Western Times News

Gujarati News

SOGએ સિંધુભવન રોડ પરથી ડ્રગ્સ ડિલિવરી માટે આવેલા બે પેડલર પકડ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ, ૩૧ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ દિવસે મોટા પ્રમાણમાં ઉજવણીનો માહોલ હોય છે. તે દરમિયાન ઘણીવાર અસામાજિક તત્વો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. ત્યારે પોલીસ વિભાગ સહિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પણ સતર્ક થઈ ગઈ છે અને અમદાવાદ શહેરમાં કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કાર્યવાહી હેઠળ એમડી ડ્રગ્સ આપવા માટે નીકળેલા બે પેડલરોને પકડી પાડ્યા છે.

એસઓજીને ડ્રગ્સ પેડલરો માટે બાતમી આપવામાં આવી હતી. આ બાતમીને આધારે ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલીખાન નાગોરી પાલનપુરથી સિંધુભવન રોડ પર ડ્રગ્સ આપવા આવવાના હતા. આ બાતમીને પગલે એસઓજી સતર્ક થઈ ગઈ હતી અને બંને આરોપીઓને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન જ્યારે બંને આરોપીઓ ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા ત્યારે બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની પાસે રહેલું ૨૯ લાખ રૂપિયાનું ૨૯૬ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.

બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ ખાસ એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જ આવ્યા હતા. આરોપીઓની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, તેઓ એક કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જે વ્યક્તિ સાથે ડિલ થાય તેના ભળતા નામ કે અન્ય પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જેથી કોઈ ત્રાહિત વ્યક્તિ બોગસ બનીને તેઓનો માલ ન પડાવી શકે અને ડિલ કરનાર વ્યક્તિના હાથમાં જ આ ડ્રગ્સ આપતા હતા.

જે વ્યક્તિએ ડિલ કરી હોય તેની સાથે જે કોડવર્ડ નક્કી કરાયો હોય તે જ કોડવર્ડ ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિ આપે તો જ આ જથ્થો અપાતો હતો. આરોપીઓ અત્યાર સુધીમાં છેલ્લા છ માસમાં ત્રણવાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યાં છે.

ત્યારે આ ડ્રગ્સ આરોપીઓ કોની પાસેથી લાવ્યાં અને કોને આપવાના હતા એ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી ઇરફાન ઉર્ફે પોપટ અગાઉ મર્ડરના ગુનામાં દોઢેક વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેની સામે મારામારી અને ધમકી આપવાનો પણ ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.