Western Times News

Gujarati News

શૈક્ષિક મહાસંઘ દ્વારા ફિલ્મ પઠાણ પર પ્રતિબંધની માંગ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પઠાન ફિલ્મ રિલીઝ ન કરવા દેવાની માગ કરીઃ મુખ્યમંત્રી-ગૃહરાજ્યમંત્રીને લખ્યો પત્ર

અમદાવાદ,  અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની આગામી ફિલ્મ પઠાણ સામે શરૂ થયેલો વિરોધ ધીમેધીમે દેશવ્યાપી બની રહ્યો છે. ગુજરાતમાં પણ હવે આ ફિલ્મનો વિરોધ શરૂ થઈ ગયો છે, ત્યારે ફિલ્મોના પ્રમોશન સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. મહાસંઘ દ્વારા ‘બેશર્મ રંગ’ ગીતવાળી ફિલ્મ પઠાણને રિલીઝ થતી અટકાવવા માંગ કરાઈ છે. સોશિયલ મીડિયા સહિત પ્રત્યેક પ્લેટફોર્મ પર ફિલ્મ અને તેના દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધની માંગ કરી છે.

ફિલ્મમાં અશ્લીલતાનું વરવું પ્રદર્શન થયાની રજૂઆત કરાઈ. પઠાણ ફિલ્મના બેશર્મ રંગ ગીતની બાળકો ઉપર વ્યાપક અસર પડવાની શક્યતા તથા ભારતીય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી બનેલ નવી શિક્ષણ નીતીને ધ્યાનમાં રાખી મહાસંઘ મેદાને આવ્યું છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ પહેલા જ વિવાદના કેન્દ્રમાં આવી છે. ‘બેશરમ રંગ’ ગીત, દીપિકાના ભગવા રંગના કપડા સામે ચારેતરફ વિરોધ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાતમાં લોકગાયકો, સંતોએ ફિલ્મ સામે વાંધો રજૂ કર્યો હતો. તેઓએ ગુજરાતમાં ‘પઠાણ’ રિલીઝ ન થવા દેવા ચેતવણી આપી હતી. ત્યારે હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ મેદાને આવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલું સંગઠન છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, આગામી ૨૫ જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતનાં દૃશ્યો જાેતાં તેમાં અશ્લીલતાથી ભરપૂર દૃશ્યો અને સમાજના પ્રત્યેક વર્ગની લાગણી દુભાઈ તે રંગના કોસ્ચ્યૂમ તેમજ અન્ય બાબતો છે. જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓના માનસ તથા સમાજ પર અત્યંત ખરાબ અસર ઊભી કરે તેમ છે.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ રિલીઝ થયા પહેલા જ વિવાદના કેન્દ્રમાં છે. ફિલ્મની ટીઝરમાં દીપિકા પાદુકોણ ભગવા રંગના વસ્ત્રોમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતા નજરે પડતા હિંદુ સંગઠનો અને કેટલાક રાજકીય પક્ષોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે હવે આ ફિલ્મ સામે ગુજરાતમાં પણ વિરોધના સૂર ઉઠ્‌યા છે.

ફિલ્મના દ્રશ્યોને હિંદુ સંસ્કૃતિ વિરોધી ગણાવાયા છે. લોકગાયક રાજભા ગઢવીએ ગુજરાતમાં આ ફિલ્મને રીલીઝ ન થવા દેવાની માંગ કરી હતી. તો આ તરફ સંતો પણ પઠાણ ફિલ્મના વિરોધમાં ઉતર્યા છે. શાહરૂખ ખાન અને દીપિકાને દેશવિરોધી ગણાવતા ફિલ્મ પર દેશમાં જ પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ છે.

મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ તો ત્યાં સુધી કહ્યું છે કે જાે ફિલ્મના વાંધાજનક દ્રશ્યો પર કાતર ફેરવવામાં નહીં આવે તો રાજ્યમાં ફિલ્મને રિલીઝ નહીં થવા દેવાય. જાે કે કેટલાક રાજકારણીઓ એવા પણ છે, જેમણે ફિલ્મ વિવાદિત છે કે નહીં તેનો ર્નિણય સેન્સર બોર્ડ પર છોડી દેવાનો મત વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ અને પૂર્વ અભિનેત્રી નવનીત રાણાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા દેશને કરવામાં આવતી આર્થિક મદદનો હવાલો પણ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.