Western Times News

Gujarati News

નડિયાદના આખડોલ માંથી રૂ ૧૨.૪૦ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

પ્રતિકાત્મક

કુલ ૧૯ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો, એમાંથી ૧ આરોપી પકડાયો બાકીના તમામ વોન્ટેડ

(પ્રતિનિધિ) નડિયાદ થર્ટી ફર્સ્ટ આવતાં જ સમગ્ર જિલ્લામાં દારૂની રેલમછેલ જામી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. નડિયાદ તાલુકાના આખડોલ ગામેથી દારૂ કંટીગ વેળાએ વિઝલન્સે છાપો મારી રૂપિયા ૧૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ પ્રકરણમાં ગામના માજી સરપંચ સહિત કુલ ૧૯ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એકની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય લોકો ફરાર થયા છે.

પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સપાટો બોલાવતા નડિયાદ ગ્રામ્ય પોલીસ ઊઘતી ઝડપાઈ છે. મુખ્ય બુટલેગર ખેડા જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ હોવાનું પણ જાણવા મળે છે ત્યારે રાજકીય ચહલ પહલ વધી ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ રૂરલ પોલીસની હદમાં આવેલ આખડોલ ગામની સીમમાંથી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરીંગ સેલએ કર્યો છે. ગત ગુરુવારની રાત્રે ગામની સીમમાં સાયરસ ડી.જે. વાળાના ઘરેથી થોડે દુર ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકતાં હાજર બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. અહિયા દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે.

અહીંયા ટ્રેક્ટરના ટ્રોલીમા ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૩૩૭ જેમાં કુલ ૭૩૯૨ બોટલો કિંમત રૂપિયા ૧૨ લાખ ૪૦ હજાર ૫૦૦ નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે અહીંયાથી એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ મળીને રૂપિયા ૧૭ લાખ ૪૫ હજાર ૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં પોલીસે સ્થળ પરથી હિતેશ કનુભાઈ પરમારને ઝડપી લીધો છે.

જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર, અતુલ ઉર્ફે ભુરીયો રાજુભાઈ પરમાર, ચંદ્રકાંત ઉર્ફે લાલો અમૃતલાલ સોની (તમામ રહે.આખડોલ), તેમજ દારૂ ઉતારી ભરી આપનાર મજુર સુનિલ પરમાર, દસો પરમાર સહિત કેસરી કલરનું મધ્યપ્રદેશ પાર્સિંગનુ કન્ટેનરનો ચાલક/માલિક, સફેદ નંબર વગરની મારુતિ ઈકો કારનો ચાલક/માલિક, સફેદ કલરની ક્રેટા કારનો ચાલક/માલિક, કાળા કલરની ક્રેટા જેવી કારનો ચાલક/માલિક અને અજાણ્યા દારૂ ઉતારી ભરી આપનાર આઠ મજુરો આ તમામ વોન્ટેડ છે.

આ તમામ લોકો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓમાં દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર છે તે ગામનો માજી સરપંચ છે અને તેની પત્ની જિલ્લા પંચાયત બીજેપી ના સભ્ય છે ત્યારે પ્રોહીબીશનના કેસમાં તેમના નામ બહાર આવતાં અનેક અટકળોએ જાેર પકડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.