Western Times News

Gujarati News

૧૦,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજાવતા રાજ્યપાલ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન – રાજકોટ અમૃત મહોત્સવ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સહજાનંદ નગર બન્યું પ્રાકૃતિક ખેતીનું પ્રેરણાધામ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

·         ભારતીય ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને પૂર્ણ કરવા ખેડૂતોએ

પ્રાકૃતિક ખેતી તરફ વળવું જરૂરી છે

·         પ્રકૃતિના સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક છે

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન – રાજકોટ અમૃત મહોત્સવ અંતર્ગત મવડી કણકોટ રોડ પર નિર્મિત સહજાનંદ નગર ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજ્યભરમાંથી આવેલા ૧૦,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહાત્મ્ય સમજાવી માર્ગદર્શિત કર્યા હતા.

રાજ્યપાલશ્રી એ પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જરૂરિયાત સમજાવતા કહ્યું હતું કે, એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિની જરૂરિયાત હતી, પરંતુ રાસાયણિક ખાતરના વપરાશના કારણે પર્યાવરણ જળ-વાયુ અને માનવ શરીરને નુકસાન સહન કરવું પડ્યું છે. કેન્સર સહિતના રોગોમાં અપ્રમાણસર વધારો જોવા મળી રહ્યો છે માટે હવે સમયની જરૂરિયાત છે કે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.

પ્રાકૃતિક ખેતી થી કૃષિ ઉત્પાદન ઘટે છે તે વાત બિલકુલ ખોટી છે તેમ કહી રાજ્યપાલશ્રીએ સ્વાનુભવ  જણાવ્યો હતો કે પૂર્ણ જ્ઞાન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં સતત વધારો થતો રહે છે. આ ઉપરાંત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ પણ તેમણે સમજાવ્યો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરના સતત વપરાશને કારણે જમીન બંજર બનતી જાય છે તેમજ ઉત્પાદન વધારવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેના પરિણામે કીટકો અને અળસિયા જેવા જીવ મિત્રો નાશ પામે છે, ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. દેશી ગાયોનો ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે, શુદ્ધ દૂધ મળવાનું ઘટી રહ્યું છે આ તમામ પરિબળોમાંથી બહાર આવવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તેમ રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કાર સિંચન સાથે શિક્ષણની પ્રવૃત્તિ તેમજ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીને સમજાવતુ રૂપક તેમજ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજ્યપાલશ્રીનું ધર્મ જીવન અમૃત કુંભથી બહુમાન કરાયુ હતુ઼.

મહંતશ્રી દેવપ્રસાદજી સ્વામીએ પ્રાકૃતિક ખેતીનું મહાત્મય સમજાવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના શ્રી સિ઼. કે. ટીંબડિયાએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન તેમજ આત્મા પ્રોજેક્ટના ઓ.એસ.ડી. શ્રી દિનેશ પટેલએ પ્રાકૃતિક ખેતી અંગે સરકારશ્રીના પ્રયત્નોની માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તકે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપવા માટેના શપથ લીધા હતા.

ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી, મહંતશ્રી દેવ પ્રસાદજી સ્વામી, મહંતશ્રી ધર્મવલ્લભ સ્વામી, ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ,  આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી વાદી, અગ્રણીઓશ્રી રાકેશ દુધાત, લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ કોટડીયા સહીત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.