સાદરા ખાતે 89 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બનેલા નવા બ્રિજ અને ચરાડા ખાતે સ્વાસ્થ્ય કેન્દ્રનું લોકાર્પણ
-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ:-
• ‘વિકસિત ગુજરાત’ના માધ્યમથી જ સાકાર થશે ૨૦૪૭નું ‘વિકસિત ભારત‘
• માણસા અને પ્રાંતિજ ક્ષેત્રમાં વિકાસની ગંગા અવિરત વહેતી રહેશે. ₹817 કરોડના પ્રકલ્પો જનતાને અર્પિત
• સાબરમતી નદી પરના બેરેજ નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે
• સાહિત્યકાર રઘુવીર ચૌધરીજીના નામે નિર્માણ પામેલું સંસ્કાર ભવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે
ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી અમિતભાઈ શાહે રૂ. 815 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.
ગાંધીનગર જિલ્લાના અલુવા–સાદરા ગામોને જોડતા સાબરમતી નદી પર નવનિર્મિત મુખ્ય બ્રિજ…
આશરે ₹89 કરોડના ખર્ચે નિર્મિત 400 મીટર લાંબો આ આધુનિક બ્રિજ ગ્રામ્ય કનેક્ટિવિટીને નવી દિશા આપશે.
એક લાખથી વધુ નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓને સરળ, ઝડપી અને સુરક્ષિત અવરજવરનો લાભ… pic.twitter.com/3NwamOVFiO
— Roads & Buildings Department, Govt. of Gujarat (@RnBGujarat) July 21, 2026
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસની ગંગા આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂરજોશમાં આગળ વધી રહી છે. આજે માણસા અને પ્રાંતિજ મતક્ષેત્રના વિકાસ માટે લગભગ ₹817 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, ₹89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અલુવા- સાદરા બ્રિજથી જક્ષિણી માતાજીના મંદિર આસપાસના વિસ્તારમાં પર્યટનને વેગ મળશે અને સ્થાનિકો, વિદ્યાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે યાતાયાત સુગમ બનશે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રથી આસપાસના લગભગ 1 લાખથી વધુ ગરીબ અને સામાન્ય નાગરિકોને 24 કલાક ડાયાલિસિસ, ઓપરેશન થિયેટર, NICU અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
તેમણે ઉમેર્યું હતું કે, માણસાના રાણીયાપુર ખાતે સામુદાયિક ભવન, અલકાપુરી ખાતે ESR વોટર ટાંકી અને બાપુપુરા ગામ ખાતે સંસ્કાર ભવન ટ્રસ્ટના સુસજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા નાગરિક સુખાકારીમાં ઉમેરો થશે.
માણસા અને ચરાડાનું નામ દેશભરમાં રોશન કરનારા પદ્મશ્રી તથા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રખ્યાત સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના યોગદાનને બિરદાવતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક સામાન્ય પશુપાલક અને ખેડૂત પરિવારમાંથી આવીને સાહિત્ય જગતમાં સિદ્ધિ મેળવ્યા પછી પણ તેમની વિનમ્રતા અકબંધ રહી છે. તેમના નામે નિર્માણ પામેલું સંસ્કાર ભવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સાબરમતી નદી પર બે મોટા બેરેજ નિર્માણ પામશે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ બેરેજના નિર્માણથી ચરાડા, માણસા, રિદ્રોલ સહિતના વિસ્તારોમાં સાબરમતી નદીનું પાણી 8 મહિના સુધી સંગ્રહિત રહેશે. પરિણામે, વિસ્તારમાં ઝડપથી નીચે જઈ રહેલા ભૂગર્ભ જળસ્તરમાં 5 થી 10 ફૂટ સુધીનો મોટો સુધારો થશે. ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે તેમજ પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે.
માણસા પંથકના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ માટે ગાંધીનગર જવું ન પડે તે માટે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની સાથે આસપાસના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘વિકસિત ગુજરાત‘ના માધ્યમથી જ વડાપ્રધાનશ્રીનું 2047 સુધીમાં ‘વિકસિત ભારત‘ બનાવવાનું સ્વપ્ન સાકાર થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે અને છેલ્લા 12 વર્ષોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકાસ હવે માત્ર શહેરો સુધી સીમિત ન રહેતા ગામડાંના ગરીબ, વંચિત અને છેવાડાના લોકોના ઘર સુધી પહોંચ્યો છે. વિકાસ માત્ર ઈંટ-સિમેન્ટના માળખાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ લોકોના જીવનમાં સુવિધા, સુરક્ષા અને સમૃદ્ધિ લાવવાનું સશક્ત માધ્યમ છે. અલુવા અને સાદરાને જોડતા બ્રિજનું ઇ-લોકાર્પણ થયું છે તે લોકોના વિશ્વાસનો સેતુ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અલુવા, સાદરા સહિત આસપાસના ગામોના હજારો પરિવારોને સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે. ખેડૂતોને કૃષિ પેદાશો બજારમાં પહોંચાડવામાં સરળતા થશે, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અને દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે ઝડપી અવરજવરનો લાભ મળશે.
