Western Times News

Gujarati News

પ્રમુખ સ્વામી સાચા અર્થમાં સમાજ સુધારક – રિફોર્મીસ્ટ હતા: વડાપ્રધાન મોદી

PSM100 Pramukh Swami shatabdir mahotsav ahmedabad

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ

વેદથી વિવેકાનંદ સુધીની આધ્યાત્મિક ધારાને પ્રમુખસ્વામી જેવા સંતોએ આગળ વધારી છે – વડાપ્રધાનશ્રી

Ø  પ્રમુખસ્વામી મહારાજ દેવભક્તિ અને દેશભક્તિમાં ભેદ કરતા નહીં. તેમના મતે દેવભક્તિ અને દેશભક્તિ કરનારા બંને વ્યક્તિઓ સત્સંગી છે.

Ø  મોરબી પૂર અને કચ્છના ભૂકંપ વખતે બી.એ.પી.એસ સંસ્થા અને પ્રમુખસ્વામી દ્વારા વહાવેલી સેવાની સરવાણીની પ્રશંસનીય –નવી દિલ્હી અને ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરો, ભારતીય સંસ્કૃતિનું એક સીમાચિહ્ન બની ગયાં: વડાપ્રધાન

 

:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- પ્રમુખસ્વામી મહારાજનો ૧૦૦મો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું ઋણ ચૂકવવાનો અવસર છે.-  પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગ કાર્ય કર્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રમુખ સ્વામી જન્મશતાબ્દી મહોત્સવનો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આ જન્મશતાબ્દી મહોત્સવ આવનારી પેઢીને પ્રેરણા આપશે. ભાવી પેઢી પ્રમુખ સ્વામી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા અહીં પધારશે તેવો ભાવ વડાપ્રધાનશ્રીએ પ્રગટ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં પણ પ્રમુખ સ્વામીની શતાબ્દી મહોત્સવ મનાવાઇ રહ્યો છે. તેમના વિચાર શાસ્વત છે. સાર્વભૌમિક છે. સંતોની મહાન પરંપરા, વેદથી વિવેકાનંદ સુધીની સંતધારાને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોએ અવિરતપણે આગળ વધારી છે, એવું વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું.

વસુધૈવ કુટુંબકમની ભાવનાના દર્શન પણ આ મહોત્સવમાં થઇ રહ્યા છે, એમ કહી વડાપ્રધાને જણાવ્યું કે આ નગરમાં હજારો વર્ષની સમૃદ્ધ સંત પરંપરાના દર્શન થઇ રહ્યાં છે. ભારતની સંત પરંપરાએ સમગ્ર વિશ્વને જોડવાનું કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ પ્રમુખસ્વામી સાથેનાં અંગત સંસ્મરણો વાગોળ્યાં હતાં.

તેમણે કહ્યું કે, માનવ જીવનનું અંતિમ લક્ષ્ય સેવા હોવું જોઇએ. શાસ્ત્રો કહે છે જીવમાં જ શિવ છે, નરમાં જ નારાયણ છે. પ્રમુખસ્વામી મહારાજ સામે જેવી વ્યક્તિ હોય તેવું જ્ઞાન તેને પીરસી શકતા હતા. આ તેમના વ્યક્તિત્વની વિશાળતા હતી.

તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી સાચા અર્થમાં સમાજ સુધારક – રિફોર્મીસ્ટ હતા. માણસ કેવો હોય, માનવ ભવિષ્ય કેવું હોય, વ્યવસ્થાઓ કેવી હોય તેનું આગવું માર્ગદર્શન પ્રમુખ સ્વામીએ આપ્યું છે. પ્રમુખ સ્વામીએ વ્યક્તિની સારપને સમર્થન આપી તેનું સંવર્ધન કરી સમાજ સુધારાની ક્રાંતિ સર્જી છે, એવું ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ મોરબી પૂર અને કચ્છના ભૂકંપ સહિતની વિવિધ આફતો વખતે બી.એ.પી.એસ સંસ્થા અને પ્રમુખસ્વામીએ વહાવેલી સેવાની સરવાણીની સરાહના કરી હતી.

વડાપ્રધાનશ્રીએ અક્ષરધામ મંદિર ઉપર આંતકવાદી હુમલા વખતની સ્મૃતિઓ તાજી કરતા કહ્યું કે, પ્રમુખસ્વામી દરેક આપત્તિ-સ્થિતિમાં સ્થિર ,સંતુલિત અને સ્વસ્થ રહી શકતા હતા.

તેમણે દિલ્હીના અક્ષરધામના નિર્માણને પ્રમુખસ્વામીનું યુગ પ્રવર્તક કાર્ય ગણાવી જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ તેમના ગુરુના વચનોને ઝીલીને યમુનાના કિનારે ભારતની સંસ્કૃતિના ઉદઘોષ કરતું ભવ્ય મંદિર બનાવી દીધું. આ તેમની શિષ્ય તરીકેની તાકાત દર્શાવે છે.

