Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મકાનની લિફ્ટની અંદર પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

મુંબઈ, મહારાષ્ટ્રના નવી મુંબઈમાં એર કન્ડીશનર (એસી) રિપેરમેન દ્વારા રહેણાંક મકાનની લિફ્ટની અંદર પાંચ વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના મંગળવારે સાંજે તલોજા વિસ્તારમાં બની હતી. તલોજા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જિતેન્દ્ર સોનવાને જણાવ્યું કે, ૧૯ વર્ષીય આરોપી ઈમારતમાં એસી રિપેરનું કામ કર્યા બાદ જ્યારે સીડીઓથી નીચે ઉતરી રહ્યો ત્યારે તેણે પાર્કિંગમાં પાંચ વર્ષની બાળકીને રમતા જાેઈ. તે છોકરીને લિફ્ટની અંદર લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું.

અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ઘટના બાદ પીડિત છોકરી ત્રીજા માળે સ્થિત પોતાના ઘરે પહોંચી અને ત્યાં તેને વોમિટ થવા લાગી. માતાના પૂછવા પર બાળકીએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ માતા નીચે ઉતરી જ્યાં તેને આરોપી સામે જ મળ્યો. આરોપીને ઈમારતના સુરક્ષાકર્મી અને અન્ય નિવાસીઓએ પકડી રાખ્યો હતો.

તેમણે જણાવ્યું કે, ત્યારબાદ લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (રેપ) અને જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ (પોક્સો) એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. સોનાવણેએ જણાવ્યું હતું કે, શુક્રવારે સ્થાનિક કોર્ટે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers