Western Times News

Gujarati News

ખેતરોમાં હાથફેરો કરતી ટોળકીના ૬ સાગરીતોને ઝડપી પાડતી વાલિયા પોલીસ

સવારે ખેતરોમાં કુવા,બોર,મોટરોની રેકી કરી રાતે ધાપ મારતી ગેંગ પાસેથી ૩.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત

(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયા પોલીસે તાલુકાના વિવિધ ગામોની સીમમાં ખેડૂતોના ખેતરમાં લગાવેલ મોટર, કેબલ વાયરો અને કોલમ પાઇપની ચોરી કરતા મોટર ગેંગના ૬ આરોપીને ઝડપી પાડી રૂપિયા ૩.૫૬ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથધરી છે. વાલિયાના શીર ગામે ગત ૨૦ ડિસેમ્બરની રાતે સીમમાં આવેલ રસિક ખીમજી ગજેરાના ખેતરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને કુવા અને બોર માટે મોટર ફીટ કરેલ મોટર, કોલમ પાઈપ ૩૧ અને કેબલ વાયરો મળી કુલ ૧.૦૩ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરી અંગે ખેડૂતે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી.આ દરમ્યાન બાતમી મળી હતી કે, ચોરી કરતા ગેંગના માણસો પૈકી દયારામ મુકેશ વસાવા અને તેના સાગરીતો મળી મોટરો, પીવીસી પાઈપોની કોલમો અને વાયરો ચોરી કરી ભેંસ ખેતરથી શીર ગામ તરફ જતા રોડ પર આવેલ પ્રિતેશ કાઠીયાવાડીના ખેતર કે જે દયારામ વસાવા ભાગેથી ખેડાણ કરે છે.ત્યાં લાવી મકાનમાં સંતાડી તમામ મુદ્દામાલની વેચાણ કરવાની ફિરાકમાં છે.જેના આધારે વાલિયા પોલીસ મથકના પી.આઈ કે.વી.ચુડાસમા સહિત સ્ટાફે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ૭ મોટર, કોલમ પાઇપ નંગ ૮૦ અને વાયરો મળી કુલ ?૩.૫૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શીર ગામના મોવડી ફળીયા રહેતો મુખ્ય સૂત્રધાર દયારામ મુકેશ વસાવા, રણજિત ઠાકોર વસાવા, સંદીપ ઉર્ફે કાલિયો રાજેશ વસાવા, સંતોષ મુકેશ વસાવા અને બળવંત અર્જુન વસાવા તેમજ અમિત વીનું વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ગણતરીના દિવસોમાં મોટર ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ રિકવર કરી ઝડપાયેલા તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે.ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમ્યાન સીમમાં આવેલ ખેતરોમાં કુવા, બોરીની મોટરોની રેકી કરી રાત્રે ખેતરના પ્રવેશી લોખંડની ક્લેમની હાથા વડે મોટરો, કોલમ પાઈપો સહિત વાયરોની ચોરી કરવાની ટેવ ધરાવે છે.ઝડપાયેલ મોટર ગેંગે નવા નગર ગામના ચાર સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.