Western Times News

Gujarati News

આ ખેડૂતે ઉગાડી 7 ફૂટ લાંબી અને 22 કિલો વજનની દૂધી, ૩૦ કિલો વજનનું તડબૂચ

મધ્યપ્રદેશના માનસિંહભાઇનાં જીવનનું એક જ લક્ષ્ય છે ગાંઠનું ગોપીચંદ કરીને પણ દેશીબીજનું જતન-સંવર્ધન કરવુંઃ ૬૦૦ જેટલી પ્રજાતિનું એકલા હાથે જતન-સંવર્ધન કર્યુ

માનસિંહભાઇ ગુર્જરની મહેનત અને લગનથી પ્રભાવિત થઇને તેમના પ્રેરણાદાયી કાર્ય માટે રાજ્યપાલશ્રીએ રૂ. ૫૧ હજારના પુરસ્કારથી તેમનું સન્માન કર્યું

પ્રાકૃતિક કૃષિના ચમત્કારે માનસિંહભાઇ ગુર્જરને દેશી બીજના જતન-સંવર્ધન માટે પ્રેરણા આપીઃ ચોખાની ૨૩૦ પ્રજાતિ, ઘઉંની ૧૦૮ પ્રજાતિ અને  શાકભાજીની ૧૫૦ પ્રજાતિના બીજનો સંગ્રહ ધરાવે છે

માનસિંહભાઇએ વિકસાવેલી વંદના પ્રજાતિની દુધીની લંબાઇ ૭ ફૂટઃ ૩૦ કિલો વજનનું તડબૂચ, ૨૨ કિલો વજનની દુધી, સાડા ત્રણ ફૂટના ગલકાં-તુરિયા અને ત્રણ કિલો વજનનું રીંગણ જોઇને લોકો આશ્ચર્યચકિત થાય છે. This farmer grew a 7 feet long and 22 kg Bottleguard- 30 kg watermelon.

પ્રાકૃતિક કૃષિની સાથે જો દેશી બીજનું વાવેતર કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે. મધ્યપ્રદેશના પાંચસોની વસતી ધરાવતા હોશંગાબાદ જિલ્લાના બનખેડી તાલુકાના ગરધા ગામના રહીશ માનસિંહભાઇ ગુર્જરે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાજભવન

ખાતે મુલાકાત લઇને તેમણે પોતે વિકસાવેલી સાડા પાંચ ફૂટ લાંબી દેશી પ્રજાતિની દુધીની સાથે તેમણે વિકસાવેલાં અને સાચવેલાં વિવિધ દેશી બીજ તેમજ વિવિધ કૃષિ ઉત્પાદનોના નમૂના પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે તેમણે એકલા હાથે ૬૦૦ પ્રજાતિના દેશી બીજનું જતન-સંવર્ધન કરવા અંગે રાજ્યપાલશ્રીને જણાવ્યુ હતુ.

પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજના જતન-સંવર્ધનની તેમની લગન અને મહેનતથી પ્રભાવિત થઇને રાજ્યપાલશ્રીએ તેમને ૫૧ હજાર રૂપિયાનો ચેક પુરસ્કાર સ્વરૂપે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરતા માનસિંહભાઇ જણાવે છે, “મારી મહેનત રંગ લાવી છે..

..દેશી બીજના વાવેતર સાથે છેલ્લાં પંદર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, ત્યારે રાજ્યપાલશ્રીના હસ્તે આ પુરસ્કાર મેળવીને હું ધન્યતા અનુભવું છું.” તેમણે ૫૧ હજારના પુરસ્કારની વાત ઘરના સભ્યોને મોબાઇલ દ્વારા જણાવી ત્યારે તેમના પરિવારજનો પણ ખુશ થયા હતા.