તેમણે વધુમાં કહ્યું કે પ્રમુખસ્વામીએ સંતની પરંપરાને પુન:જીવીત કરી છે. સંતોને સમાજસેવા- સમાજ ઉત્થાનના કાર્યોમાં જોડ્યા છે. ત્યાગાશ્રમને સ્વીકારનારા યુવાનોને તાલીમ-શિક્ષણ જ્ઞાન આપી આધુનિક સમય પ્રમાણે તૈયાર કરવાની વ્યવસ્થા બનાવી છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ દેવભક્તિ અને દેશભક્તિમાં ભેદ કરતા નહીં. તેમના મતે દેવભક્તિ અને દેશભક્તિ કરનારા બંને વ્યક્તિઓ સત્સંગી જ છે. પ્રમુખસ્વામી પાસે બેઠા હોય ત્યારે જાણે કોઇ ઘટાદાર વટવૃક્ષની છાયામાં બેઠા હોઇએ તેવી શીતળતા અને શાંતિની અનુભૂતિ થતી હતી. આજે એ જ અનુભૂતિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજસત્તાને ધર્મસત્તાનું માર્ગદર્શન અને આશિષ હંમેશા મળતા રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, અમારી નવી સરકારને પણ જનહિત કાર્યોમાં સદૈવ કાર્યરત રહેવાની પ્રેરણા સંત શક્તિ આપશે.

મુખ્યમંત્રી તરીકે મારો પહેલો જાહેર કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા સંત શક્તિના ચરણોમાં અને પૂજ્ય બાપાના શતાબ્દી મહોત્સવના શુભારંભથી થાય તેનાથી વધુ સૌભાગ્યપૂર્ણ બાબત કોઇ ના હોઇ શકે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે, ગુણાતિત સંત પરંપરાના પાંચમા અનુગામી પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ જન-જનનો ઉત્સવ છે.  પ્રમુખસ્વામી મહારાજનો ૧૦૦મો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું ઋણ ચૂકવવાનો અવસર છે.

મુખ્યમંત્રી શ્રી એ પ્રમુખસ્વામી મહારાજના જીવન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકા સુધી કર્મઠ રહીને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આપત્તિઓના સમયમાં માનવ સમાજને બેઠો કરવાનું

અને શાંતિના સમયમાં મજબૂત કરવાનું, તેનું ઘડતર કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ સતત કરતા રહ્યા હતાં. તેમણે જીવનની પળેપળ ખપાવી માનવીના સામાજીક –આદ્યાત્મિક ઉત્કર્ષ અને સેવાનો અનોખો ચીલો પ્રમુખ સ્વામી મહારાજ કંડાર્યો છે તેમના આ કાર્યોને બિરદાવવાનો આ ઉત્સવ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિમાં શ્રી પ્રમુખસ્વામી મહારાજના પ્રદાન અંગે જણાવતા ઉમેર્યું હતું કે, સંત, શાસ્ત્ર અને મંદિર એમ ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો પ્રમુખસ્વામી મહારાજે મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. સ્વામીજીએ સુશિક્ષિત નવયુવાનોને વૈરાગ્યની પ્રેરણા આપીને, ૧ હજારથી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ આપી છે, એ સૌથી મૂલ્યવાન ભેટ ગણી શકાય.

નવી દિલ્હી અને ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરો, ભારતીય સંસ્કૃતિનું એક સીમાચિહ્ન બની ગયાં હોવાનું જણાવી મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતું કે. પ્રતિ વર્ષે વિશ્વભરના લાખો દર્શનાર્થીઓને પવિત્ર પ્રેરણા આપતા આ પરિસરોના અણમોલ પ્રદાન બદલ આવનારી અનેક પેઢીઓ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરતી રહેશે.

ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદી હુમલા પછી પ્રમુખસ્વામીએ જે શાંતિ, શિસ્ત અને સૌહાર્દનું વાતાવરણ સમાજમાં સર્જી દીધુ તેને આજે પણ દુનિયા “ધી અક્ષરધામ રિસ્પોન્સ” તરીકે બિરદાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં શિક્ષણ સંસ્થાનોના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને શિક્ષણના સંગમ એવા અનેક શિક્ષણ સંકુલોની સ્થાપના કરી છે. અહીં વિશ્વના એક ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા આપવામાં આવે છે.

પ્રમુખસ્વામીના જીવનકાર્યો વિશે વધુમાં વાત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કુદરતી વિપદામાં અને સમાજના દીન-દુખિયાઓ પ્રત્યે હંમેશાં કરુણાથી છલકાતા પ્રમુખસ્વામી મહારાજે અનેક આપત્તિઓમાં વિરાટ સ્તરે રાહત-સેવાઓનો હાથ લંબાવીને લાખો આપત્તિગ્રસ્તોને હૂંફ અને સધિયારો આપ્યાં છે.

તેમના નિર્મળ વ્યક્તિત્વના સંસર્ગમાં આવેલા સૌને ‘બાપા’ માં પોતીકાપણું લાગ્યું છે. પ્રમુખસ્વામી મહારાજે હજારો લોકોને વ્યક્તિગત મળીને વ્યસન મુક્ત કર્યા. આ ઉપરાંત, વ્યસનમુક્તિ યજ્ઞો, પ્રદર્શનો વગેરે દ્વારા માનવજાતને વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો છે. સમાજમાં ફેલાયેલી આવી બદીને દૂર કરવાની જનચેતના તેમણે જગાવી છે. આ શતાબ્દી મહોત્સવ સ્વામીજીના આવા અનેક આગવા યોગદાનને બિરદાવવાનો ઉત્સવ છે.

પ્રમુખસ્વામી મહારાજે ધર્મના ક્ષેત્રે ઉત્તમ મૂલ્યો પ્રસરાવવા માટે આધુનિકતમ ટેક્નોલોજીનો વિનિયોગ કરવાની પહેલ કરી છે.

“બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ”. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભાજપ સરકાર પણ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ મંત્ર સાથે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સમાજશક્તિની સેવામાં કર્તવ્યરત રહેશે અને ગુજરાતના વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે. એમણે ઉમેર્યું હતું

સમારંભના અંતમાં પૂજ્ય મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે  બીએપીએસના ગણમાન્ય સાધુ-સંતો તથા વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.