Western Times News

Gujarati News

ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા દોઢ લાખને પાર

નીચલી અદાલતોના પેન્ડિંગ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો

અમદાવાદ,  ન્યાય વ્યવસ્થામાં કેસના બેકલોગમાં ઘટાડો થાય તે માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, તેવામાં અમુક રસપ્રદ આંકડા સામે આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો નીચલી અદાલતોમાં પેન્ડિંગ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું ત્યારપછી પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો હતો. પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે ગુજરાત રાજ્યની તાબાની અદાલતોમાં જ્યારે પેન્ડિંગ કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે ત્યારે હાઈકોર્ટ પોતાના ટાર્ગેટ સિદ્ધ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. આટલુ જ નહીં, વર્ષ ૨૦૧૪થી અહીં પેન્ડિંગ કેસની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતી કાયદા અને ન્યાય વિભાગ દ્વારા લોક સભામાં રજૂ કરવામાં આવી હતી. ગુજરાતની નીચલી અદાલતોની વાત કરીએ તો પેન્ડિંગ કેસની સંખ્યા વર્ષ ૨૦૧૪માં ૨૧,૭૯,૯૭૯ હતી જે ૩૧મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ઘટીને ૧૮,૦૮,૬૨૭ થઈ ગઈ હતી. એટલે કે, નવ વર્ષમાં ૩ લાખથી વધારે પેન્ડિંગ કેસનું નિરાકરણ આવ્યું છે.

આની સાથે જાે ગુજરાત હાઈકોર્ટની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪માં આંકડો ૮૭,૩૫૬ હતો તે વધીને ૧,૫૯,૭૧૧ થયો છે. ટૂંકમાં કહી શકાય કે નવ વર્ષના સમયગાળામાં હાઈકોર્ટના ૭૨,૦૦૦ પેન્ડિંગ કેસ વધ્યા છે.

તમને જણાવી દઈએ કે માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. દેશની તમામ હાઈકોર્ટની વાત કરીએ તો ૨૦૧૪માં પેન્ડિંગ કેસ ૪૧.૪ લાખ હતા, જે ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ વધીને ૫૩.૫ લાખ થઈ ગયા હતા અને દેશભરની તાબા હેઠળની અદાલતોની વાત કરીએ નવ વર્ષમાં આ આંકડો ૨.૬૪ કરોડથી વધીને ૪.૨૮ કરોડ કેસ થઈ ગયો છે. લોકસભામાં સાંસદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.

પેન્ડિંગ કેસની વધતી સંખ્યા પાછળનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું તો કાયદા અને ન્યાય મંત્રાલયના મંત્રી કિરણ રિજીજૂએ જણાવ્યું કે, કોર્ટમાં કેસ પૂરો થઈ જાય તેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોય છે.

જજ અને ન્યાયિક અધિકારીઓની પૂરતી સંખ્યા, સહાયક સ્ટાફ, ભૌતિક માળખું, કેસ સાથે સંકળાયેલી વિગતોની જટિલતા, પુરાવાનો પ્રકાર, અન્ય પક્ષો જેમ કે બાર, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ વગેરેનો સહયોગ, નિયમો અને પ્રક્રિયાનું યોગ્ય પાલન, આ તમામ પરિબળો જવાબદાર હોય છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ૨૮ જજ કાર્યરત છે જ્યારે કોર્ટમાં ૫૨ જજની જરૂર છે. બીજી તરફ, રાજ્યભરમાં ૧૧૨૫ જિલ્લા અને મેજિસ્ટ્રેટ કોર્ટ આવેલી છે જેમાં ૧૧૦૪ જજ કાર્યરત છે. સંસદમાં વધુ એક પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું કાયદાકીય કાર્યવાહી કોરોના મહામારીને કારણે પ્રભાવિત થઈ હતી કે નહીં.

પરંતુ મંત્રીએ જણાવ્યું કે હજી સુધી આ બાબતે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. જાે કે તેમણે જણાવ્યું કે, વર્ચ્યુલ મોડમાં પણ કાર્યવાહી કેવી રીતે ચાલુ રાખી શકાય તે બાબતે ન્યાય વ્યવસ્થાએ પૂરતા પગલા લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.