Western Times News

Gujarati News

‘સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-2022’ની ઉજવણી અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું

તમામ વિભાગોના વડા અને અધિકારીઓને વહીવટી વ્યવસ્થાના સુચારું સંચાલન માટે ઉપયોગી સૂચનો અને તાલીમ આપવામાં આવ્યાં

સમગ્ર રાજ્યમાં જ્યારે 19થી 25 ડિસેમ્બર દરમિયાન ‘સુશાસન સપ્તાહ-પ્રશાસન ગાંવ કી ઔર-2022’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સુધીર પટેલની ઉપસ્થતિમાં ‘ગુડ ગવર્નન્સ’ વિષય પર કાર્યશાળા યોજવામાં આવી. કાર્યશાળામાં નિવૃત્ત આઇ.એ.એસ અધિકારી શ્રી એચ.કે.પટેલ દ્વારા વક્તવ્ય  આપવામાં આવ્યું હતું.

નિવૃત્ત આઇ.એ.એસ અધિકારી શ્રી એચ.કે.પટેલ દ્વારા ઉપસ્થિત તમામ શાખાના વડાઓ અને પદાધિકારીઓ સાથે ‘ગુડ ગવર્નન્સ’ વિષય હેઠળ વિવિધ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા દ્વારા કઈ રીતે વધુ ને વધુ સુચારું વહીવટી વ્યવસ્થા દ્વારા સામાન્ય નાગરિકોને વધુ સારું શાસન એટલે કે સુશાસન પૂરું પડી શકાય એ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી એચ.કે.પટેલ દ્વારા પોતાના સફળ કાર્યકાળના વિવિધ ઉદાહરણો અને કેસ સ્ટડીઝ દ્વારા ઉપસ્થિત કર્મચારીઓને ‘ગુડ ગવર્નન્સ’ વિષય અંતર્ગત ઘણાં ઉપયોગી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યાં હતાં.

આ સેમિનારમાં પબ્લિક એડમીનિસ્ટ્રેશન, પબ્લિક વેલ્ફેર, ડિજિટલ ટૂલ્સનો સફળ ઉપયોગ, કર્મચારી તાલીમ, જાહેર વહીવટમાં ઉત્તરદાયિત્વ અને જવાબદેહી, જાહેર યોજનાઓનું અમલીકરણ, ઓડિટ અને બેલેન્સ ચેક સિસ્ટમ, ક્વોલિટેટીવ એનાલીસિસ,

સરકારની વિવિધ યોજનાઓ, સોફ્ટવેર અને એપ્લિકેશનના ઉપયોગો જેવા મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચાઓ દ્વારા અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં તથા તેમને રોજિંદી કાર્યપદ્ધતિમાં ઉપયોગી થાય તેવા સલાહ સૂચનો વક્તા દ્વારા જણાવવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાસન સપ્તાહની ઉજવણીનો હેતુ તમામ જિલ્લાઓ અને તાલુકાઓના નાગરિકોને વહીવટીતંત્રની વધું નજીક લાવીને તેમને શ્રેષ્ઠ વહીવટી સુવિધાઓ પૂરી પાડવાનો છે. દરેક સ્તરે જાહેર વહીવટની પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ઝડપી બનાવવાનો લક્ષ્યાંક આ ઉજવણી પાછળ રાખવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.