Western Times News

Gujarati News

૨૦૨૩ સુધીમાં 700 મેગાવોટનું ન્યૂક્લીયર પાવર યુનિટ કાકરાપાર ખાતે શરૂ થવાની શક્યતા

દેશના આ રાજ્યોમાં 2031 સુધી 20 નવા ન્યુક્લીયર પાવર પ્લાન્ટ સ્થપાશે

(એજન્સી)નવીદિલ્હી, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ૨૦૩૧ની સાલ સુધીમાં નવા ૨૦ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્‌સ (પરમાણુ વીજ મથકો) ધમધમતા કરી દેવાશે. તેના દ્વારા વીજ ઉત્પાદન ક્ષમતામાં અંદાજે ૧૫,૦૦૦ મેગાવોટનો ઉમેરો કરાશે તેમ સરકારે લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું.

આ ૨૦ ન્યૂક્લીયર પાવર પ્લાન્ટમાંથી સૌપ્રથમ ૭૦૦ મેગાવોટનું યુનિટ ૨૦૨૩માં ગુજરાતના કાકરાપાર ખાતે શરૂ થવાની ધારણા છે, જ્યાં હાલમાં ત્રણ પ્લાન્ટ કાર્યરત છે.

વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે કલ્પક્કમ ખાતે ૫૦૦ મેગાવોટનો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ૨૦૨૪માં કાર્યરત થવાની સંભાવના છે, ત્યારબાદ ૨૦૨૫માં કુડાનકુલમ ખાતે ૧,૦૦૦ મેગાવોટના બે એકમો કાર્યરત થવાની સંભાવના છે.

વિચારણા હેઠળના પ્રોજેક્ટ્‌સની વિગતોની યાદી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનના રાવતભાટા ખાતે ૭૦૦ મેગાવોટના બે એકમો ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે ૨૦૨૭ સુધીમાં કુડનકુલમ ખાતે વધુ બે ૧,૦૦૦ મેગાવોટના એકમોનું કામ પૂર્ણ થવાની શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

હરિયાણાના ગોરખપુરમાં ૨૦૨૯ સુધીમાં ૭૦૦ મેગાવોટના બે એકમો પૂર્ણ થવાની સંભાવના છે. આ ઉપરાંત સરકારે ગોરખપુર, હરિયાણા (યુનિટ્‌સ ૩ અને ૪), કૈગા, કર્ણાટક (યુનિટ્‌સ ૫ અને ૬), ચુટકા, મધ્યપ્રદેશ (યુનિટ્‌સ ૧ અને ૨) અને રાજસ્થાનના માહી બાંસવાડામાં ચાર યુનિટ્‌સમાં ૭૦૦ મેગાવોટના ૧૦ અણુ વિદ્યુત એકમોના નિર્માણ માટે વહીવટી અને નાણાકીય મંજૂરી આપી હતી.

સિંહે જણાવ્યું હતું કે, આ ૧૦ પરમાણુ ઊર્જા એકમો ૨૦૩૧ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની સંભાવના છે. એક અલગ પ્રશ્નના લેખિત જવાબમાં સિંહે જણાવ્યું હતું કે કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ (યુનિટ ૧ એન્ડ ૨)એ ૨૦૧૭-૧૮ અને ૨૦૨૧-૨૨ ની વચ્ચે રાષ્ટ્રીય ગ્રિડમાં ૪૮,૩૮૨ મિલિયન યુનિટ વીજળીનું યોગદાન આપ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે કુંદનકુલમ સાઇટ (કેકેએનપીપી યુનિટ ૧ થી ૬) પર હાલમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના કર્મચારીઓની કુલ સંખ્યા ૧,૨૫૭ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.