Western Times News

Gujarati News

અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ રહેશે

પ્રતિકાત્મક

બપોરના સમયે ઉકળાટભરી પરિસ્થિતિ રહેતાં લોકોને શિયાળાના દિવસોમાં પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે આગામી ૨૪ કલાક હજુ પણ વરસાદી ઝાપટા અને ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અરબ સાગરમાં પ્રવેશીને વેલમાર્ક લો પ્રેશરથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેના કારણે આવતી કાલ સુધી અમદાવાદ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોનાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ખાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદના કેટલાક વિસ્તારમાં બુધવારે છૂટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, ઉમરપાડા, નવસારીના અનેક વિસ્તારોમાં બુધવારે માવઠું પડ્યું હતું. બેવડી ઋતુનાં આવાં વાતાવરણ વચ્ચે પણ ઉકળાટભરી પરિસ્થિતિ રહેતાં લોકોને શિયાળાના દિવસોમાં પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી હતી. અત્યારે માગશર માસમાં ઠંડીને બદલે માવઠું થતાં લોકોમાં મુંઝવણમાં છે કે, ઘરેથી નીકળતાં પહેલાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ-છત્રી સાથે રાખવાં ? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન વધી ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીથી વધુ નોંધાયું છે.

હવામાન વિભાગ મુજબ ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨ ડિગ્રી વધી ૩૧.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી વધીને ૨૧ ડિગ્રી નોંધાયું હતું. કમોસમી વરસાદ વરસતાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. શિયાળામાં વરસાદ થતાં ખેડૂતોને પાક નુકસાનની ચિંતા સતાવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં વધારો થયો છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસ્થિરતા સર્જાઈ શકે છે. ગરમ-ઠંડા પવનો અને ભેજને લીધે રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.