Western Times News

Gujarati News

આપણે ભગવાનને જોયા નથી પરંતુ ભગવાનની હાજરી વગર આ પ્રમુખસ્વામી મહારાજ નગર શક્ય નથી

પદ્મશ્રી સવજી ધોળકિયા, ફાઉન્ડર અને ચેરમેન, હરિકૃષ્ણ એક્ષ્પોર્ટસ

“મારા માટે આ બહુ ખુશીનો દિવસ છે કે આટલા મોટા સંતો ભક્તો વચ્ચે મારું સન્માન કરવામાં આવ્યું આપણે ભગવાનને જોયા નથી પરંતુ ભગવાનની હાજરી વગર આ પ્રમુખસ્વામી મહારાજ નગર શક્ય નથી.

પ્રમુખસ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણની અલૌકિક શક્તિના લીધે ૮૦,૦૦૦ સ્વયંસેવકો સમર્પણ કરી શકે છે.

મેં ૧૯૮૩ માં જનમંગલ નામાવલીના ૧૧ લાખ પાઠ કર્યા હતા અને એના ફળસ્વરૂપે મેં અત્યારે સુધી જે જે સંકલ્પો કર્યા એ તમામ સંકલ્પો ભગવાને પૂરા કર્યા છે એટલી તાકાત ભગવાનના નામમાં છે. ભગવાનની પૂજાના કારણકે હું કુસંગો થી બચ્યો છું.”

શ્રી ગોવિંદ ધોળકિયા, ફાઉન્ડર- શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ

“પ્રમુખસ્વામી મહારાજને જીવનમાં ઘણીવાર મળવાનું થયું એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે.

પ્રમુખસ્વામી મહારાજે નાની વાવડી ગામમાં ૧ દિવસ પધરામણી કરી તેમાં ૮૦ ઘરો સત્સંગી થઈ ગયા એટલો પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ હતો. ૧૯૮૨ માં એન્ટબર્ગ એરપોર્ટ પર મેં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યા હતાં તે મને આજે પણ યાદ છે.”

અરુણભાઈ ગુજરાતી – પૂર્વ અધ્યક્ષ મહારાષ્ટ્ર સરકાર

“૧૯૮૫ થી હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું અને મને કોઇ પૂછે કે ગુરુ કેવા હોવા જોઈએ તો હું કહું કે પ્રમુખસ્વામી મહારાજ જેવા હોવા જોઈએ.

હું તો પ્રમુખસ્વામી મહારાજ ને ઈશ્વરતુલ્ય માનુ છું માટે હું કહું છું કે જો માણસને માણસ બનવું હોય તો પ્રમુખસ્વામી મહારાજના આદેશોનું પાલન કરવું જોઈએ.

પ્રમુખસ્વામી મહારાજ એક દેશ કે એક ધર્મના સંત નહોતા પરંતુ તેઓ દરેક ધર્મના સંત હતા.

પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે વિશ્વમાં શાંતિ સ્થાપવી હોય તો દરેક ધર્મોએ સાથે રહીને સમાજ સેવાનું કાર્ય કરવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે કરેલા વ્યસનમુક્તિનું કાર્ય કરીને નવા ભારતની રચના કરી છે.

આદર્શ જીવન કેવી રીતે જીવવું જોઈએ એ પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે. બી.એ.પી.એસ સંસ્થા એ આધ્યાત્મિકતાનો જ્વલંત દીપક છે જેની દિવ્ય જ્યોતિને મહંતસ્વામી મહારાજે વિશ્વભરમાં વિસ્તારવાનું ચાલું રાખ્યું છે.”

શ્રી વાય. એસ રાજન, પૂર્વ ચેરમેન – NIT મણિપુર

“હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે હું આ નગરમાં છું અને સને ૨૦૦૧ થી મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જ્યારે હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો હતો.

મને આજે પણ પ્રમુખસ્વામી મહારાજે મારી પીઠ પર ધબ્બો માર્યો હતો એ મને આજે પણ યાદ છે અને એની શક્તિ કેટલી છે એ મને સારી રીતે ખ્યાલ છે કારણકે જીવનના ખરાબ સમયમાં પણ તેમની દિવ્ય શક્તિ મારી સાથે રહી છે.