માનસિંહભાઇએ દેશી બીજની જાળવણી  ઉપરાંત કેટલીક જાત પોતે પણ વિકસાવી છે. તેઓ સફેદ કારેલાં, લાલ ભીંડી, કાળાં મરચાં, જાંબલી વાલોળ જેવા પ્રાકૃતિક કૃષિની મદદથી મેળવેલા ઉત્પાદનો પણ સાથે લાવ્યા હતા. માનસિંહભાઇ જણાવે છે કે, તેઓ પંદર વર્ષના હતા ત્યારથી દેશીબીજનું જતન-સંવર્ધન કરે છે.

આજે તેમની પાસે ચોખાની લગભગ ૨૩૦ દેશી જાત, ઘઉંની ૧૦૮ જાત અને જુદાં જુદાં શાકભાજીના ૧૫૦ જાતના દેશીબીજનો સંગ્રહ ઉપલબ્ધ છે. દેશીબીજના ઉત્પાદન અંગે તેઓ જણાવે છે કે, ૧૫ એકરના ખેતરમાં તેઓ નિયમિત રીતે બે એકર જેટલી જમીનમાં દેશીબીજનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરી બીજ નિર્માણ કરે છે.

તેઓ અન્ય ખેડૂતોને પણ વિનામૂલ્યે દેશી બીજ આપી તેના વાવેતર માટે પ્રેરણ આપે છે. વાવેતર માટે આપેલાં એક કિલો દેશી બીજના બદલાંમાં તેઓ ઉત્પાદન બાદ દોઢ – બે કિલો બીજ ખેડૂત પાસેથી પાછા મેળવે છે, આથી તેમના બીજ સંગ્રહમાં વૃદ્ધિ થતી જાય છે.

માનસિંહભાઇએ પ્રાકૃતિક કૃષિ દ્વારા દેશીબીજની મદદથી ચમત્કારિક પરિણામો મેળવ્યા છે. તેમની પાસે રહેલાં બીજનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરીને તેઓ સાત ફૂટ લાંબી દુધીનું ઉત્પાદન મેળવે છે. બીજી એક પ્રજાતિની દુધીનું વજન ૨૨ કિલો છે.

તેમના ખેતરમાં ઉગતા ૩૦ કિલો વજનનું તડબૂચ, સાડા ત્રણ ફૂટ લાંબા ગલકાં-તૂરિયા હોય કે ત્રણ કિલો વજનનું રીંગણ હોય લોકો આ ઉત્પાદનોને જોઇને આશ્ચર્ય ચકિત થઇ જાય છે. માનસિંહભાઇ કહે છે, “આ પ્રાકૃતિક કૃષિ અને દેશી બીજનો ચમત્કાર છે. દેશી બીજ આપણી ધરોહર છે, કોઇકે તો જતન કરવું જ પડશે.”

તેમની વાત સાચી છે. આજે તેઓ એકલા હાથે દેશી બીજની ૬૦૦ જેટલી પ્રજાતિ  ધરાવે છે. અને સતત તેનું જતન-સંવર્ધન કરતા રહે છે. તેઓની એક જ ધૂન છે. દેશી બીજને બચાવવા.. તેઓ કહે છે દેશી બીજને બચાવવું પુણ્યનું કાર્ય છે. તેમના જીવનનું લક્ષ્ય છે… દેશી બીજની બેન્ક બનાવવી અને આ બીજબેન્કનું બેલેન્સ સતત વધારતું રહેવું.

પ્રાકૃતિક કૃષિને માનસિંહભાઇ ગુર્જર ખેડૂતો માટે આશીર્વાદરૂપ માને છે. તેઓ જણાવે છે કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિનું જે જનઅભિયાન ચલાવવામાં આવે છે તે ઇશ્વરીય કાર્ય છે. પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મળે છે. તેમણે પ્રાકૃતિક કૃષિના ચમત્કારને પોતાનાં ખેતરમાં જોયો છે.