આ ઉપરાંત, આરોગ્ય, જળસંચય, શિક્ષણ અને સામાજિક સુવિધાઓને લગતા અનેક વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યાં રસ્તો બને છે ત્યાં રોજગારી આવે છે, જ્યાં આરોગ્ય કેન્દ્ર બને છે ત્યાં જીવનની સુરક્ષા વધે છે અને જ્યાં શિક્ષણની સુવિધા વધે છે ત્યાં ભવિષ્ય ઉજ્જવળ અને વિકાસમય બને છે.
પર્યાવરણ પ્રત્યેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે. તાજેતરમાં સવા કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં લાખો વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળા વિકાસની પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેશમાં છેલ્લા પાછલા 12 વર્ષોમાં રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ ગ્રામીણ ભારતની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે. આ રસ્તાઓએ ગરીબ ભાઈ-બહેનોના જીવનમાં વિકાસની નવી ગતિ લાવી દીધી છે.
શ્રી અમિતભાઈ શાહનો ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા બદલ પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિકાસકાર્યો આવનારી પેઢીઓ માટે પ્રગતિનો મજબૂત પાયો બનવાની સાથે હજારો પરિવારોના જીવનમાં સુવિધા, સુરક્ષા અને સમૃદ્ધિનો નવો અધ્યાય લખશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ₹1.50 કરોડના ખર્ચે નવનિર્મિત PHC-CHC કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ ખાતે મૂક-બધિર બાળકો માટે ₹8 થી ₹10 લાખના ખર્ચે થતી નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, રાજ્યની 12,000 થી વધુ હોસ્પિટલોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવીને બિનઉપયોગી સામાન હટાવી 1,800 રૂમ દર્દીઓની સુવિધા માટે પુનઃ કાર્યરત કરાયા છે. ‘આરોગ્ય મંદિર, જળ મંદિર અને વૃક્ષ મંદિર‘ના ખ્યાલ સાથે સરકાર ભાવી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ જતન માટે પૂર્ણ પ્રતિબદ્ધ છે.
ખેડૂતો અને જળસંચયની યોજનાઓ વિશે જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલી ‘સૌની યોજના‘ અને વિશ્વના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો અને પશુપાલકો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ભૂતકાળમાં 18% વ્યાજે ધિરાણ લેતા ખેડૂતોને આજે ₹3 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે મળી રહ્યું છે, તેમજ ₹1.77 લાખના ખર્ચે તૈયાર થતું વીજ કનેક્શન માત્ર ₹100 માં અને આદિવાસી વિસ્તારોમાં ₹1,350 માં પૂરું પાડવામાં આવે છે. મંત્રીશ્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને રાષ્ટ્રવાદની ભાવના સાથે સૌ નાગરિકોને સ્વચ્છતા તથા પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વિકાસયાત્રામાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ અવસરે જળસંપતિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,વર્ષો પહેલાં ઉત્તર
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હતો, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અનેવર્તમાનવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે નર્મદાના નીર સુકી ધરતી સુધી પહોંચતા જમીન બારેમાસ હરિયાળી અને ખેતીલાયક બની છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન સાબરમતી નદી પર બનેલા ધરોઈ ડેમના કારણે આશરે ૯૮,૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈઅને પીવાના પાણીનો લાભ મળ્યો છે. જો કે, ધરોઈથી ખંભાતના અખાતસુધીના ૧૯૦ કિલોમીટરના વિસ્તારમાં પૂરતા આડબંધ ન હોવાથી ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહી શકાતું નહોતુ.આ નદીને પુન:ર્જીવિત કરવા અને સતત પાણી પૂરું પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનો પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સતત કાર્યરત છે. જેના ભાગરૂપે આજરોજ સાબરમતી નદી પર હીરાક ગામે રૂપિયા ૪૧૩.૬૩ કરોડના બેરેજ અને રખિયાલ બેરેજના રૂપિયા ૩૦૨.૫૧ કરોડ મળીને કુલ ૭૧૬.૧૪ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિતિનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રીનાબેન પટેલ, ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, માણસા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન વાઘેલા, માણસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ રાઠોડ, ગાંધીનગર જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી, ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, માણસા શહેર પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી. આર. પટેલિયા, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ, કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જાસ્મીન ઉપસ્થિત રહ્યા હતા.
