રવારના રોજ સવારના સમયે હૈદરાબાદના એદિબાટલામાં એક ફિલ્મી ઘટના બની હતી, જેના કારણે ચકચાર મચી ગઈ હતી. અહીં ડેન્ટલનો અભ્યાસ કરતી એક ૨૪ વર્ષીય યુવતીની સગાઈના દિવસે જ એક માથાફરેલા યુવકે ધીંગાણું મચાવ્યુ હતું. તે ટોળા સાથે આવ્યો અને યુવતીને ઉઠાવીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા અને તોડફોડ પણ મચી ગઈ હતી. આ યુવક ૫૦-૧૦૦ લોકોના ટોળા સાથે સગાઈ વાળા ઘરે પહોંચી ગયો હતો અને ઘરને ચારેબાજુથી ઘેરી લીધુ હતું. તે કાર અને ટ્રકના કાફલા સાથે પહોંચ્યો હતો.

લગભગ ૩૦ મિનિટ સુધી ઘરને ઘેરીને રાખવામાં આવ્યુ હતું અને હાજર લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તોડફોડ પણ કરવામાં આવી અને યુવતીના પિતા સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી. પોલીસને સમગ્ર મામલાની જાણકારી કરવામાં આવી પછી લગભગ આઠ કલાક સુધી સતત તપાસ કર્યા બાદ યુવતી શહેરના બહારના વિસ્તારમાંથી મળી આવી હતી.

લોકોનો આરોપ છે કે આ ઘટના સવારે બની હતી, અને પાડોશીઓએ પોલીસનો સંપર્ક કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. તેઓ ઈમર્જન્સી નંબર પર ફોન કરીને મદદ માટે પોલીસને બોલાવતા રહ્યા પરંતુ પોલીસે આવવામાં મોડું કર્યું. આરોપીઓના ટોળાએ ફર્નિચર સહિતની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને સાથે જ સીસીટીવી કેમેરા પણ તોડી કાઢ્યા છે. મુખ્ય આરોપીનું નામ નવીન રેડ્ડી છે, જે મિસ્ટર ટી નામના આઉટલેટ્‌સનો માલિક છે. નવીન પર આરોપ છે કે તે વૈશાલી નામની યુવતીને ધસડીને નીચે લાવ્યો અને કારમાં બેસાડીને લઈ ગયો.

પોલીસે મોડી રાતે તેમને શોધી કાઢ્યા અને આઠ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ મુખ્ય આરોપી નવીન હજી પણ ફરાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નવીન જ્યારે પોતાના ટોળા સાથે ઘરમાં તોડફોડ કરતો હતો ત્યારે વૈશાલીના માતા-પિતાએ દખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. વૈશાલીના પિતા દામોદર રેડ્ડી જણાવે છે કે, બપોરે મારી દીકરીની સગાઈ થવાની હતી, પરંતુ તેનું અપહરણ કરવામાં આવ્યું અને સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે તેને લઈ જવામાં આવી. મારા માથાના ભાગમાં લોખંડનો સળિયો વાગ્યો હોવાને કારણે હું ભાન ભૂલી ગયો હતો. જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે વૈશાલી ગાયબ હતી. પરિવારના અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

પાડોશીઓનો આરોપ છે કે પોલીસે સમયસર પ્રતિક્રિયા ના આપી જેના કારણે ટોળાનો ઉત્સાહ વધી ગયો. આ ઘટના બની પછી રોષે ભરાયેલા લોકોએ આરોપી નવીનના એક આઉટલેટને સળગાવી દીધુ હતું. વૈશાલીના પરિવારના લોકોનું કહેવું છે કે, થોડા સમય પહેલા એક સ્થાનિક બેડમિન્ટન ટૂર્નામેન્ટ દરમિયાન વૈશાલીની મુલાકાત નવીન સાથે થઈ હતી. ત્યારપછી નવીને વૈશાલીના ઘરે લગ્નનુ માંગુ મોકલ્યુ હતું. વૈશાલીના પિતા જણાવે છે કે, મેં જ્યારે મારી દીકરીની પ્રતિક્રિયા માંગી તો તેણે લગ્નનો ઈનકાર કર્યો. ત્યારપછી નવીને રાજકીટ નેતાઓ દ્વારા પણ દબાણ કરાવ્યુ હતું. પરંતુ અમે દ્રઢતા સાથે જણાવ્યું કે અમને લગ્નમાં રસ નથી.

આ વાત નવીને મનમાં રાખી અને અમારા ઘર નજીક જ બાંધકામ શરુ કરાવ્યું. બાંધકામના બહાને તે વૈશાલી પર નજર રાખતો હતો અને તેને પરેશાન કરતો હતો. વૈશાલીના પિતાએ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો, પરંતુ પોલીસે હજી સુધી ચાર્જશીટ દાખલ નથી કરી. એસીપી સુધીર બાબુએ આ બાબતે જાણકારી આપી કે, મેં વૈશાલીના માતા સાથે વાત કરી છે અને તેમને આશ્વાસ આપ્યું છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers