Western Times News

Gujarati News

નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા યુવતીઓને શોધવામાં પોલીસના અંધારામાં ફાંફા

આશ્રમને જમીન ભાડે આપનાર ડીપીએસ સ્કૂલમાં તપાસ કરવા જિલ્લા
શિક્ષણ અધિકારીની ટીમ સ્થળ ઉપર પહોંચશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચકચાર જગાવનાર નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા યુવતિના કેસમાં સીટની રચના થતાં જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને આશ્રમને ભાડે જગ્યા આપનાર ડીપીએસ સ્કુલ સામે તપાસ શરૂ કરી જરૂરી દસ્તાવેજા માંગવામાં આવ્યા છે.

આજે સવારથી જ જીલ્લા કલેકટર, જીલ્લા શિક્ષણાધિકારી અને સીટના અધિકારીઓએે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં જ અનેક નિયમોનો ભંગ થયાનું ખુલવા પામ્યું છે. બીજીબાજુ લાપતા યુવતી અંગે હેબીયર્સ કોપર્સ દાખલ થતાં પોલીસે આ યુવતીઓની શોધખોળ શરૂ કરી છે. પરંતુ ફરી એક વખત પોલીસ નિષ્ફળ પુરવાર થઈ છે. યુવતીઓ કરેલાં ફોનના આધારે તેને ટ્રેસ કરવામાં આવ્યાં છે. પરંતુ પોલીસને આ યુવતીઓનું લોકેશન મળી શકતું નથી. જેનાં પરીણામે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર સેલ દ્વારા પણ ગઈકાલથી આ અંગે તપાસ કરાઈ રહી છે. બીજીબાજુ આશ્રમના સંચાલકોએ લાપતા યુવતીઓ અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે આશ્રમ સાથે સંકળાયેલી નથી જેનાં કારણે હવે નવો વિવાદ સર્જાયો છે.

સાથે સાથે આશ્રમનાં બાંધકામને લઈ વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં તપાસ કરવા માટે આજે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કોઈપણ સમયે સ્થળ તપાસ કરવા માટે જઈ શકે તેમ છે. જેનાં પગલે શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયાં છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં ભારે વિવાદ સર્જાયો છે. આશ્રમમાંથી યુવતિઓ લાપત્તા થઈ હોવાની ફરીયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પરિવારે સરકારની મદદ માંગતા જ સંબંધિત વિભાગના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. પીડિત પરિવાર સગીરવયની બાળક અને બાળકીને સોંપવામાં આવી દીધા છે. પરંતુ હજુ સુધી બે યુવતિઓ લાપત્તા છે. તેનો કબજા મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારે હોબાળો મચી જતાં રાજ્ય સરકારે આ સમગ્ર કેસમાં તપાસ કરવા માટે સીટની રચના કરી છે.

જેનાં પગલે ગઈકાલ રાતથી જ આ કેસની સમગ્ર તપાસ સીટ દ્વારા કરી દેવામાં આવી છે.  સૌ પ્રથમ નિત્યાનંદ આશ્રમના મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેમાં પ્રાથમિક તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ડીપીએસ સ્કૂલની જમીનમાં આ આશ્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. જાકે આશ્રમમાં કરાયેલાં બાંધકામની કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

આ ઉપરાંત આશ્રમમાં ભણતાં ૨૫ બાળકોનો ડીપીએસ સ્કૂલના કલાસોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે કઈ રીતે કરાયો તે પણ તપાસનો વિષય બની ગયો છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ ઉપર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જાકે હાલમાં ગઈકાલે સાંજે જ રચાયેલી સીટના અધિકારીઓએ જ સૌ પ્રથમ સમગ્ર કેસનાં જરૂરી દસ્તાવેજા મેળવી કાર્યવાહી શરૂ કરી છે.

આજે સવારથી જ આશ્રમમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક સમયે આશ્રમમાં પ્રવેશવા માટે આશ્રમના સંચાલકોએ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને આ મુદ્દે વિવાદ પણ સર્જાયો હતો. પરંતુ હવે આશ્રમમાં તપાસનીશ અધિકારીઓ પ્રવેશી ચૂક્યાં છે. આજે સવારથી જ આશ્રમમાં ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ડીપીએસ સ્કૂલ પાસે પણ આ મુદ્દે ભાડા કરાર સહિતના દસ્તાવેજા માંગવામાં આવ્યાં છે. જીલ્લા કલેક્ટરે શરૂ કરેલી તપાસમાં આશ્રમનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે.

બાંધકામ માટે મંજૂરી નહીં લીધી હોવાથી જમીનના માલિક ગણાતાં ડીપીએસ સ્કૂલના સંચાલકો વિવાદમાં આવી ગયાં છે. પોલીસે આ ઉપરાંત આશ્રમમાં રહેતાં બાળકોનાં પણ નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી દીધી છે. જાકે આજ સવારથી જ સીટના અધિકારીઓએ લાપતાં બંને યુવતીઓ ઉપરાંત આશ્રમ અંગે તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.