રાસાયણિક કૃષિથી પ્રતિ એકર ઘઉંનો ઉતારો ૧૨ થી ૧૪ ક્વિન્ટલ મળે છે જ્યારે તેમના ખેતરમાં તેઓ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઘઉંનું પ્રતિ એકર ઉત્પાદન ૧૫ થી ૧૬ ક્વિન્ટલ મળે છે. રાસાયણિક કૃષિમાં શેરડી પ્રતિ એકર ૪૦૦ ક્વિન્ટલ સામે પ્રાકૃતિક કૃષિથી તેઓ પ્રતિ એકર ૫૫૦ ક્વિન્ટલ શેરડીનું ઉત્પાદન મેળવે છે.

પ્રાકૃતિક કૃષિથી મેળવેલી શેરડીનો સાંઠો ૧૭ થી ૧૮ ફૂટ ઉંચાઇ ધરાવે છે. જેનું વજન પણ રાસાયણિક કૃષિ કરતા બમણું હોય છે. તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજથી ખેતી કરો તો  ખેતરમાં રોગ નથી આવતો. ગમે તેટલો વરસાદ પડે તો પણ જમીન એટલી નરમ હોય છે કે, પાણી ધરતીના પેટાળમાં સમાઇ જાય છે. પ્રાકૃતિક કૃષિમાં પાણીની ૫૦ ટકા બચત થાય છે.

પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અંગે તેઓ જણાવે છે કે, એક વખત ખેડૂતમાં વિશ્વાસ બેસે અને ઉત્પાદનમાં ગુણવત્તાની ખાતરી મળે પછી લોકો પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના બમણાં ભાવ આપવા પણ તૈયાર  હોય છે. તેઓ જણાવે છે, “મારે મારાં ઉત્પાદનો બજારમાં વેંચવા જવું પડતું નથી. ખેતરબેઠાં બમણાં ભાવે મારા ખેત ઉત્પાદનો લોકો લઇ જાય છે.”

તેમણે  ખેતરમાં જ પથ્થરવાળી ઘંટી રાખી છે તેની મદદથી વેલ્યુ એડિશન કરી મગદાળ, ચણાદાળ વગેરે તૈયાર કરી તેઓ વેંચે છે. પ્રાકૃતિક કૃષિની પ્રેરણા તેમણે પિતાજી પાસેથી મેળવી હોવાનું જણાવતા તેઓ કહે છે, “મારા પિતાજી વર્ષોથી પરિવારના ઉપયોગ માટે એક એકર જેટલાં ખેતરમાં રાસાયણિક

ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વિના ખેતી કરતા અને પરિવાર માટે શુદ્ધ ખાદ્યાન્ન મેળવતા. મેં પિતાજી પાસેથી પ્રેરણા મેળવીને વર્ષ ૨૦૧૦થી પંદર એકરના  ખેતરમાં એક ઝાટકે પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ અપનાવી. મારું ઉત્પાદન જરાય ઘટ્યું નથી, ઉલટાનું ગુણવત્તા ધરાવતા ઉત્પાદનોના વધુ ભાવ મળે છે.”

રાજ્યપાલશ્રીએ માનસિંહભાઇની પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજના જતન સંવર્ધનની લગન જોઇને પ્રસન્નતા વ્યકત કરીને ૫૧ હજારનો ચેક પુરસ્કાર રૂપે આપ્યો ત્યારે તેમને હવે એ વાતની ખુશી છે કે, દેશી બીજની પ્રજાતિઓ લુપ્ત ન થઇ જાય તેની  સંભાળ લેવાની તેમની મહેનત ફળી છે. તેમનું સપનું છે દેશીબીજની બેંક બનાવવી જેથી ખેડૂતો પણ તેમના દેશીબીજને સંરક્ષિત કરી શકે. તેમની લગન અને આત્મવિશ્વાસ ઉપરથી તો એવું ચોક્કસ કહી શકાય કે તેમનું સપનું અવશ્ય સાકાર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.