કોરોના રોગ આવ્યો ત્યારથી ૨.૫ વર્ષ બાદ આજે હું પ્રથમ વખત વિમાન યાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યો છું અને હું ધન્યતા અનુભવું છું.

મને વિશ્વાસ છે કે આ સદીના અંત સુધીમાં વિશ્વનાં ૧૦૦ દેશોમાં બી.એ.પી.એસ ના મંદિરો હશે અને આવનારા ૫૦ વર્ષોમાં વર્ચ્યુઅલ અક્ષરધામ પણ જોવા મળશે.

હું દૃઢપણે માનું છું કે ,”જ્યાં જ્યાં વસે સ્વામિનારાયણનો એક ભક્ત ત્યાં ત્યાં બનશે એક અક્ષરધામ” હું દરેક યુવાનોને આગ્રહ કરું છું કે તમે વચનામૃત વાંચો અને દેશની દરેક ભાષામાં તેનું ભાષાંતર કરીને પ્રકાશિત કરો.”

શ્રી ગોપાલ આર્ય, સેન્ટ્રલ ઓફિસ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)

“હું આજે બપોરથી આ નગરના દર્શન કરું છું અને મને ભગવદ્ગીતાનો “યદા યદા હિ ધર્મસ્ય” શ્લોક યાદ આવી ગયો અને પ્રમુખસ્વામી મહારાજે એ શ્લોક પ્રમાણે આ ભારત વર્ષમાં સમાજ પરિવર્તન માટે જન્મ ધર્યો હતો એવું હું દૃઢપણે માનું છું કારણકે તેઓ સાચા અર્થમાં યુગપુરુષ હતા.

પ્રમુખસ્વામી મહારાજ તેમના ઉપદેશ વચનોને રાષ્ટ્રભક્તિ સાથે જોડીને અનેક દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા યુગપુરુષ આ ધરતી પર જન્મ લે છે ત્યારે યુગ પરિવર્તનની લહેર આવે છે.”

શ્રી આલોક કુમાર, કાર્યકારી પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ 

“આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને પ્રમુખસ્વામી મહારાજની વિશાળ મૂર્તિ અને તેની આસપાસ દર્શાવેલ તેમની જીવન સમયરેખા જોઈને મને દૃઢપણે મનાયું કે પ્રમુખસ્વામી મહારાજ માટે દિવસરાત અલગ નહોતા કારણ કે તેમના મનમાં ૨૪ કલાક ભગવાન અને તેમના ભક્તોનો જ વિચાર હતો અને પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં “કર્મયોગી” હતા.

કુદરતી આપદા હોય કે વ્યસનમુક્તિ યજ્ઞ હોય, દરેક પરિસ્થિતિમાં  પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ સંસ્થા હંમેશા આગળ રહ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોતાં જ પ્રમુખસ્વામી મહારાજ અત્યારે આપણી સાથે હોય તેવી અનુભૂતિ થાય છે.”

ડૉ. પંકજ ચાંદે, ફાઉન્ડર, વાઇસ ચાન્સેલર, કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી

“સૌ પ્રથમ હું પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી પર્વ પર પ્રમુખસ્વામી મહારાજને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પુ છું.

હું અહી મારા સમગ્ર પરિવાર સાથે આ વિરાટ આયોજન અને નગરદર્શન માટે આવ્યો છું અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોને જોઇને હું પ્રમુખસ્વામી મહારાજનો તેમના માટેનો પ્રેમ જોઈએ શકું છું.

આપણાં ઘરમાં કોઈ વ્યક્તિને દાખલ કર્યાં હોય ત્યારે હોસ્પિટલમાં દર્દી જોડે રહેવા માટે કોઈ તૈયાર નથી હોતું પરંતુ અહી ૮૦,૦૦૦ સેવકો નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યા છે એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતાનો પરિચય કરાવે છે.

બાળ નગરી એ સાચા અર્થમાં સંસ્કાર નગરી છે કારણકે ત્યાં મનોરંજનની સાથે સંસ્કાર આપવામાં આવે છે.

પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એ માતૃહૃદય હતું કારણ કે તેમના વ્યવહારમાં ક્યારેય ભેદભાવ જોવા મળ્યો નથી. પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ સંસ્કૃતિ નો પ્રચાર દુનિયાના ખૂણે ખૂણે કર્યો છે અને દેશ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા ૧૨૪૧ મંદિરો એ હસ્તકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. હું ૨૪ વર્ષ પહેલાં લંડનમાં પ્રમુખસ્વામી મહારાજને મળેલો ત્યારથી મને મનાયું છે કે તેઓ સાક્ષાત્ “દેવ માણુષ” છે.”

શ્રી અરુણ તિવારી, પ્લૅટિનમ જ્યુબિલી મેન્ટર, CSIR – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી

“જ્યારે બધું અકલ્પનીય અને અદ્ભુત હોય ત્યારે બધા એમ કહે કે આ સાચું છે કે સ્વપ્નું ? એ જ રીતે મને આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને પણ એમ જ થાય છે કે આ સપનું છે કે સચ્ચાઈ?

ડોક્ટર કલામ સાહેબે પ્રમુખસ્વામી મહારાજે આપેલા મયૂર મુદ્રા અને હાથી એ છેલ્લા શ્વાસ સુધી પોતાની પાસે રાખી હતી કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને ડોક્ટર કલામ સાહેબ વચ્ચેનો પ્રેમ અનોખો હતો.

મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ ખુદ શાસ્ત્ર સમાન સંત હતા પરંતુ કલામ સાહેબે મને કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ હજારો લાખો લોકોની જીવન નૈયાના નાવિક હતા.

ડોક્ટર કલામ સાહેબના ગુરુના ગુરુના શતાબ્દી મહોત્સવમાં મને હાજર જોઈને જો કલામ સાહેબ પૃથ્વી પર હાજર હોત તો મને કહેત કે ,”પ્રમુખસ્વામી મહારાજ તમારા રક્ષક છે કારણકે સાચા ગુરુ હંમેશા ભક્તની રક્ષામાં હોય છે.”

શ્રી કેશવ વર્મા, નિવૃત IAS ઓફિસર, ચેરમેન – હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ

“આજે ૬૦૦ એકર જમીનમાં પથરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું વિચારું છું કે આ જાદુ કઈ રીતે થયું?

ભવ્ય પ્રવેશદ્વાર અને જ્યોતિ ઉદ્યાન વગેરે જોઈને ભારતની ભવ્યતાનો અનુભવ થાય છે. અહીંની વ્યવસ્થા અને પ્રબંધનને જોઈને હું ખૂબ જ અભિભૂત છું અને નગર સર્જન કરીને તમે આપણી સાચી શક્તિ પ્રદર્શિત કરી છે.

મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિશ્વનાં અનેક દેશોમાં પહોંચી છે અને અનેક દેશોમાં સ્વાગત કરવામાં આવે છે કારણકે તેમને મેનેજમેન્ટની વ્યાખ્યા જ બદલી નાખી છે.

હું બી એ પી એસ સંસ્થાની મદદ માંગું છું ટકાઉ શહેરી વિકાસ યોજનાઓમાં સહયોગ કરવા માટે.” પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, વર્તમાન ગુરુ, BAPS

 

“પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે “આપણો જન્મ ગુરુહરિને રાજી કરવા માટે જ થયો છે, એમની મરજી સચવાય એના માટે જ આપણો જન્મ છે, ગુરુ કહે તે ઉગમણી દિશા, ગુરુની મરજી એ આપણું જીવન બને તો અનંત જન્મોનું કામ થઈ જાય”

“ગુરુનું વાક્ય એ બ્રહ્મવાક્ય” એમ જ માનવું કારણ કે તેમનામાં રહીને ભગવાન જ બોલે છે “ગુરુના વિશે અત્યંત નિર્દોષભાવ રાખવો” – આ સમજણ સાથે જીવન જીવવાનું છે. ” આપણે ગુરુને જ રાજી કરવાનો વિચાર રાખવો.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.